દિવાળી સુધી રાહત નહીં સૌરાષ્ટ્રમાં ડુંગળીના ભાવે રડાવ્યા! ગોડાઉનમાં ૫૦% માલ સડી ગયા બજારમાં ઉપલબ્ધ ડુંગળીનો જથ્થો નબળો પડી રહ્યો છે અને વરસાદ ખેંચાવાના કારણે નવા પાકના આગમનમાં પણ વિલંબ રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ડુંગળીના ભાવમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. છેલ્લા થોડા દિવસોમાં ડુંગળીના ભાવમાં પ્રતિ કિલો આશરે ૧૦-૧૫ રૂપિયાનો વધારો થયો છે. વેપારીઓના જણાવ્યા અનુસાર હાલ બજારમાં ઉપલબ્ધ ડુંગળીનો જથ્થો નબળો પડી રહ્યો છે અને વરસાદ ખેંચાવાના કારણે નવા પાકના આગમનમાં પણ વિલંબ થઈ રહ્યો છે. પરિણામે આવનારા દિવસોમાં ભાવ વધુ વધવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
રાજકોટ માર્કેટ યાર્ડ સાથે સંકળાયેલા વેપારી રાજેશ પારેખના જણાવ્યા મુજબ હાલ બજારમાં જે ડુંગળી ઉપલબ્ધ છે તેની ગુણવત્તા અગાઉની સરખામણીએ નબળી થઈ રહી છે. બીજી તરફ વરસાદ સમયસર અને પૂરતો ન પડતા નવા પાકના ઉત્પાદન પર અસર થઈ છે. સામાન્ય રીતે દર વર્ષે નોરતાના સમયગાળા દરમિયાન નવી ડુંગળી બજારમાં આવવા લાગે છે, પરંતુ આ વર્ષે વરસાદ ખેંચાતા પાકની વૃદ્ધિ ધીમી પડી છે. તેના કારણે હવે નવો પાક દિવાળી બાદ જ બજારમાં પહોંચે તેવી શક્યતા છે.
વેપારી અશોકભાઈ ગામી કહે છે કે અઠવાડિયા પહેલા ડુંગળીના ભાવ ૨૫-૨૭ રૂપિયા કિલોના હતા. જે હવે વધી ગયા છે. નાસિકથી આવતી ડુંગળીનો પૂરતો જથ્થો આવ્યો ન હોવાના કારણે અત્યારે ડુંગળીના ભાવ વધ્યાં છે. નાસિકથી અત્યારે દરરોજ ૨-૩ ગાડી આવે છે. જેમાં ૩-૪ હજાર કટ્ટા હોય છે. રાજકોટ માર્કેટ યાર્ડમાં આવતી ડુંગળીનો મોટો હિસ્સો ભાયાવદર, વાંકાનેર, કાલાવાડ, ઉપલેટા સહિત રાજકોટથી આશરે ૧૦૦ કિલોમીટરના વિસ્તારના ખેડૂતો પાસેથી આવે છે. આ વિસ્તારોમાં વરસાદની અનિયમિતતા અને ભેજવાળા વાતાવરણના કારણે પાક પર સીધી અસર પડી છે. ખેડૂતો અને વેપારીઓ બંનેને હાલની પરિસ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે.
વેપારીઓના જણાવ્યા અનુસાર કેટલાક ખેડૂતો અને સંગ્રહકારોએ અગાઉથી ડુંગળીનો સ્ટોક કરી રાખ્યો હતો, પરંતુ હાલની સ્થિતિમાં તે સ્ટોક પણ પૂરતો લાભ આપી શકતો નથી. ભેજવાળા વાતાવરણના કારણે ગોડાઉનમાં સંગ્રહિત ડુંગળીનો મોટો જથ્થો બગડી ગયો છે. અંદાજે ૫૦ ટકા જેટલો માલ ખરાબ થઈ જતાં વેપારીઓને ભારે નુકસાન સહન કરવું પડ્યું છે. પરિણામે બજારમાં ઉપલબ્ધ ડુંગળીનું પ્રમાણ ઘટ્યું છે અને તેની સીધી અસર ભાવ પર જાેવા મળી રહી છે. રાજેશ પારેખ કહે છે કે હાલના ભાવ પર પણ વેપારીઓને ખાસ ફાયદો થઈ રહ્યો નથી. કારણ કે સંગ્રહ દરમિયાન થયેલા નુકસાન અને માલ બગડવાના કારણે ખર્ચમાં વધારો થયો છે. બજારમાં પુરવઠો ઓછો અને માંગ યથાવત રહેતાં ભાવમાં વધારો અનિવાર્ય બન્યો છે. જાે આગામી દિવસોમાં વરસાદની સ્થિતિમાં સુધારો નહીં થાય અને નવા પાકનું આગમન વધુ મોડું થશે તો ભાવમાં વધુ વધારો પણ જાેવા મળી શકે છે.
હાલ ગ્રાહકોને ડુંગળી ખરીદવા માટે અગાઉ કરતાં વધુ ખર્ચ કરવો પડી રહ્યો છે. ઘરેલુ બજેટ પર તેની અસર જાેવા મળી રહી છે. વેપારીઓનું માનવું છે કે નવા પાકના આગમન સુધી ભાવમાં ખાસ રાહત મળવાની શક્યતા ઓછી છે. હવે ખેડૂતો, વેપારીઓ અને ગ્રાહકોની નજર દિવાળી પછી બજારમાં આવનારા નવા પાક પર ટકેલી છે. નવા પાકના આગમન બાદ જ પુરવઠામાં વધારો થશે અને ડુંગળીના ભાવ સ્થિર થવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.





