આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રભારી ગોપાલ રાયએ જણાવ્યુ હતુ કે ગુજરાતમાં ત્રીસ વર્ષથી ખેડૂતોએ ભારતીય જનતા પાર્ટીની સરકાર બનાવી છે. વારંવાર ખેડૂતોએ ભાજપને તક આપી સરકાર બનાવવાની, ચલાવવાની, કામ કરીને બતાવવાની. જ્યારે પણ ભાજપને જરૂર હોય છે ત્યારે ગુજરાતના ખેડૂતો ભાજપનો સાથ આપે છે, પરંતુ જ્યારે ખેડૂતોને ભાજપની જરૂર પડે છે ત્યારે સરકાર ખેડૂતોને ધિક્કારી દે છે, ખેડૂતોનો અવાજ નથી સાંભળતી અને જો અવાજ ઉઠાવે છે તો પોલીસ મૂકીને દમન કરે છે. એ પછી કડદા પ્રથા હોય કે પછી જ્યારે-જ્યારે ખેડૂતોએ અવાજ ઉઠાવ્યો ત્યારે તેમના પર એફઆઈઆર (FIR) દાખલ કરવામાં આવી. ખેતરોમાં જબરદસ્તી જ્યારે વીજળીના થાંભલા નાંખવામાં આવી રહ્યા હતા ત્યારે ખેડૂતોએ અવાજ ઉઠાવ્યો તો તેમની સામે એફઆઈઆર નોંધવામાં આવી, તેમના પર અત્યાચાર કરવામાં આવ્યો અને હવે જ્યારે ગુજરાતનો ઘણો મોટો હિસ્સો એ પછી સૌરાષ્ટ્રનો વિસ્તાર હોય કે ઉત્તર ગુજરાતનો વિસ્તાર હોય, ઓછા વરસાદના કારણે દુષ્કાળગ્રસ્ત થઈ ગયો છે અને ખેડૂતો પોતાના પાક પર હળ ચલાવવા (ખેતરોમાં પાક ઊભે-ઊભો વણી નાખવા) માટે મજબૂર થઈ રહ્યા છે, એવામાં ભાજપની સરકાર મોં બંધ કરીને ચૂપચાપ બેઠી છે.
’આપ’ નેતા ગોપાલ રાયએ વધુમાં જણાવ્યુ હતુ કે આમ આદમી પાર્ટીએ જાહેરાત કરી હતી કે જો 28 તારીખ સુધીમાં ભાજપની સરકાર ગુજરાતની અંદર જે વિસ્તારોમાં વરસાદ નથી થયો તેને દુષ્કાળગ્રસ્ત જાહેર નથી કરતી, તો 29 તારીખથી દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઇસુદાન ગઢવીના નેતૃત્વમાં ખેડૂત આંદોલનની શરૂઆત થશે. ત્યાં દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગને લઈને સત્યાગ્રહની શરૂઆત થશે. હું તમામ ગુજરાતના સૌરાષ્ટ્રના ખેડૂતોને કહેવા માંગુ છું, ઉત્તર ગુજરાતના ખેડૂતોને કહેવા માંગુ છું કે સરકાર જો વાત નથી સાંભળતી તો આપણી પાસે સત્યાગ્રહનો રસ્તો છે. 29 તારીખે ખંભાળિયા ચાલો અને આ દુષ્કાળ સામેના આંદોલનમાં જોડાઓ.





