ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રક્ષાબંધનના પવિત્ર પર્વ નિમિત્તે રાજ્યની મહિલા ધારાસભ્યોને તેમના મતવિસ્તારમાં રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસલક્ષી કામો માટે પ્રત્યેકને ₹2 કરોડ લેખે કુલ ₹28 કરોડની વિશેષ ગ્રાન્ટ ફાળવવાનો નિર્ણય જાહેર કર્યો છે. આ નિર્ણય અંગે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ ગુજરાતની મહિલાઓ માટે અવાજ ઉઠાવતા કહ્યું હતું કે રક્ષાબંધન નિમિત્તે મહિલા ધારાસભ્યોને વધારાના બે કરોડની ગ્રાન્ટ ફાળવી એ સારી બાબત છે, પરંતુ હવે ગુજરાતની બહેનોને પણ દર મહિને મહિલા સન્માન રકમ ચાલુ કરવી જોઈએ. વધુમાં ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ જણાવ્યું હતું કે, મહારાષ્ટ્ર, ઝારખંડ, પંજાબ, તેલંગાણા અને દિલ્લી સહિત અલગ અલગ તમામ પક્ષોની સરકાર મહિલાઓને દર મહિને એકાઉન્ટમાં રૂપિયા આપે છે. ગુજરાત સરકાર પણ રાજ્યની તમામ મહિલાઓને દર મહિને ખાતામાં પૈસા આપે એવી વ્યવસ્થા કરવા વિનંતી કરી હતી.





