આગામી દિવસોમાં વધુ સુનાવણી યોજવામાં આવશે ગાંધીનગર કોર્ટમાં અભિનેત્રી નોરા ફતેહી સામે ૩ કરોડનો માનહાનિનો દાવો ચાર્ટર્ડ પ્લેનને ‘રમકડું’ અને ‘એમેઝોનમાંથી મગાવેલું’ કહી સોશિયલ મીડિયા પર મજાક ઉડાવતા ડ્યુન્સ એવિએશન કંપની ખફા
બોલિવૂડની જાણીતી અભિનેત્રી અને ડાન્સર નોરા ફતેહી વિરુદ્ધ ગાંધીનગરની પ્રિન્સિપલ સિવિલ જજની અદાલતમાં શ્૩ કરોડનો માનહાનિનો સિવિલ સૂટ (દાવો) અને સ્ટે અરજી દાખલ કરવામાં આવ્યા છે. ચાર્ટર્ડ વિમાન સેવા આપતી ગાંધીનગર સ્થિત કંપની ‘ડ્યુન્સ એવિએશન પ્રાઇવેટ લિમિટેડ’ દ્વારા નોરા ફતેહી સામે આ કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. કંપનીનો આરોપ છે કે, નોરાએ સોશિયલ મીડિયા પર તેમના સુરક્ષિત અને માન્યતા પ્રાપ્ત પ્લેનની મજાક ઉડાવીને કંપનીની છબીને મોટું નુકસાન પહોંચાડ્યું છે. આ મામલે આગામી દિવસોમાં વધુ સુનાવણી યોજવામાં આવશે. કેસની વિગતો મુજબ, ૧૪ ડિસેમ્બર ૨૦૨૫ના રોજ જયપુર ખાતે આયોજિત એક બ્રાન્ડ લોન્ચિંગ ઇવેન્ટમાં પર્ફાેર્મ કરવા માટે હસ્તી પેટ્રોકેમિકલ્સ દ્વારા નોરા ફતેહી અને તેની ટીમને મુંબઈથી જયપુર લઈ જવા ડ્યુન્સ એવિએશનનું ‘Cessna Citation CJ2’ (કોલ સાઇન VT-NDA) ચાર્ટર્ડ પ્લેન બુક કરવામાં આવ્યું હતું. આ ફ્લાઇટમાં બોર્ડિંગ દરમિયાન નોરા ફતેહીએ પોતાના વેરિફાઇડ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ (જેના આશરે ૪.૬૬ કરોડ ફોલોઅર્સ છે) પરથી કેટલીક સ્ટોરીઝ અને વીડિયો અપલોડ કર્યા હતા. આ વીડિયોમાં નોરાએ પ્લેનની સુરક્ષા અને તેના કદ અંગે આપત્તિજનક ટીકાઓ કરી હતી. જેથી કંપનીએ અગાઉ ૨૯ ડિસેમ્બર ૨૦૨૫ના રોજ નોરા ફતેહીને કાનૂની નોટિસ મોકલીને સોશિયલ મીડિયા પરથી આ પબ્લિકેશન હટાવવા, બિનશરતી માફી માંગવા અને નુકસાન વળતર ચૂકવવા જણાવ્યું હતું. પરંતુ કોઈ યોગ્ય પ્રતિસાદ ન મળતા આખરે ગાંધીનગર કોર્ટના દ્વાર ખખડાવવામાં આવ્યા છે. આ કેસમાં એડવોકેટ વિકાસ વી. નાયર અને જિગ્નેશ આર. મોદી મારફતે ગાંધીનગર સિવિલ કોર્ટમાં વકીલાતનામું અને સ્ટે અરજી રજૂ કરવામાં આવી છે.ડ્યુન્સ એવિએશનના અધિકૃત સહીકર્તા સોનિયા શિવંગ શાહ દ્વારા કોર્ટમાં રજૂ કરાયેલી પિટિશનમાં જણાવાયું છે કે, તેમનું પ્લેન DGCA (ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન) દ્વારા સંપૂર્ણ પ્રમાણિત અને તમામ સુરક્ષા ધોરણો પૂરા કરતું ‘બિઝનેસ જેટ’ છે. નોરા ફતેહીનો વીડિયો વાયરલ થયા બાદ છેલ્લા ૪૫થી ૫૦ દિવસમાં કંપનીના બુકિંગમાં ૧૫ થી ૨૦ ટકાનો ઘટાડો નોંધાયો છે.




