મોબાઇલમાં સોફ્ટવેર અપડેટનું લખાણ આવ્યું અને રૂ.૮૯,૫૨૨ ઉપડી ગયા મોબાઇલમાંથી નાણાં ઉપડી ગયાની જાણ થતાં અનિલ હેમનાનીએ સાયબર ક્રાઇમ હેલ્પલાઇન ૧૯૩૦ પર ફરિયાદ નોંધાવી હતી વાઘોડિયા-ડભોઇ રિંગ રોડ પર રહેતા ૫૨ વર્ષીય નિવૃત્ત અનિલ હેમનાની સાથે મોબાઇલમાં સોફ્ટવેર અપડેટનું લખાણ આવ્યા બાદ રૂ.૮૯,૫૨૨ની સાયબર છેતરપિંડી થઈ હતી. આ મામલે કપૂરાઈ પોલીસે અજાણ્યા શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
અનિલ હેમનાનીએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગત ૨૪ સપ્ટેમ્બરે સાંજે સાડા પાંચ વાગ્યાના અરસામાં તેમના મોબાઇલ ફોનમાં સોફ્ટવેર અપડેટ કરવાનું લખાણ આવ્યું હતું. ત્યારબાદ મોબાઇલ ફોન હેક થઈ ગયો હતો. આ દરમિયાન તેમના ગૂગલ પે ખાતામાંથી ‘સાઇસ્તા ડુ સાગીર’ નામના યુઝર આઈડી પર ત્રણ વખત નાણાકીય વ્યવહાર કરવામાં આવ્યા હતા.
મોબાઇલમાંથી નાણાં ઉપડી ગયાની જાણ થતાં અનિલ હેમનાનીએ સાયબર ક્રાઇમ હેલ્પલાઇન ૧૯૩૦ પર ફરિયાદ નોંધાવી હતી. આ રીતે કુલ રૂ.૮૯,૫૨૨ની છેતરપિંડી થઈ હોવાનું સામે આવ્યું છે. ફરિયાદના આધારે કપૂરાઈ પોલીસે અજાણ્યા શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી સાયબર છેતરપિંડીના મામલે તપાસ શરૂ કરી છે.




