ઐશ્વર્યા માટે કરી નાખી મોટી વાત ‘કજરા રે’ના શૂટિંગને લઈને અભિષેક બચ્ચને સિક્રેટ રિવિલ કર્યું ‘કજરા રે’ને શંકર-એહસાન-લોયે સંગીત આપ્યું હતું અને અલિશા ચિનોય, શંકર મહાદેવન તથા જાવેદ અલીએ તેને અવાજ આપ્યો હતો
અમિતાભ બચ્ચન, અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય બચ્ચનનું ૨૦૦૫ની ફિલ્મ બંટી ઔર બબલીનું લોકપ્રિય ગીત ‘કજરા રે’ આજે પણ દર્શકોના મનમાં સદાબહાર છે. હવે અભિષેક બચ્ચને આ ગીતના શૂટિંગની યાદો તાજી કરતાં કહ્યું છે કે તેના શૂટિંગ દરમિયાન એવું લાગતું જ નહોતું કે કોઈ ફિલ્મનું ગીત શૂટ થઈ રહ્યું છે, પરંતુ જાણે ચાર કલાક લાંબી ડાન્સ પાર્ટી ચાલી રહી હોય. અભિષેકે જણાવ્યું કે ‘કજરા રે’નું શૂટિંગ તેમના માટે સૌથી મોજ વાળા શૂટિંગોમાંનું એક હતું. ગીતના શૂટિંગ દરમિયાન તેમનો જન્મદિવસ પણ આવ્યો હતો અને સેટ પર તેની ઉજવણી કરવામાં આવી હતી. દિગ્દર્શક શાદ અલીએ ગીત વગાડ્યું અને કલાકારોને લગભગ ચાર કલાક સુધી ડાન્સ કરવા દીધા. તે દરમિયાન કરવામાં આવેલી મસ્તી અને ડાન્સના ઘણા ભાગોને બાદમાં ગીતમાં સામેલ કરવામાં આવ્યા હતા. અને તે બાબત ખરેખર દરેક માટે યાદગાર બની ગઈ હતી.અભિષેકે એ પણ ખુલાસો કર્યાે કે તેઓ ‘કજરા રે ૨.૦’ કરવા માટે તૈયાર છે. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું તેઓ અમિતાભ બચ્ચન અને ઐશ્વર્યા રાય સાથે ફરી આવું ગીત કરવા માગશે, ત્યારે તેમણે કહ્યું કે તેમને તો ચોક્કસ ગમશે, પરંતુ તેના માટે તેમણે પહેલા ઐશ્વર્યા અને પોતાના પિતાને મનાવવા પડશે. ‘કજરા રે’ને શંકર-એહસાન-લોયે સંગીત આપ્યું હતું અને અલિશા ચિનોય, શંકર મહાદેવન તથા જાવેદ અલીએ તેને અવાજ આપ્યો હતો. વૈભવી મર્ચન્ટે ગીતની કોરિયોગ્રાફી કરી હતી. રસપ્રદ વાત એ છે કે શરૂઆતમાં આ ગીતને લઈને મેકર્સને પણ ખાસ વિશ્વાસ નહોતો. માર્કેટિંગ ટીમના આંતરિક મૂલ્યાંકનમાં પણ આ ગીતને શરૂઆતમાં ટોચનું સ્થાન મળ્યું નહોતું. દિગ્દર્શક શાદ અલીએ અગાઉ જણાવ્યું હતું કે અમિતાભ બચ્ચન પણ શરૂઆતમાં ગીતને લઈને સહમત નહોતા અને તેમણે ગીત શૂટ ન કરવાની સલાહ આપી હતી. જાેકે, અંતે ગીત શૂટ થયું અને ‘કજરા રે’ ફિલ્મના સૌથી યાદગાર ગીતોમાં સામેલ થયું. ગીતની ખાસિયત એ પણ હતી કે તેમાં ત્રણેય કલાકારોની અલગ-અલગ સ્ટાઇલ જાેવા મળી હતી—અભિષેકની મસ્તી, ઐશ્વર્યાની અદા અને અમિતાભ બચ્ચનની પણ અનોખી સ્ટાઇલ. ૨૦૦૫માં શૂટ થયેલું આ ગીત આજે પણ એટલું લોકપ્રિય છે કે અભિષેક હવે તેના ૨.૦ વર્ઝન માટે તૈયાર છે.




