યોગી કેબિનેટની બેઠકમાં લાગી મહોર જેવર એરપોર્ટ હવે નરેન્દ્ર મોદી ઈન્ટરનેશનલ એરપોર્ટથી ઓળખાશે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે નોઈડા ખાતે આવેલા જેવર એરપોર્ટનું નામ બદલીને હવે નરેન્દ્ર મોદી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ કરી દીધું
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આજે લખનઉના લોકભવનમાં કેબિનેટ બેઠક દરમિયાન મોટી જાહેરાત કરી છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે નોઈડા ખાતે આવેલા જેવર એરપોર્ટનું નામ બદલીને હવે નરેન્દ્ર મોદી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ કરી દીધું છે. મુખ્યમંત્રીની આ જાહેરાત બાદ નોઈડા ઇન્ટરનેશનલ એરપોર્ટને હવે નરેન્દ્ર મોદી ઇન્ટરનેશનલ એરપોર્ટ તરીકે ઓળખવામાં આવશે.
દિલ્હી ઇન્ટરનેશનલ એરપોર્ટ પછી હવે નોઈડાનું જેવર એરપોર્ટ ફ્લાઇટ સંચાલનની બાબતમાં બીજું સૌથી મોટું એરપોર્ટ બની ચૂક્યું છે. મંત્રીમંડળની બેઠક પછી પ્રેસ કોન્ફરન્સ દરમિયાન સીએમ યોગીએ કહ્યું કે, નોઈડામાં જેવર ઇન્ટરનેશનલ એરપોર્ટથી પ્રદેશ હવે એર કનેક્ટિવિટીની નવી ઊંચાઈઓને સ્પર્શી રહ્યું છે. સાથે જ એર કનેક્ટિવિટીની બાબતમાં આ એરપોર્ટ સતત વિસ્તરણ કરી રહ્યું છે.
કેબિનેટની બેઠક પછી સીએમ યોગીએ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કહ્યું કે કેબિનેટમાં આ પ્રસ્તાવ પસાર કરી દેવામાં આવ્યો છે.
પીએમ મોદીના જાહેર જીવનમાં ૨૫ વર્ષ પૂરા થવાના પ્રસંગે આ તેમના જાહેર અભિનંદનનો પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો છે. પીએમ મોદીએ આ એરપોર્ટનું ઉદ્ઘાટન કર્યું હતું અને હવે ચાર તબક્કામાં તેનું વિસ્તરણ થવાનું છે. આ બેઠક દરમિયાન સીએમ યોગીએ યુપી સરકારની ૯ વર્ષની સિદ્ધિઓ પણ ગણાવી હતી.
મુખ્યમંત્રીએ જણાવ્યું કે સરકારના વડા તરીકે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ૨૫ વર્ષની અવિરામ સેવા યાત્રાના અભિનંદનમાં મંત્રીમંડળે વિશેષ પ્રસ્તાવ પસાર કર્યો છે. તેમણે કહ્યું કે વડાપ્રધાન ઉત્તર પ્રદેશથી સાંસદ તરીકે દેશનું નેતૃત્વ કરી રહ્યા છે. વર્ષ ૨૦૧૪માં કાશી આવ્યા ત્યારે તેમણે કહ્યું હતું કે તેમને મા ગંગાએ બોલાવ્યા છે. કાશીથી શરૂ થયેલો આ આત્મીય સંબંધ પ્રદેશના વિકાસનો આધાર બન્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, નોઈડાના જેવર એરપોર્ટનું ઉદ્ઘાટન ૨૮ માર્ચ, ૨૦૨૬ના રોજ થયું હતું. ત્યારબાદ અહીં ૧૫ જૂનથી ફ્લાઇટ શરૂ કરવામાં આવી હતી. આ એરપોર્ટના ૪ તબક્કા પૂરા થયા પછી તે એશિયાનું સૌથી મોટું એરપોર્ટ બની જશે. પહેલા તબક્કા માટે કુલ ૩૩૦૦ એકર જમીન પર ટર્મિનલ અને રનવે બનાવવામાં આવ્યા છે, જ્યાંથી કુલ ૧.૨ કરોડ મુસાફરો મુસાફરી કરી શકે છે.




