પશ્ચિમ બંગાળમાં પોસ્ટર વિવાદ હિંદુ દુકાનોમાંથી ખાઓ બિરિયાની.. દુર્ગા પૂજા પહેલા પશ્ચિમ બંગાળમાં પોસ્ટર વિવાદ આ પોસ્ટરો સામે આવ્યા બાદ વિરોધ પક્ષો આ મામલે પોલીસ કાર્યવાહીની માંગ કરી રહ્યા છે
પશ્ચિમ બંગાળમાં દુર્ગા પૂજા પહેલાં એક રાજકીય વિવાદ સર્જાયો છે. સોશિયલ મીડિયા પર એવા પોસ્ટરો વાયરલ થઈ રહ્યા છે જેમાં લોકોને હિંદુઓની માલિકીની દુકાનોમાંથી બિરયાની અને પૂજાની સામગ્રી ખરીદવાની અપીલ કરવામાં આવી છે. આ પોસ્ટરો સામે આવ્યા બાદ વિરોધ પક્ષો આ મામલે પોલીસ કાર્યવાહીની માંગ કરી રહ્યા છે.સિલીગુડીમાં, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) સાથે સંકળાયેલા સંગઠન ‘હિંદુ જાગરણ મંચ‘ દ્વારા આ પોસ્ટરો લગાવવામાં આવ્યા હતા. પોતાના આ પગલાનો બચાવ કરતા સંગઠને જણાવ્યું હતું કે આ પોસ્ટરો માત્ર એક અપીલ હતી, કોઈ ફરજિયાત આદેશ નહીં.
વાયરલ થયેલા પોસ્ટરમાં લખ્યું છે, “તમને બિરયાની ખાતા કોઈ રોકી રહ્યું નથી. તમે ચોક્કસપણે બિરયાની ખાઓ, પરંતુ તે હિંદુઓની માલિકીની દુકાનોમાંથી જ ખરીદો.”
તૃણમૂલના પ્રવક્તા અને બેલેઘાટાના ધારાસભ્ય કુણાલ ઘોષે કહ્યું, સિલીગુડીની ઘટના અસ્વીકાર્ય છે કારણ કે સ્વાદને ધાર્મિક સીમાઓમાં બાંધી શકાતો નથી. હિંદુની માલિકીની દુકાનમાં ઉત્તમ બિરયાની મળી શકે છે, અથવા મુસ્લિમની માલિકીની દુકાનમાં પણ એટલી જ શાનદાર બિરયાની મળી શકે છે. ખોરાકની ઓળખ તેના સ્વાદથી થાય છે, ધર્મથી નહીં. આવા આદેશો સ્વીકારી શકાય નહીં.
વરિષ્ઠ CPI(M) નેતા અને ભૂતપૂર્વ મંત્રી અશોક ભટ્ટાચાર્યએ પોસ્ટરો અંગે પોલીસ કાર્યવાહીની માંગ કરી હતી. તેમણે કહ્યું, “ધર્મનિરપેક્ષ અને લોકશાહી દેશમાં આવા પોસ્ટરો લગાવવા એ ગુનો છે. વહીવટીતંત્રે માત્ર પોસ્ટરો જ હટાવવા ન જાેઈએ, પરંતુ આ સાંપ્રદાયિક અભિયાન પાછળ રહેલા લોકોની ધરપકડ પણ કરવી જાેઈએ.”
ડાબેરી પક્ષોએ ભારપૂર્વક જણાવ્યું હતું કે બંધારણ તમામ ધર્મના લોકોને સમાન અધિકારો આપે છે અને વ્યક્તિની આજીવિકા તેના ધર્મના આધારે નક્કી ન થવી જાેઈએ.




