CG રોડથી ચાંદી ને ચેન્નઇથી સોનું ખરીદ્યું સરકારી ગ્રાન્ટને ઘરના પૈસા સમજીને નીરજા ગુપ્તાએ મન ફાવે એમ ઉડાવ્યા રૂ.૩.૧૯ લાખથી વધુની સોના-ચાંદીની ખરીદીના બિલો પણ યુનિવર્સિટીના માથે નાખી દેવામાં આવ્યા હતા
ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ ડૉ. નીરજા ગુપ્તા દ્વારા પોતાના સત્તાકાળ દરમિયાન કરવામાં આવેલી ગંભીર ગેરરીતિઓ અને સરકારી નાણાંના દુરુપયોગના એક પછી એક ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. અગાઉ અધિકારીઓની ગેરકાયદે ભરતી, સરકારી ગ્રાન્ટમાંથી પોતાના પુત્રના ખાતામાં નાણાં ટ્રાન્સફર કરવા અને વિદેશ પ્રવાસો દરમિયાન અંગત ખરીદી કરવા જેવા ગંભીર આરોપો સામનો કરી રહેલા પૂર્વ કુલપતિની નવી કરમકુંડળી સામે આવી છે.
ગુજરાત યુનિવર્સિટીના તત્કાલિન કુલપતિ નીરજા ગુપ્તાની એક પછી એક ગેરરીતિઓ સામે આવી રહી છે. જેમાં તેમણે સોના-ચાંદીના દાગીના તેમજ મોંઘી બાંધણીઓની અંગત ખરીદી કરીને તેના બિલો યુનિવર્સિટીના ભંડોળમાંથી ચૂકવી દીધા હોવાનો ખુલાસો થયો છે. પોતાના કાર્યકાળના અંતિમ મહિનાઓ દરમિયાન નીરજા ગુપ્તાએ યુનિવર્સિટીના નાણાંનો બેફામ દુરુપયોગ કર્યો હતો.
નીરજા ગુપ્તાએ નવરંગપુરા સ્થિત બાંધેજ સ્ટોરમાંથી ૨ મે ૨૦૨૬ના રોજ રૂ.૫૯,૩૫૦ની કિંમતની ૫ અલગ-અલગ બાંધણી, રૂ.૬,૦૦૦નું બ્લાઉઝ અને રૂ.૧૧,૦૦૦ની કુર્તી ખરીદી કરી હતી. આ ખરીદીની રકમ શરૂઆતમાં નીરજા ગુપ્તાએ ચૂકવી હતી, પરંતુ બાદમાં આ જ રકમ યુનિવર્સિટીના ખાતામાંથી સીધી જ તેમના અંગત બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવી લેવામાં આવી હતી. આટલું જ નહીં, સી.જી. રોડ પર આવેલા ચાંદીધામ જ્વેલર્સમાંથી ૧૭ જૂન ૨૦૨૬ના રોજ કુલ ૮૫૧ ગ્રામ ચાંદીના દાગીના ખરીદવામાં આવ્યા હતા, જેની કિંમત રૂ.૨,૨૯,૧૭૫ થતી હતી. આ સિવાય એપ્રિલ ૨૦૨૫માં ચેન્નાઈ પ્રવાસ દરમિયાન વુમ્મિડી શ્રી જ્વેલર્સમાંથી પણ રૂ.૯૦,૪૨૨ની કિંમતનું સોનું ખરીદવામાં આવ્યું હતું. આમ, કુલ મળીને રૂ.૩.૧૯ લાખથી વધુની સોના-ચાંદીની ખરીદીના બિલો પણ યુનિવર્સિટીના માથે નાખી દેવામાં આવ્યા હતા.
આ તમામ ગેરકાયદેસર વ્યવહારો સામે કોઈને શંકા ન જાય તે માટે નીરજા ગુપ્તાએ ચતુરાઈપૂર્વક બિલોને સામાન્ય એકાઉન્ટ વિભાગમાં મોકલવાને બદલે સ્ટડી અબ્રોડ પ્રોગ્રામ (SAP) હેઠળ પાસ કરાવ્યા હતા. આ વિભાગ પર તેમનો સીધો વહીવટી કંટ્રોલ હોવાથી કોઈ પણ જાતના વિઘ્ન વગર સોના-ચાંદીના બિલોની રકમ સિલ્વર પેલેસ પ્રાઇવેટ લિમિટેડના ખાતામાં તથા અંગત ખર્ચની રકમ પોતાના ખાતામાં જમા કરાવી લેવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે, ૩૦ જૂન ૨૦૨૬ના રોજ નિવૃત્ત થયેલા પૂર્વ કુલપતિ સામે અગાઉ પણ પોતાના પુસ્તકની ૧,૦૦૦ કોપી ખરીદીને યુનિવર્સિટી પાસેથી રૂ.૪.૧૪ લાખ ચૂકવાવવાનો તથા બે-બે પગાર લેવાનો આરોપ લાગી ચૂક્યો છે. હાલમાં સામે આવેલા આ તમામ ચોંકાવનારા પુરાવાઓને આધારે સમગ્ર મામલાની ઊંડાણપૂર્વક તપાસ કરવા માટે નિવૃત્ત જજની સમિતિની રચના કરવામાં આવી છે.




