લેબ રિપોર્ટ સમયસર આવશે કે કેમ તેવો સવાલ ખરાબ ગુણવત્તાનાં ફાફડા-જલેબીનું વેચાણ રોકવા મ્યુનિ.ની દોડધામ ફૂડ વિભાગની ટીમોએ શહેરનાં જુદા જુદા વિસ્તારોમાંથી ફાફડા અને જલેબીનાં ૫૦થી વધુ નમૂના લઇ લેબોરેટરીમાં મોકલી આપ્યા
આગામી દશેરાનાં તહેવાર નિમિત્તે લાખો શહેરીજનો કરોડો રૂપિયાનાં ફાફડા-જલેબી આરોગી જાય છે ત્યારે અનેક લેભાગુ વેપારીઓ હલકી ગુણવત્તાનાં અને ભેળસેળવાળી ચીજવસ્તુનો ઉપયોગ કરી બનાવતાં ફાફડા-જલેબી વેચી નાગરિકોનાં આરોગ્ય સાથે ચેડા કરતાં હોય છે. આવા વેપારીઓને ઝડપી લેવા માટે મ્યુનિ. ફૂડ વિભાગે ચેકિંગ અને નમૂના લેવાની કાર્યવાહી હાથ ધરી છે.મ્યુનિ. ફૂડ વિભાગનાં સૂત્રોનાં જણાવ્યા અનુસાર, સૌપ્રથમ નવરાત્રિનાં તહેવારથી જ ખાણીપીણીનાં ધંધામાં તેજીની શરૂઆત થઇ જાય છે અને આ તેજી દિવાળી સુધી ચાલે છે. તહેવારોમાં હલકી ગુણવત્તાનાં અને ભેળસેળવાળા ખાદ્યપદાર્થાેનુ ઉત્પાદન અને વેચાણ કરતાં વેપારીઓનો તોટો નથી. ખાસ કરીને મિઠાઇ, ફરસાણ, બેકરી પ્રોડક્ટસ વગેરેમાં મોટા પ્રમાણમાં ભેળસેળ કરવામાં આવે છે, જેનાથી નાગરિકોને અનેક પ્રકારનાં રોગનો ભોગ બનવુ પડે તેવી શક્યતા સો ટકા હોય છે. બીજી બાજુ ઉપરથી આવેલી સૂચનાને પગલે મ્યુનિ. ફૂડ વિભાગ હાલ તો સક્રિય બન્યુ છે અને ડુપ્લીકેટ ખાદ્યપદાર્થાેનાં ઉત્પાદકો અને વેચાણ કરનારા સામે કડક કાર્યવાહી કરી રહ્યું છે. હવે ખાસ કરીને દશેરાનાં દિવસે કરોડો રૂપિયાનાં ફાફડા-જલેબી વેચાવાનાં છે અને તેના માટે કેટલાય વેપારીઓ અત્યારથી જ ફાફડા વગેરે પ્રકારની ચીજવસ્તુ બનાવી સ્ટોક કરી રાખતાં હોય છે. ત્યારબાદ દશેરાનાં દિવસે ઉમટતી ભીડને વાસી ફાફડા અને જલેબી પધરાવી દેતાં હોય છે. આથી મ્યુનિ. ફૂડ વિભાગને અત્યારથી જ ફાફડા-જલેબીનાં નમૂના લઇ પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં ચકાસણી અર્થે મોકલવાની તાકીદ કરાઇ હોવાથી ફૂડ વિભાગની ટીમોએ શહેરનાં જુદા જુદા વિસ્તારોમાંથી ફાફડા અને જલેબીનાં ૫૦થી વધુ નમૂના લઇ લેબોરેટરીમાં મોકલી આપ્યા છે.




