પ્રિયાગોલ્ડને લઈને મોટા સમાચાર સામે આવ્યા નેપાળમાં પ્રિયાગોલ્ડ બિસ્કિટ પર પ્રતિબંધ કંપની પર ખાદ્ય સુરક્ષા અને સ્વચ્છતાના નિયમોના ગંભીર ઉલ્લંઘનના આરોપો લાગ્યા છે ભારતીય બિસ્કિટ બ્રાન્ડ પ્રિયાગોલ્ડને લઈને મોટો સમાચાર સામે આવ્યા છે. ભારતની ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી (FSSAI) દ્વારા કંપની સામે કાર્યવાહી કરવામાં આવ્યા બાદ નેપાળે પ્રિયાગોલ્ડ બિસ્કિટની આયાત અને વેચાણ પર પ્રતિબંધ મૂકી દીધો છે. કંપની પર ખાદ્ય સુરક્ષા અને સ્વચ્છતાના નિયમોના ગંભીર ઉલ્લંઘનના આરોપો લાગ્યા છે.નેપાળમાં પ્રિયાગોલ્ડ બિસ્કિટ પર પ્રતિબંધ કેમ લાગ્યો? :- નેપાળના ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ વિભાગે સોમવાર, ૧૯ ઑક્ટોબરે નોટિસ જાહેર કરીને પ્રિયાગોલ્ડ બિસ્કિટની આયાત, વેચાણ અને વિતરણ પર પ્રતિબંધ મૂક્યો છે. આ બિસ્કિટ ભારતની સૂર્યા ફૂડ એન્ડ એગ્રો લિમિટેડ કંપની બનાવે છે.
નેપાળના વિભાગે જણાવ્યું છે કે આ પ્રોડક્ટ નિર્ધારિત ગુણવત્તાનાં ધોરણોને અનુરૂપ નથી. લોકોના સ્વાસ્થ્ય અને ગ્રાહકોના હિતને ધ્યાનમાં રાખીને આ ર્નિણય લેવામાં આવ્યો છે. વિભાગે વેપારીઓ અને સામાન્ય લોકોને આ બિસ્કિટની આયાત અને વેચાણ બંધ કરવાની સૂચના આપી છે.
બિસ્કિટ બનાવતી કંપની પર શું આરોપો લાગ્યા? :- ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઑફ ઇન્ડિયા (FSSAI)એ સૂર્યા ફૂડ એન્ડ એગ્રોની ફેક્ટરીનું નિરીક્ષણ કર્યું હતું. આ તપાસ દરમિયાન કેટલીક ગંભીર ખામીઓ સામે આવી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. અહેવાલ મુજબ, બિસ્કિટ બનાવવામાં પશુઓના ચારા તરીકે ઉપયોગમાં લેવાતી ભૂસીનો કાચા માલ તરીકે ઉપયોગ કરવામાં આવ્યો હોવાની વાત તપાસમાં સામે આવી હતી.
FSSAIએ ફેક્ટરીમાં સ્વચ્છતા, જીવાત નિયંત્રણ, કાચા માલનો સંગ્રહ અને તેને અલગ રાખવાની વ્યવસ્થા, કર્મચારીઓની સ્વચ્છતા તથા ફેક્ટરીની જાળવણીમાં પણ ગંભીર ખામીઓ હોવાનો ઉલ્લેખ કર્યો હતો. આ મામલે કંપની સામે કાનૂની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. અહેવાલ પ્રમાણે, નિયમનકારી સંસ્થાએ કંપનીનું લાઇસન્સ પણ સસ્પેન્ડ કર્યું છે.
બજારમાં પહેલેથી વેચાણ માટે આવેલા બિસ્કિટનું શું થશે? :- નેપાળના વિભાગે અધિકૃત આયાતકારો અને ફૂડ બિઝનેસ સાથે સંકળાયેલા વેપારીઓને બજારમાં ઉપલબ્ધ પ્રિયાગોલ્ડ બિસ્કિટનો સ્ટોક પાછો ખેંચવાનો આદેશ આપ્યો છે.
આ ઉપરાંત, વેપારીઓને હવે આ બિસ્કિટની નવી આયાત અને વેચાણ ન કરવા પણ સૂચના આપવામાં આવી છે. આ ર્નિણયથી નેપાળમાં પ્રિયાગોલ્ડ બિસ્કિટના વેચાણ પર અસર પડશે.




