લાલ સમુદ્રમાં ૧૪ ભારતીયો સવાર યાટ પર હુમલાનો દાવા યમનના હુથી દળો દ્વારા બચાવ કામગીરી શરૂ, ભારતીય દૂતાવાસ તપાસમાં સક્રિય સાઉદી અરેબિયાના એરપોર્ટ પર હુમલામાં ભારતીય નાગરિકના મૃત્યુના એક દિવસ બાદ નવો ઘટસ્ફોટ
યમનના હુથી દળો દ્વારા એવો ગંભીર દાવો કરવામાં આવ્યો છે કે સાઉદી અરેબિયા દ્વારા દક્ષિણ લાલ સમુદ્રમાં આવેલા ઝુકાર ટાપુની નજીક ૧૪ ભારતીય નાગરિકોને વહન કરતી એક યાટને નિશાન બનાવવામાં આવી છે. હુથી સૈન્ય પક્ષે જણાવ્યું છે કે તેમના દળો દ્વારા આ જહાજ પર સવાર તમામ લોકોને સુરક્ષિત રીતે બચાવી લેવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
હુથી લશ્કરી પ્રવક્તા યાહ્યા સાડીએ આ સંદર્ભમાં માહિતી આપતા જણાવ્યું હતું કે આ મામલે વિગતવાર માહિતી આગામી સમયમાં જાહેર કરવામાં આવશે. જાેકે, અત્યાર સુધી આ દાવાની કોઈપણ સ્વતંત્ર માધ્યમથી સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. પ્રારંભિક અહેવાલો ટાંકીને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા પ્રવક્તાએ આક્ષેપ કર્યો હતો કે સાઉદી પક્ષ દ્વારા ઝુકાર ટાપુ પાસે ૧૪ ભારતીયોની યાટને ટાર્ગેટ કરાઈ રહી છે, અને યમનના સશસ્ત્ર દળો તેમને રેસ્ક્યુ કરી રહ્યા છે.
વધુમાં એવું પણ જણાવાયું હતું કે સાઉદી પ્રશાસનની આ પ્રકારની બેદરકાર અને જાેખમી હરકતો લાલ સમુદ્રમાં ચાલતા આંતરરાષ્ટ્રીય જળમાર્ગીય નેવિગેશન માટે મોટો ખતરો પેદા કરે છે, જેથી વૈશ્વિક સમુદાયે આ બાબતે હસ્તક્ષેપ કરવો જાેઈએ. હુથીઓ તરફથી એમ પણ દાવો કરાયો છે કે તેમણે યાટમાંથી ૧૪ ભારતીયોને સફળતાપૂર્વક બચાવી લીધા છે અને ભારત સરકાર તરફથી પણ સહયોગની ખાતરી અપાઈ છે.
નોંધનીય છે કે આ ઘટના સાઉદી અરેબિયાના દમ્મામ સ્થિત કિંગ ફહદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર તાજેતરમાં થયેલા એક હુમલામાં ભારતીય નાગરિકના મૃત્યુની ઘટનાના માત્ર એક જ દિવસ બાદ સામે આવી છે. અગાઉના તે હુમલામાં અન્ય એક વ્યક્તિએ પણ જીવ ગુમાવ્યો હતો જ્યારે બે ભારતીય નાગરિકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. બીજી તરફ, આ સમગ્ર ઘટનાક્રમ વચ્ચે યમનમાં સ્થિત ભારતીય દૂતાવાસે સત્તાવાર નિવેદન આપતા સ્પષ્ટ કર્યું છે કે તેઓ આ તમામ અહેવાલોની ગંભીરતાથી તપાસ કરી રહ્યા છે અને ફસાયેલા કે પ્રભાવિત ૧૪ ભારતીય નાગરિકોની સુરક્ષા પૂર્ણપણે સુનિશ્ચિત કરવા માટે તમામ આવશ્યક પગલાં લેવામાં આવી રહ્યા છે.




