ભારતીયોની મદદ માટે શરુ થયા પ્રયત્નો એર ઈંડિયાની સાઉદી જતી ફ્લાઈટ્સ ૭ નવે. સુધી સ્થગિત સાઉદી અરબમાં ફરી એકવાર એરપોર્ટ પર હુમલો કરવામાં આવ્યો છે જેને ધ્યાનમાં લઈને નિર્ણય કરાયો સાઉદી અરબમાં સ્થિતિ દિવસેને દિવસે બગડી રહી છે. શનિવારે ફરીથી સાઉદી અરબને નિશાન બનાવવામાં આવ્યું. આ ઘટના પછી એર ઇન્ડિયા અને એર ઇન્ડિયા એક્સપ્રેસ એ મોટો ર્નિણય લીધો છે. જાણવા મળતી માહિતી અનુસાર સાઉદીના રિયાદ અને દમ્મામ જતી અને આવતી તમામ ફ્લાઈટ્સ ૭ નવેમ્બર સુધી સ્થગિત કરી દેવામાં આવી છે. એટલું જ નહીં જેદ્દા માટેની સેવાઓ પણ ૩૧ ઓક્ટોબર સુધી સ્થગિત રહેશે. પ્રવાસીઓ માટે રી બુકિંગ નો ઓપ્શન ઓપન કરી દેવામાં આવ્યો છે જેથી લોકો પોતાનું ૭ નવેમ્બર પહેલાનું બુકિંગ કેન્સલ થવા પર રિફંડ કે રીબુકીંગ કરી શકે.
બીજી તરફ ભારત તરફથી સાઉદી અરબમાં ફસાયેલા ભારતીય નાગરિકો માટે શનિવારે નિર્દેશ પણ જાહેર કરવામાં આવ્યા હતા. ભારતે સાઉદી અરબની ફ્લાઈટ કેન્સલ થવાથી સાઉદીમાં ફસાયેલા નાગરિકો ખાસ કરીને ઉમરાના યાત્રીઓ માટે નિર્દેશ જાહેર કર્યા છે અને કહ્યું છે કે તેમને ઝડપથી ભારત પરત લાવવા માટે અધિકારીઓ સાથે વાતચીત શરૂ કરી દેવામાં આવી છે. ભારતીય વાણિજ્ય દૂતાવાસે કહ્યું છે કે જેદ્દા અને મક્કા માં ભારતીય નાગરિકોને જરૂરી સહાયતા પૂરી પાડવામાં દૂતાવાસ ૨૪ કલાક સક્રિય રહેશે.
સંકટના આ સમયમાં સ્થાનિક સામુદાયિક સંગઠનો અને સ્વયંસેવકો પણ સહયોગ કરી રહ્યા છે. દુતાવાસ તરફથી કહેવામાં આવ્યું છે, પ્રભાવિત ભારતીયોને ભોજન, દવાઓ અને અન્ય જરૂરી સેવાઓ ઉપલબ્ધ કરવામાં આવી રહી છે. ફ્લાઇટ કેન્સલ થવાથી ભારતીયોને થયેલી સમસ્યા ખાસ કરીને વિઝા ની વેલીડીટી અને ફ્લાઈટ કેન્સલેશન સંબંધિત અન્ય સમસ્યાઓને દૂર કરવા માટે દૂતાવાસ સાઉદી અરબ તેમજ ઉમરા મંત્રાલય અને વિદેશ મંત્રાલયના સંપર્કમાં છે.
મહત્વપૂર્ણ છે કે રિયાદ અને દમ્મામ એરપોર્ટ પર થયેલા હુમલા પછી એર ઈન્ડિયા દ્વારા ૭ નવેમ્બર સુધી તમામ ફ્લાઈટ કેન્સલ કરવામાં આવી છે. એર ઇન્ડિયા દ્વારા ૨૪ ઓક્ટોબરથી યાત્રીઓ માટે રી બુકિંગ અને રિફંડ માટેની વિન્ડો ઓપન કરી દેવામાં આવી છે. આ સિવાય જે લોકોની યાત્રા ૭ નવેમ્બર ૨૦૨૬ સુધીમાં હતી તેઓ સાઉદી અરબના કોઈપણ ઓપરેશનલ એર ઇન્ડિયા સ્ટેશન પરથી ફ્રી માં રી બુકિંગ કરાવી શકે છે રી બુકિંગ ૨૧ નવેમ્બર સુધી માન્ય રહેશે.
જે યાત્રી જેદ્દા માટે મુસાફરી કરી રહ્યા છે અને ત્યાંથી પરત ફરી રહ્યા છે અને તેમની મુસાફરીની તારીખ ૩૧ ઓક્ટોબર સુધીની છે તેઓ પણ સાઉદી અરબ ના કોઈપણ ઓપરેશનલ એર ઇન્ડિયા સ્ટેશન પરથી એક વખત રી બુકિંગ કરાવી શકે છે આ રી બુકિંગની વેલીડીટી ૧૪ નવેમ્બર ૨૦૨૬ સુધી રહેશે. કેટલાક સમયથી સાઉદી અરબની અલગ અલગ જગ્યાએ હુથી બળવાખોરો હુમલો કરી રહ્યા છે. અરેબિયા પર સૌથી મોટો હુમલો થયાનો દાવો કરવામાં આવ્યો હતો. સાઉદી અરેબિયામાં પાંચથી વધુ મહત્વપૂર્ણ જગ્યા અને ઊર્જા સ્થાપનો પર ડ્રોન અને મિસાઇલ એટેક કર્યાનો દાવો હુથીઓ દ્વારા કરવામાં આવ્યો છે. જાેકે આ દાવો હુથીઓ દ્વારા કરવામાં આવ્યો છે, સાઉદી અરબ તરફથી આ અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટ નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી.




