આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ એક વિડિયોના માધ્યમથી ગંભીર મુદ્દા પર પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, રાજકોટમાં એક દારૂ પાર્ટી પકડાઈ. પોલીસ અને મીડિયા દ્વારા એ રીતે રજૂઆત કરવામાં આવી જાણે આ ગુજરાતના ઇતિહાસની પહેલી ઘટના હોય. સુરત, વાપી, વલસાડ, ભરૂચ, અમદાવાદ, અંકલેશ્વર, રાજકોટ કે બીજા કોઈપણ ઇન્ડસ્ટ્રીયલ એરિયા બીજા રાજ્યમાંથી જે શ્રમિકો આવે છે ત્યાં બેફામ દારૂ વેચાય છે અને લોકો સાથે મળીને દારૂની મેહફીલો કરતા હોય છે અને સ્ટિંગ ઓપરેશન દ્વારા આના વિડીયો પણ વાયરલ થતા હોય છે પણ પોલીસને મજૂર પકડવામાં રસ નથી કારણ કે મજૂર પાસેથી માલ ન મળે. તો પોલીસે સમાજના સંપન્ન વર્ગના લોકોને બદનામ કરવાની અને તોડ કરવાની દુકાન ખોલી છે અને આમાં ભાજપના નેતાઓ સામેલ છે. કોઈ મોટી હોટલમાં જ્યારે આવી રેડ પડે ત્યારે આપણે સમજી શકીએ છીએ કે રાજકીય હિસાબ સરભર કરવાની અને તોડ કરવાના હિસાબે રેડ પડી છે. પોલીસને ખબર છે કે આખા ગુજરાતમાં દારૂ વેચાય છે તો હંમેશા પીનારા લોકો જ કેમ પકડાય છે? વેચનારા લોકો કેમ પકડાતા નથી? દારૂબંધી હોય એવા રાજ્યમાં દારૂ મળવાથી ગૃહમંત્રીની બદનામી થવી જોઈએ કે પછી બે ગ્લાસ પીવાવાળા લોકોની બદનામી થવી જોઈએ?
વધુમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ જણાવ્યું હતું કે, રાજકોટમાં જે રેડ પડી એમાં પોલીસ પોતાની કાર્યવાહી કરે એમાં કંઈ ખોટું નથી પરંતુ તમે તોડ કરવાની ભાવનાથી મીડિયા પરેડ કરાવો છો એ ખોટું છે. પોલીસ ધારતી તો સરકારી કાર્યવાહીની ગોપીનિયતા જાળવી શકતી હતી. પરંતુ પોલીસે તોડ કરાવવા માટે બહેનો દીકરીઓની પરેડ કરાવી જે ખરેખર ખોટું છે. ત્યાં તમામ પરિવારના લોકો સાથે હતા મતલબ ત્યાં કોઈ ખોટું કામ થતું ન હતું. ભાજપના ખેસ પહેરીને હજારો બુટલેગરો ખુલ્લેઆમ ભાજપના હોદ્દા લઈને બેઠા છે. પોલીસ પાસે એક બ્રીધ એનેલાઇઝરનું મશીન હોય છે તો એમાં કોણે દારૂ પીધો છે કે નહીં એ ચેક કરતા અને જરૂર પડતી તો જ એમના બ્લડ સેમ્પલ લેબોરેટરીમાં મોકલતા પરંતુ પોલીસ તોડ કરવા માટે આવી હતી એટલા માટે આવા કોઈ મશીન લઈને આવી ન હતી. સમાજના સંપન્ન વર્ગના લોકો પોતાનો નોકરી ધંધો કરે છે બે-ચાર લોકોને રોજગારી આપે છે એ લોકોને અપમાનિત કરવાનો અધિકાર ભાજપના નેતા કે પોલીસને નથી. અત્યારે કોઈપણ જીઆઇડીસીમાં રાત્રે જાઓ તો ત્યાં બેફામ દારૂ વેચાતો હોય છે, પોલીસની જેલ ટૂંકી પડે એટલા લોકો રાત્રે દારૂ પીને ફરતા હોય છે. ભાજપના ઝંડા લઈને ફરનારા, ભાજપને સપોર્ટ કરનારા અને વૈચારિક રીતે પણ ભાજપની સાથે છે એવા સંપન્ન લોકોનો જ ભાજપ તોડ કરી રહી છે તેમને અપમાનિત કરે છે તેમની મીડિયા ટ્રાયલ ચલાવે છે. ગુજરાતમાં અનેક ધારાસભ્યો, આઈએએસ, આઈપીએસ ઓફિસરો ખુલ્લેઆમ દારૂ પીતા હોય છે પોલીસના અનેક કર્મચારીઓ દારૂ પીવે છે તો પછી ફક્ત અમુક વર્ગના લોકોને અપમાનિત શા માટે કરવામાં આવે છે? તો હકીકતમાં તોડ કરવા માટે આ બધું કરવામાં આવે છે અને આ તોડની દુકાન ભાજપે બંધ કરવી જોઈએ.




