(નીડર , નિષ્પક્ષ અને તટસ્થ છગનલાલ મેવાડા દ્વારા) સુરત
એક તરફ દેશમાં રાષ્ટ્રીય ડેરી વિકાસ નિગમ દ્વારા શ્વેત ક્રાંતિનો પ્રયોગ થઈ રહ્યો છે. તો તેની વિરુદ્ધ કેટલાંક સ્વાર્થી તત્વો એ સફેદ ષડયંત્ર ફેલાવ્યું છે. દેશમાં શ્વેત ક્રાંતિના નારા હેઠળ ડેરી વિકાસ યોજના શરૂ થઈ, ત્યારે સિન્થેટિક મિલ્કની મોટી સમસ્યા દેશ સામે ઊભી થઈ છે. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં દૂધની ભેળસેળનો ગોરખધંધો કદાચ દારૂના દૂષણ કરતાં પણ વધુ જોખમી રીતે ચાલી રહ્યો છે. નકલી દૂધની સાથે દૂધના ફેટ જાળવી રાખવા માટે વપરાતા તત્વો (કેમીકલ) માનવીના આરોગ્ય સાથે ગંભીર ચેડાં કરે છે.
બાળરોગ નિષ્ણાત નકલી તથા કેમિકલવાળા ભેળસેળયુક્ત દૂધની આડ અસરો વિશે સ્પષ્ટ અભિપ્રાય આપે છે કે દૂધનું સૌથી વધુ સેવન બાળકો કરતા હોય છે. માટે તેના કુમળાં અવયવો ઉપર કેમિકલની ગંભીર માઠી અસર પડે છે. કેમિકલવાળા દૂધના કાયમી સેવનથી બાળકો આંતરડા, લીવર, કિડનીના રોગોનો ભોગ બને છે. ચામડીના રોગો થાય છે. આ ઉપરાંત મગજના વિકાસ પર ગંભીર અસર પડે છે. યુરિયા-પામતેલ જેવા તત્વોના કારણે કુમળાં હૃદયને ગંભીર હાની પહોંચે છે.
અહીં સમસ્યા એટલા માટે કહેવી પડે છે કે નકલી અને અસલી દૂધ વચ્ચેનો તફાવત પારખવો થોડો મુશ્કેલ છે. એટલે સુધી કે દૂધમાંની ઘનતા (ફેટ) માપવા માટે વપરાતું લેક્ટોમીટર પણ કોસ્ટિક સોડા, યુરિયા અને ડિટર્જન્ટ મિશ્રિત સિન્થેટિક મિલ્કને પકડી શકતું નથી. એટલે કે લેક્ટોમીટર દ્વારા પણ આવા મિલાવટી દૂધની તપાસ કરી શકાતી નથી.
જો કે રાષ્ટ્રીય ડેરી વિકાસ નિગમ (કરનાલ)ના વિજ્ઞાનીઓ આ પ્રકારના કૃત્રિમ દૂધની પરખ કરવા એક ખાસ પ્રકારનું ઉપકરણ તૈયાર કર્યું હોવાનો દાવો કરે છે. પરંતુ આ ઉપકરણને સરકારી માન્યતા આપવા પ્રયાસો કરીને તેનો ઉપયોગ આખા દેશમાં કરવો જરૂરી છે.




