અમેરિકી રાજકારણમાં ભારતીયોનો દબદબો મધ્યસત્ર ચૂંટણીમાં ગવર્નરથી લઈને મેયર સુધીના ૫૭ ઉમેદવારો મેદાનમાં કેલિફોર્નિયા, ઇલિનોય અને ન્યૂયોર્કમાં સૌથી વધુ ઉમેદવારો; ભારતીય-અમેરિકી સમુદાયની વધતી રાજકીય તાકાત
અમેરિકાની રાજનીતિમાં આ સમયે ભારે હલચલ જાેવા મળી રહી છે, જ્યાં આગામી મધ્યસત્ર ચૂંટણીમાં ભારતીય મૂળના કુલ ૫૭ ઉમેદવારો અલગ-અલગ પદો માટે પોતાનું ભાગ્ય અજમાવી રહ્યા છે. આ ચૂંટણી માત્ર રિપબ્લિકન અને ડેમોક્રેટિક પાર્ટીઓ વચ્ચેનો રાજકીય જંગ નથી, પરંતુ અમેરિકી સમાજમાં ભારતીય-અમેરિકી સમુદાયના વધતા જતા પ્રભાવ અને રાજકીય કદની અગ્નિપરીક્ષા સમાન બની રહી છે.
દેશભરમાંથી એકત્ર કરવામાં આવેલા સત્તાવાર આંકડાઓ અનુસાર, મેદાનમાં ઉતરેલા આ ૫૭ ઉમેદવારોમાંથી ૧ ઉમેદવાર સેનેટ માટે, ૧૧ પ્રતિનિધિ સભા માટે, ૩ રાજ્યવ્યાપી પદો માટે, ૩૬ રાજ્ય વિધાનમંડળ માટે અને ૬ ઉમેદવારો સ્થાનિક સંસ્થાઓના પદ માટે ચૂંટણી લડી રહ્યા છે. ખાસ કરીને ૨૨ રાજ્યોની રાજ્ય વિધાનસભાઓ માટે ૩૬ ભારતીય ઉમેદવારો મેદાનમાં છે, જેમાં કેલિફોર્નિયા, ઇલિનોય અને ન્યૂયોર્ક રાજ્યમાં સૌથી વધુ ઉમેદવારી નોંધાઈ છે. આ યાદીમાં માત્ર તે જ ઉમેદવારોનો સમાવેશ કરાયો છે જેમની ભારતીય મૂળની ઓળખ સંપૂર્ણપણે પ્રમાણિત થઈ ચૂકી છે.
ચૂંટણીના આ જંગમાં કેટલાક મુકાબલાઓ અત્યંત રોમાંચક અને ચર્ચાના કેન્દ્રમાં રહ્યા છે. ઓહાયોમાં ગવર્નર પદ માટે રિપબ્લિકન ઉમેદવાર વિવેક રામાસ્વામીનો સીધો મુકાબલો ડેમોક્રેટિક પાર્ટીના એમી એક્ટન સામે છે. આ ઉપરાંત, લોસ એન્જલસમાં મેયર પદના દાવેદાર નિત્યા રતમ વર્તમાન મેયર કરેન બાસને જાેરદાર ટક્કર આપી રહ્યા છે. ન્યૂયોર્કમાં સરિતા કોમાટિરેડ્ડી એટોર્ની જનરલ લેટિટિયા જેમ્સ સામે મેદાનમાં છે, જ્યારે મેરીલેન્ડના લેફ્ટિનેન્ટ ગવર્નર અરૂણા મિલર પોતાની સત્તા જાળવી રાખવા માટે પ્રયાસરત છે. સાથે જ, પ્રતિનિધિ સભામાં રો ખન્ના, અમી બેરા, પ્રમિલા જયપાલ અને સુહાસ સુબ્રમણ્યમ જેવા જાણીતા વર્તમાન સાંસદો પણ પોતાની સીટો બચાવવા માટે પૂરી તાકાત લગાવી રહ્યા છે.
અમેરિકી મતદાતાઓ આ ચૂંટણીમાં કયા નેતાઓને સ્વીકૃતિ આપે છે અને કેટલા ભારતીય મૂળના ચહેરાઓ વિજયી બને છે તે તો ચૂંટણી પરિણામો જ નક્કી કરશે, પરંતુ આ ચૂંટણીએ અમેરિકી લોકશાહીમાં ભારતીયોની મજબૂત ઉપસ્થિતિ જગજાહેર કરી દીધી છે.




