અમેરિકી પત્રકાર ટકર કાર્લસનનો દાવો નેતન્યાહૂના દબાણમાં ઈરાન પર પરમાણુ હુમલો કરવાની તૈયારીમાં ટ્રમ્પ ઇઝરાયલના વડાપ્રધાન જેલથી બચવા અને સત્તા ટકાવવા અમેરિકા પર બનાવી રહ્યા છે દબાણ; પિકએક્સ માઉન્ટેન બની શકે છે નિશાન
અમેરિકાના પ્રખ્યાત પત્રકાર અને આંતરરાષ્ટ્રીય બાબતોના નિષ્ણાત ટકર કાર્લસને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક મોટો દાવો કરીને વૈશ્વિક રાજકારણમાં ખળભળાટ મચાવી દીધો છે. તેમના જણાવ્યા મુજબ, ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પર ઈરાન વિરુદ્ધ પરમાણુ હુમલો કરવા માટે ભારે દબાણ કરી રહ્યા છે. કાર્લસને દાવો કર્યો છે કે અમેરિકા આગામી ગણતરીના દિવસોમાં જ ઈરાનના મહત્ત્વપૂર્ણ સ્થળને નિશાન બનાવી શકે છે.
આ સંભવિત પરમાણુ હુમલામાં ઈરાનના પિકએક્સ માઉન્ટેનને નિશાન બનાવવામાં આવી શકે છે. ઇઝરાયલી ગુપ્તચર એજન્સીઓનું માનવું છે કે આ પહાડની ૩૦૦ ફૂટ નીચે આવેલી અંડરગ્રાઉન્ડ ટનલોમાં ઈરાને પોતાનો પરમાણુ સંવર્ધન (ન્યુક્લિયર એનરિચમેન્ટ) પ્રોગ્રામ ફરી શરૂ કર્યો છે, જેને સામાન્ય શસ્ત્રોથી ભેદી શકાતા નથી. કાર્લસને દાવો કર્યો છે કે રાજકીય સંકટ અને વડાપ્રધાન પદ ગુમાવ્યા બાદ જેલ જવાના ડરથી નેતન્યાહૂ ટ્રમ્પને દરરોજ ફોન કરીને આ હુમલા માટે દબાણ કરી રહ્યા છે.
આ સંભવિત હુમલાના કારણે ખાડી દેશોમાં ભારે ભયનો માહોલ છવાયો છે. જાે આ પ્રકારનો પરમાણુ હુમલો થાય તો તેનો રેડિયોએક્ટિવ ફોલઆઉટ ફારસની ખાડીને પ્રદૂષિત કરી શકે છે, જેનાથી કરોડો લોકોનું પીવાનું પાણી ઝેરી બની જવાનો ખતરો છે. ટકર કાર્લસને ચેતવણી આપી છે કે જાે અમેરિકા આવું પગલું ભરશે તો તે દુનિયાને ત્રીજા વિશ્વયુદ્ધ તરફ ધકેલી શકે છે, કારણ કે તેનાથી અન્ય પરમાણુ શક્તિસંપન્ન દેશો પણ આ પ્રકારના શસ્ત્રો વાપરવા માટે પ્રેરિત થઈ શકે છે.




