આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાએ એક વીડિયોના માધ્યમથી અત્યંત ગંભીર મુદ્દા પર પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, આવતીકાલે ભારતીય જનતા પાર્ટી ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિને જનજાતીય ગૌરવ દિવસ તરીકે ઉજવવા જઈ રહી છે, સૌથી મોટો સવાલ એ છે કે ભાજપને હવે રહી રહીને આદિવાસી સમાજ કેમ યાદ આવી રહ્યો છે? આટલા વર્ષોથી તેઓ આદિવાસી સમાજનું અને આદિવાસી વિસ્તારોનું શોષણ કરી રહ્યા છે, પેસા એક્ટને આજ દિન સુધી જમીન પર લાગુ કરવામાં આવ્યો નથી, જળ, જંગલ, જમીનના અધિકારો આજદિન સુધી આપ્યા નથી, છતાં પણ ભાજપને હવે આદિવાસી સમાજ માટે પ્રેમ ઉભરાઈ આવ્યો હોય એમ મુખ્યમંત્રી સહિત તમામ મંત્રીઓના ધાડાના ધાડા આદિવાસી પટ્ટામાં ઉતરી આવ્યા છે. કેમ ભાઈ? હવે આદિવાસી સમાજ તમને કેમ યાદ આવ્યો?
વધુમાં આમ આદમી પાર્ટીના નેતા મનોજ સોરઠીયાએ જણાવ્યું હતું કે, આદિવાસી સમાજના એક ધારાસભ્ય – એક લોકપ્રિય નેતા ચૈતર વસાવા જ્યારે આદિવાસી સમાજ માટે હક માંગે છે, જ્યારે પોતાના વિસ્તાર માટે સવાલ પૂછે છે, તો તમે એમને જેલમાં નાંખવાનું કામ કરો છો, અનેક વર્ષોથી તમે આદિવાસી લોકો સાથે અન્યાય કરવાનું કામ કરતા આવ્યા છો અને તમે હવે આદિવાસી સમાજના લોકોને રીઝવવા માટે નાટકો કરવાનું શરૂ કર્યું છે. પહેલી વાત તો એ કે આ જનજાતિ નહીં પરંતુ આદિવાસી લોકો છે, આ લોકો આદિ સમયના રહેવાસી છે એવું તમે માનો, આ લોકોને અધિકારો આપવામાં તમને બિલકુલ રસ નથી પરંતુ તમારે ધતિંગો કરવામાં રસ છે. હું ભાજપના લોકોને કહેવા માગું છું કે ધારાસભ્ય ચૈતર વસાવા અધિકારો માટે લડી રહ્યા છે અને ન્યાય માટે લડી રહ્યા છે તો એમને એ અધિકાર અને ન્યાય આપો અને ત્યારબાદ તમે આદિવાસી વિસ્તારમાં ફરવાનું શરૂ કરો, જળ જંગલ જમીનના અધિકારો આપો, પેસા એક્ટ લાગુ કરો અને એ પછી તમારે આદિવાસી વિસ્તારોમાં મત માંગવા પણ જવું નહીં પડે.




