ભાજપે કર્યો વળતો પ્રહાર ભારતમાં હવે લોકશાહી રહી નથી, રાહુલ ગાંધીના નિવેદનથી રાજકારણ ગરમાયું ભાજપના નેતાઓએ આ મુદ્દાને આધારે કોંગ્રેસ પર ભારત વિરોધી એજન્ડાને પ્રોત્સાહન આપવાનો આરોપ લગાવ્યો લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ હૈદરાબાદમાં આયોજિત ભારત સમિટ ૨૦૨૬ દરમિયાન કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કરતાં ભારતમાં લોકશાહી વ્યવસ્થા સામે સવાલો ઉઠાવ્યા છે. તેમણે આક્ષેપ કર્યો હતો કે દેશમાં હવે લોકશાહી રહી નથી અને વર્ષ ૨૦૧૪થી ભાજપના નેતૃત્વ હેઠળની સરકાર દ્વારા લોકતાંત્રિક સંસ્થાઓને સુનિયોજિત રીતે નબળી પાડવામાં આવી રહી છે. રાહુલ ગાંધીના આ નિવેદન બાદ ભાજપે પણ વળતો પ્રહાર કરતાં કોંગ્રેસ પર ગંભીર આરોપો લગાવ્યા છે. તેલંગાણા સરકાર દ્વારા આયોજિત સમિટને સંબોધતાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે ભારત માત્ર પોતાના માટે જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વના લોકશાહી આંદોલન માટે પણ મહત્ત્વપૂર્ણ છે. જાેકે, વર્તમાન પરિસ્થિતિમાં દેશમાં લોકશાહી વ્યવસ્થા સામે ગંભીર પડકારો ઊભા થયા છે. તેમણે વર્ષ ૨૦૧૪ અને ૨૦૨૪ની લોકસભા ચૂંટણીઓમાં અનિયમિતતાઓ થઈ હોવાનો આક્ષેપ કર્યો હતો. રાહુલ ગાંધીએ કહ્યું કે ૨૦૧૪ની ચૂંટણી બાદ રાજકીય વ્યવસ્થામાં મોટો બદલાવ આવ્યો હતો અને ચૂંટણી પ્રચારમાં મોટા પ્રમાણમાં નાણાંનો ઉપયોગ થવા લાગ્યો હતો. તેમણે સ્વીકાર્યું કે આ પરિવર્તનથી વિપક્ષ શરૂઆતમાં આઘાતમાં હતો. તેમના જણાવ્યા અનુસાર, વિપક્ષ એક-બે વર્ષ નહીં, પરંતુ લગભગ એક દાયકા સુધી આ પરિસ્થિતિમાંથી બહાર આવી શક્યો નહોતો.
રાહુલ ગાંધીએ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીનો ઉલ્લેખ કરીને ચૂંટણી પ્રક્રિયા પર પણ સવાલો ઉઠાવ્યા હતા. તેમણે દાવો કર્યો હતો કે લોકસભા ચૂંટણીમાં વિપક્ષી ઇન્ડિયા ગઠબંધનને વધુ બેઠકો મળી હતી, પરંતુ માત્ર ત્રણ મહિના બાદ યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં પરિણામો બદલાઈ ગયાં હતાં. તેમણે આરોપ લગાવ્યો કે બંને ચૂંટણીઓ વચ્ચે આશરે ૭૦ લાખ નવા મતદારો ઉમેરાયા હતા અને આ તમામ મતદારોએ ભાજપને મત આપ્યો હતો. આ ઉપરાંત તેમણે મતદાર યાદીઓ અને ચૂંટણી પંચની કામગીરી અંગે સવાલો ઉઠાવતાં કહ્યું હતું કે ચૂંટણી પ્રક્રિયાની વિશ્વસનીયતા જળવાઈ રહે તે લોકશાહી માટે અત્યંત જરૂરી છે. રાહુલ ગાંધીએ દેશમાં આર્થિક તકો અમુક પસંદગીના ઔદ્યોગિક જૂથો સુધી સીમિત થઈ રહી હોવાનો પણ આક્ષેપ કર્યો હતો. તેમના મતે રાજકીય સત્તા, આર્થિક પ્રભાવ અને જાહેર સંસ્થાઓ વચ્ચેના સંબંધો અંગે ગંભીર ચર્ચા થવી જાેઈએ. તેમણે વૈકલ્પિક વિચારો સ્વીકારવા તૈયાર ન હોય અને દરેક સવાલનો જવાબ પોતાની પાસે જ હોવાનો દાવો કરતા લોકોને ફાસીવાદી વલણ ધરાવતા ગણાવ્યા હતા. સમિટમાં ભાગ લેવા માટે આવનારા કેટલાક આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિઓને ભારતમાં પ્રવેશવાની મંજૂરી ન મળ્યાનો મુદ્દો પણ રાહુલ ગાંધીએ ઉઠાવ્યો હતો. તેમણે વિદેશી મહેમાનોની માફી માગતાં કહ્યું કે તેમને ભારત આવવાની મંજૂરી ન મળવી એ આયોજકોની ભૂલ નથી. કોંગ્રેસના સાંસદ શશિ થરૂરે પણ આ મુદ્દે સવાલો ઉઠાવ્યા હતા. તેમના દાવા મુજબ, વિદેશ મંત્રાલય દ્વારા મંજૂર કરાયેલા ૩૧૫ વક્તાઓમાંથી ૧૧૫ને ભારતમાં પ્રવેશતા અટકાવવામાં આવ્યા હતા અથવા તેમના વિઝા રદ કરવામાં આવ્યા હતા. ભાજપના રાષ્ટ્રીય મીડિયા સંયોજક આશિષ ઉષા અગ્રવાલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર ઇક્વાડોરના પૂર્વ વિદેશ મંત્રી ગિલાઉમ લોંગને સમિટમાં આમંત્રણ આપવા સામે સવાલો ઉઠાવ્યા હતા. તેમણે દાવો કર્યો હતો કે લોંગ સાથે સંકળાયેલી સંસ્થાને જ્યોર્જ સોરોસ સમર્થિત ઓપન સોસાયટી પોલિસી સેન્ટર તરફથી વર્ષ ૨૦૨૧માં ૪.૨૦ લાખ ડોલરનું અનુદાન મળ્યું હતું.ભાજપના નેતાઓએ આ મુદ્દાને આધારે કોંગ્રેસ પર ભારત વિરોધી એજન્ડાને પ્રોત્સાહન આપવાનો આરોપ લગાવ્યો હતો. આ વિવાદમાં ભાજપના નેતાઓ સુધાંશુ ત્રિવેદી અને પ્રદીપ ભંડારીએ પણ કોંગ્રેસને ઘેરી હતી.




