(નીડર, નિષ્પક્ષ અને તટસ્થ છગનલાલ મેવાડા દ્વારા) સુરત
ભારતીય નાગરિકનું મતદાર યાદીમાં નામ હોવું એટલે માત્ર સરકારી ચોપડે નોંધાયેલી એક પ્રકારની વિગતો નથી. પરંતુ એ ભારતીય નાગરિકને દેશના શાસનના નિર્ણયમાં ભાગીદાર બનાવતી તેની ઓળખ છે. પરંતુ કલ્પના કરો કે જે વ્યક્તિ વર્ષોથી મતદાન કરતી આવી હોય, ચૂંટણીમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરતી આવી હોય તેનું નામ એક દિવસ અચાનક મતદાર યાદીમાંથી ગાયબ થઈ જાય? હવે તેણે પોતાની જ ઓળખ સાબિત કરવા માટે સરકારી કચેરીઓના દરવાજા ખખડાવવા પડે અને અગાઉથી નોંધાયેલા મતદાર હોવા છતાં નવેસરથી નોંધણી કરાવવાની ફરજ પડે છે. આ સ્થિતિ માત્ર વહીવટી ગૂંચવણ નથી, પરંતુ ચૂંટણી વ્યવસ્થાની વિશ્વસનીયતા સામે ઊભો થયેલો ગંભીર સવાલ છે. મતદાર યાદી સુધારણાની પ્રક્રિયા નાગરિકની સુવિધા માટે છે કે નાગરિકે જ આ પ્રક્રિયા સામે પોતાની નિર્દોષતા સાબિત કરવાની છે?
જ્યારે સુપ્રીમ કોર્ટના સવાલો ચૂંટણી પંચ માટે માત્ર સ્પષ્ટતા આપવાની તક નથી, પરંતુ સમગ્ર પ્રક્રિયાની ખામીઓ સુધારવાની ચેતવણી પણ છે. ચૂંટણી પંચે અગાઉથી નોંધાયેલા મતદારોનાં નામ દૂર થવાના કારણો, તેમની પુનઃ નોંધણીની યોગ્ય પધ્ધતિ અને અપીલની સરળ વ્યવસ્થા અંગે સ્પષ્ટ નીતિ જાહેર કરવી જોઈએ. કોઈપણ સંજોગોમાં નાગરિકને પોતાની જ મતદાર તરીકેની ઓળખ માટે બિનજરૂરી સંઘર્ષ કરવો પડે તેવી સ્થિતિ ઊભી થવી ન જોઈએ. કેમ કે ચૂંટણીની વિશ્વસનીયતા માત્ર મતદાન મથક પર થતી પ્રક્રિયાથી નક્કી થતી નથી.
એ મતદાર યાદીની પારદર્શિતા અને દરેક પાત્ર નાગરિકના અધિકારની સુરક્ષાથી પણ નક્કી થાય છે. યાદ રાખવું જોઈએ કે મતદાર યાદીમાંથી એક ખોટું નામ દૂર કરવું વહીવટી સુધારો હોઈ શકે, પરંતુ એક સાચું નામ દૂર થવું ગંભીર અન્યાય છે. મતાધિકાર નાગરિકનો અધિકાર છે, કોઈ સરકારનો ઉપકાર નહીં.
સર (SIR) માટે જે સવાલો ઊભા થયા છે એ છે કે જ્યારે સને ૨૦૧૯ અને સને ૨૦૨૪ની ચૂંટણીઓ થઈ ત્યારે આ પ્રકારની કામગીરી સરકાર તરફથી કરવામાં નતી આવી, પરંતુ સને ૨૦૨૯ ની ચૂંટણીઓ પહેલા આ પ્રકારની કામગીરી જરૂર સરકારને પોતાની નાવ ડૂબવાનો અહેસાસ કરાવી રહી છે.




