તપાસના આદેશ અપાયા એક હોટલમાં રોકાયેલા કપલને ધમકાવતી પોલીસનો વીડિયો વાયરલ હોટલ સંચાલકે ઉચ્ચ પોલીસ અધિકારીઓ સામે રૂ. ૨૫-૨૫ હજારના માસિક હપ્તાની માંગણીનો ગંભીર આરોપ લગાવ્યો કાયદો અને વ્યવસ્થાના રક્ષક ગણાતી પોલીસની કાર્યશૈલી પર ગંભીર સવાલો ઊભા કરતી એક ઘટના મધ્ય પ્રદેશના સિવની જિલ્લામાં સામે આવી છે. અહીંની એક હોટલમાં રોકાયેલા પુખ્ત વયના કપલને ધમકાવતા અને તેમની બેગમાં ગાંજાે મૂકીને ખોટા કેસમાં ફસાવી દેવાની વાત કરતા પોલીસ અધિકારીઓનો સીસીટીવી વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં પોલીસ બેડામાં હડકંપ મચી ગયો છે. આ મામલે ઉચ્ચ અધિકારીઓ સામે હપ્તાખોરીના આરોપો પણ લાગતા એસપીએ તાત્કાલિક અસરથી પોલીસ મથક પ્રભારીને હટાવી તપાસના આદેશ આપ્યા છે. મળતી વિગતો અનુસાર, આ ઘટના સિવની જિલ્લાના ડૂંડા સિવની પોલીસ મથક વિસ્તારમાં બાબરિયા રોડ પર આવેલી હોટલ સિદ્ધાર્થની છે. ગત ૧૩ નવેમ્બરની સાંજની હોવાનું કહેવાતી આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. ફૂટેજમાં એક પોલીસ અધિકારી અન્ય સાત પોલીસકર્મીઓ સાથે હોટલના રિસેપ્શન એરિયામાં સ્ટાફ સાથે વાતચીત કરતા નજરે પડે છે. આ દરમિયાન અધિકારી હોટલમાં રોકાયેલા કપલને ડ્રગ્સના કેસમાં ફસાવવા માટે “તેમની બેગમાં થોડો ગાંજાે મૂકી દો” તેવું કહેતા સંભળાય છે. આ ઘટનાની પુષ્ટિ કરતા હોટલ સંચાલક સંજય સનોડિયાએ પોલીસ તંત્ર પર વસૂલી અને ઉત્પીડનના સનસનીખેજ આક્ષેપો કર્યા છે. હોટલ માલિકના જણાવ્યા મુજબ, ડૂંડા સિવની પોલીસ મથકના ટીઆઈ સતીષ તિવારી, એસડીઓપી ચંચલેશ મરકામ અને ટ્રાફિક ઈન્સ્પેક્ટર વિજય તિવારી દ્વારા હોટલ ચલાવવા માટે પ્રતિમાસ રૂ. ૨૫-૨૫ હજારના હપ્તાની માંગણી કરવામાં આવતી હતી. સંચાલકે એવો પણ દાવો કર્યો છે કે, તેમણે એક સ્થાનિક પત્રકારની હાજરીમાં ટીઆઈ અને એસડીઓપીને રૂ. ૧૦-૧૦ હજાર આપ્યા પણ હતા. આ ઉપરાંત, હોટલમાં રૂમ ભાડે રાખનાર એક યુવકે પણ થોડા દિવસ અગાઉ આ ત્રણેય અધિકારીઓ પર મારપીટ કરી હોવાનો આરોપ લગાવ્યો છે. સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થયા બાદ સિવની પોલીસ અધિક્ષક (એસપી)એ સમગ્ર પ્રકરણની ગંભીર નોંધ લીધી છે. પ્રાથમિક તબક્કે ડૂંડા સિવની પોલીસ મથકના ઈન્ચાર્જને તાત્કાલિક અસરથી પોલીસ લાઈનમાં તૈનાત (લાઈન હાજર) કરવાનો આદેશ આપવામાં આવ્યો છે અને સમગ્ર મામલાની ઉચ્ચસ્તરીય તપાસ શરૂ કરવામાં આવી છે.




