ચૂંટણી ખર્ચ ૫૦ ગણો વધ્યાનો પણ આક્ષેપ ભારત આર્થિક સંકટની અણીએ ઊભું છે‘, રાહુલ ગાંધીનો દાવો કોલંબિયા યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ સાથે સંવાદ દરમિયાન બેરોજગારી અને શિક્ષણ વ્યવસ્થાને લઈને સરકાર પર સાધ્યું નિશાન લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ અમેરિકાની કોલંબિયા યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ સાથે સંવાદ દરમિયાન ભારતની આર્થિક સ્થિતિને લઈને ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. તેમણે દાવો કર્યો કે ભારત એક મોટા આર્થિક સંકટ તરફ આગળ વધી રહ્યું છે. દેશમાં વધતી બેરોજગારી, શિક્ષણ વ્યવસ્થાની ખામીઓ અને રોજગારીની મર્યાદિત તકોને લઈને તેમણે સવાલો ઉઠાવ્યા હતા.
કોલંબિયા યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો સાથેની ચર્ચા દરમિયાન રાહુલ ગાંધીએ કહ્યું હતું કે ભારતમાં બેરોજગારીની સમસ્યા અત્યંત ગંભીર છે અને શિક્ષણ વ્યવસ્થામાં પણ ઊંડી ખામીઓ છે. તેમના મતે, ખાસ કરીને મધ્યમ વર્ગના શિક્ષિત યુવાનોને અભ્યાસ પૂર્ણ કર્યા બાદ રોજગારી અને ભવિષ્યની તકો અંગે અનિશ્ચિતતા સતાવી રહી છે.
તેમણે જણાવ્યું હતું કે યુવાનોને હવે પોતાના ભવિષ્યની કોઈ સ્પષ્ટ દિશા દેખાતી નથી. નવી પેઢી પોતાના માતા-પિતાને પણ સવાલ કરી રહી છે કે અગાઉની પેઢી માટે સફળતાનો જે માર્ગ હતો તે હવે તેમના માટે કેમ કામ કરતો નથી.
રાહુલ ગાંધીએ ચૂંટણી પ્રચારમાં થતા ખર્ચ અંગે પણ મોટો સવાલ ઉઠાવ્યો હતો. તેમણે દાવો કર્યો કે અગાઉની ચૂંટણીઓની સરખામણીએ તાજેતરના ચૂંટણી પ્રચારમાં ૨૦થી ૫૦ ગણો વધુ ખર્ચ કરવામાં આવ્યો હતો. આટલી મોટી રકમ ક્યાંથી આવી રહી છે તે અંગે પણ તેમણે સવાલ કર્યો હતો. ચૂંટણીનાં પરિણામો અંગે પણ તેમણે આશંકા વ્યક્ત કરી હતી. કેટલીક રસાકસીભરી બેઠકો પર અચાનક મોટા મતતફાવતથી મળેલી જીત અંગે તેમણે સવાલો ઉઠાવ્યા હતા. જાેકે, આ બાબતે તેમણે કરેલા આક્ષેપો અને ચૂંટણી ગેરરીતિના દાવાઓને સ્વતંત્ર રીતે સાબિત થયેલા તથ્યો તરીકે જાેઈ શકાય નહીં.
રાહુલ ગાંધીએ ભારતના આર્થિક મોડલ અંગે પણ ટીકા કરી હતી. તેમના મતે, નાના અને મધ્યમ ઉદ્યોગો તથા કૃષિ ક્ષેત્ર રોજગારીનું મુખ્ય માધ્યમ છે. દેશમાં ઉત્પાદન ક્ષેત્રને વધુ મજબૂત બનાવવાની જરૂરિયાત પર તેમણે ભાર મૂક્યો હતો. માત્ર સર્વિસ સેક્ટરના આધારે દેશના તમામ યુવાનોને રોજગારી પૂરી પાડવી શક્ય નથી તેમ પણ તેમણે જણાવ્યું હતું.
કોલંબિયા યુનિવર્સિટીમાં રાહુલ ગાંધીના નિવેદનો બાદ ભારતમાં રાજકીય ચર્ચા શરૂ થઈ છે. ભાજપ તરફથી પણ તેમના નિવેદનોની ટીકા કરવામાં આવી છે. ભાજપના પ્રવક્તા પ્રદીપ ભંડારીએ વિદેશની ધરતી પર ભારતની છબી ખરડવાનો આક્ષેપ કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધી બે દિવસીય અમેરિકાના પ્રવાસે છે. તેઓ કોલંબિયા યુનિવર્સિટી બાદ શિકાગો યુનિવર્સિટીમાં પણ વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરવાના છે. આ દરમિયાન ભારતની વિદેશ નીતિ, વૈશ્વિક રાજકારણ અને ઈરાન સંઘર્ષ સહિતના મુદ્દાઓ પર ચર્ચા થવાની છે.




