૧૦ વર્ષ જૂના વિવાદ પર સોનાનો ખુલાસા સલમાન ખાન સામે અવાજ ઉઠાવતાં સોનાને મળી હતી દુષ્કર્મની ધમકીઓ સલમાન ખાન સામે અવાજ ઉઠાવ્યો, તો સોના મોહાપાત્રાને મળી હતી દુષ્કર્મની ધમકીઓ; ૧૦ વર્ષ જૂનો વિવાદ ફરી ચર્ચામાં
ગાયિકા સોના મોહાપાત્રા ફરી એકવાર સલમાન ખાન સાથેના જૂના વિવાદને લઈને ચર્ચામાં આવી છે. સલમાનની ફિલ્મ ‘માતૃભૂમિ’ના ગીત ‘તેરી બ્યુટી’ પર ટિપ્પણી કરતાં સોનાએ ૧૦ વર્ષ પહેલાં અભિનેતા સામે અવાજ ઉઠાવ્યા બાદ તેને કેવા પ્રકારની ટીકાઓ, ટ્રોલિંગ અને ધમકીઓનો સામનો કરવો પડ્યો હતો તે યાદ કર્યું છે.સોના મોહાપાત્રાએ તાજેતરમાં ફિલ્મ ‘માતૃભૂમિ’ના ગીત ‘તેરી બ્યુટી’ અંગે સોશિયલ મીડિયા પર પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. તેણે વ્યંગાત્મક અંદાજમાં સવાલ ઉઠાવ્યો હતો કે સૈનિકોના બલિદાન પર આધારિત ફિલ્મમાં આવું ગીત કેવી રીતે સામેલ થઈ શકે? તેણે બોલિવૂડની ગીતોની પસંદગી અને લખાણ પર પણ કટાક્ષ કર્યાે હતો.ગાયિકાએ પોતાની પોસ્ટમાં જણાવ્યું કે સંગીત ક્ષેત્રે તેને ૨૦ વર્ષ થઈ ગયા છે, જ્યારે સલમાન ખાન સામે અવાજ ઉઠાવ્યાને ૧૦ વર્ષ વીતી ગયા છે. તેણે એવા લોકોને પણ જવાબ આપ્યો, જેઓ અગાઉ તેના કરિયર વિશે ચિંતા વ્યક્ત કરતા હતા. સોનાએ કહ્યું કે તેનું કરિયર સમાપ્ત થઈ ગયું હોવાનું માનનારા લોકોએ હવે ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે તે આજે પણ સારું જીવન જીવી રહી છે.સોનાએ જૂના વિવાદને યાદ કરતાં જણાવ્યું કે લગભગ ૧૦ વર્ષ પહેલાં સલમાન ખાનના એક નિવેદન સામે વિરોધ નોંધાવ્યા બાદ તેને દુષ્કર્મની ધમકીઓ મળવા લાગી હતી. એટલું જ નહીં, તેની સાથે છેડછાડ કરેલી તસવીરો ફેલાવવામાં આવી હતી અને સતત ઓનલાઈન ટ્રોલિંગ કરવામાં આવી હતી. આ ઘટનામાં તેના પરિવારજનો અને માતાને પણ અભદ્ર ભાષાનો સામનો કરવો પડ્યો હતો.સોનાએ વધુમાં જણાવ્યું કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીના કેટલાક લોકોએ તેને સલમાન ખાન સાથે વિવાદમાં ન પડવાની સલાહ આપી હતી. તેઓ સોનાની પ્રતિભાની પ્રશંસા કરતા હતા, પરંતુ સલમાન સાથે ટકરાવ તેના માટે નુકસાનકારક બની શકે છે એવું કહેતા હતા. જાેકે, સોનાએ સ્પષ્ટ કર્યું કે તે પોતાની મહેનત અને પ્રતિભાના આધારે અહીં સુધી પહોંચી છે. સફળ લોકોની આસપાસ રહીને સફળ થવું એ તેની નજરે સાચી સફળતા નથી.




