નાના ભાઈ મહેન્દ્ર સિંહે આપ્યો મુખાગ્નિ માતાની અર્થીને કાંધ આપતી વખતે ભાવુક થયા CM યોગી હરિદ્વારના ચંડી ઘાટ ખાતે સાવિત્રી દેવીના અંતિમ સંસ્કાર સંપન્ન; યોગી આદિત્યનાથની આંખોમાંથી સરી પડ્યાં આંસુ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ માટે શનિવારનો દિવસ અત્યંત દુ:ખદ અને ભાવુક રહ્યો હતો. તેમના માતા સાવિત્રી દેવીના ૨૧ નવેમ્બર, ૨૦૨૬ના રોજ હરિદ્વારના ચંડી ઘાટ સ્થિત મોક્ષધામ ખાતે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. માતાની અંતિમ વિદાય સમયે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ભાવુક થઈ ગયા હતા. માતાની અર્થીને કાંધ આપતી વખતે તેમની આંખોમાંથી આંસુ સરી પડ્યાં હતાં.
સાવિત્રી દેવીના અંતિમ સંસ્કાર પરિવારની હાજરીમાં શાસ્ત્રોક્ત વિધિ મુજબ સંપન્ન કરવામાં આવ્યા હતા. યોગી આદિત્યનાથના નાના ભાઈ મહેન્દ્ર સિંહ બિષ્ટે માતાને મુખાગ્નિ આપી હતી. હરિદ્વારના ચંડી ઘાટ સ્થિત મોક્ષધામમાં અંતિમ વિધિ દરમિયાન પરિવારજનો અને નજીકના સંબંધીઓ ઉપસ્થિત રહ્યા હતા. અંતિમ સંસ્કાર પહેલાં યોગી આદિત્યનાથ પોતાના પૈતૃક ગામ પંચૂર પહોંચ્યા હતા, જ્યાં તેમણે માતાના પાર્થિવ દેહનાં અંતિમ દર્શન કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આ દરમિયાન તેઓ અત્યંત ભાવુક જાેવા મળ્યા હતા. માતાની અર્થીને પોતાના ખભે ઊંચકીને તેમણે અંતિમ વિદાય આપી હતી. આ દૃશ્યો જાેઈ ઉપસ્થિત લોકો પણ ભાવુક થઈ ગયા હતા.
યોગી આદિત્યનાથના નાના ભાઈ મહેન્દ્ર સિંહ બિષ્ટે માતાના છેલ્લા દિવસો અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે સાવિત્રી દેવી છેલ્લા આશરે એક વર્ષથી બોલી શકતાં ન હતાં. અવાજ બંધ થઈ જવાને કારણે પરિવારજનો તેમની સાથે ફોન પર વાતચીત પણ કરી શકતા ન હતા. આથી પરિવારના સભ્યો તેમની નજીક રહીને સતત દેખરેખ રાખતા હતા.
મહેન્દ્ર સિંહ બિષ્ટે જણાવ્યું હતું કે પરિવારના કેટલાક સભ્યો અંતિમ સંસ્કાર દરમિયાન હાજર રહ્યા હતા, જ્યારે ભારતીય સેનામાં ફરજ બજાવતા એક ભાઈને ફોન દ્વારા માતાના નિધનના સમાચાર આપવામાં આવ્યા હતા. પરિવારની તમામ બહેનોને પણ ફોન મારફતે જાણ કરવામાં આવી હતી. પરિવારે અંતિમ સંસ્કારના કાર્યક્રમ દરમિયાન ગામમાં ચાલી રહેલા લગ્ન પ્રસંગનું પણ ખાસ ધ્યાન રાખ્યું હતું. ગામના લોકોના શુભ પ્રસંગમાં કોઈ અડચણ ઊભી ન થાય તે માટે અંતિમ વિધિનું આયોજન તે મુજબ કરવામાં આવ્યું હતું. પરિવારના જણાવ્યા અનુસાર, સાવિત્રી દેવીના અસ્થિ વિસર્જન માટે પરિવારજનો ૨૨ અથવા ૨૩ નવેમ્બરે ફરી હરિદ્વાર આવી શકે છે. હાલ અંતિમ સંસ્કારની વિધિ પૂર્ણ થયા બાદ પરિવાર દ્વારા આગળની ધાર્મિક વિધિઓ કરવામાં આવશે. માતાની વિદાય સમયે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની ભાવુક ક્ષણોએ સૌનું ધ્યાન ખેંચ્યું હતું. જાહેર જીવનમાં કડક અને શિસ્તબદ્ધ નેતા તરીકે ઓળખાતા યોગી આદિત્યનાથ માતાની અંતિમ વિદાય વખતે એક પુત્ર તરીકે ભાવુક થઈ ગયા હતા.




