‘બહાર મળ, પછી બતાવું છું…’ ફ્લાઇટ મોડી પડતાં સ્પાઇસજેટના કર્મચારીની મુસાફરોને કથિત ધમકી દિલ્હી એરપોર્ટ પર ફ્લાઇટના વિલંબને લઈને મુસાફરો અને કર્મચારી વચ્ચે બોલાચાલી; ઘટનાનો વીડિયો વાયરલ ફ્લાઇટમાં વિલંબ અને રદ થવાની ફરિયાદો વચ્ચે સ્પાઇસજેટ એરલાઇન ફરી એકવાર વિવાદમાં આવી છે. દિલ્હી સ્થિત ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ IGI એરપોર્ટ પર ફ્લાઇટ મોડી પડતાં નારાજ થયેલા મુસાફરો અને એરલાઇનના કર્મચારી વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ દરમિયાન કર્મચારીએ મુસાફરોને કથિત રીતે ‘બહાર મળ, પછી બતાવું છું’ કહી ધમકી આપી હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. ઘટનાને પગલે એરલાઇનના કર્મચારીઓના વર્તન અને મુસાફરોને આપવામાં આવતી સુવિધાઓ સામે સવાલો ઊઠ્યા છે.
મળતી માહિતી મુજબ, દિલ્હી એરપોર્ટ પર સ્પાઇસજેટની ફ્લાઇટમાં વિલંબ થતાં મુસાફરો લાંબા સમય સુધી રાહ જાેવા મજબૂર બન્યા હતા. ફ્લાઇટના વિલંબ અંગે યોગ્ય માહિતી નહીં મળતી હોવાના આક્ષેપ સાથે મુસાફરોએ એરલાઇનના કર્મચારીઓ સામે નારાજગી વ્યક્ત કરી હતી.
આ દરમિયાન મુસાફરો અને કર્મચારી વચ્ચે બોલાચાલી ઉગ્ર બની હતી. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં કર્મચારી ઉગ્ર ભાષામાં વાત કરતો જાેવા મળે છે. કર્મચારીએ મુસાફરોને ‘બહાર મળ, પછી બતાવું છું’ કહી ધમકી આપી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઘટનાની સોશિયલ મીડિયા પર ટીકા થઈ રહી છે.
મુસાફરોના જણાવ્યા અનુસાર, ફ્લાઇટ મોડી પડવાને કારણે તેમને એરપોર્ટ પર લાંબા સમય સુધી રાહ જાેવી પડી હતી. આ સમયગાળા દરમિયાન એરલાઇન દ્વારા ભોજન, પીવાનું પાણી અને અન્ય જરૂરી સુવિધાઓ પૂરી પાડવામાં આવી નહોતી. ફ્લાઇટના વિલંબ અંગે પણ સમયસર અને સ્પષ્ટ માહિતી આપવામાં આવી ન હોવાનો આક્ષેપ છે.
મુસાફરોનું કહેવું છે કે ફ્લાઇટ મોડી પડે ત્યારે એરલાઇને મુસાફરોની સુવિધા અને તેમની સાથેના વ્યવહારનું ધ્યાન રાખવું જાેઈએ. તેના બદલે કર્મચારી દ્વારા ઉગ્ર ભાષાનો ઉપયોગ કરવામાં આવતાં વિવાદ વધુ વકર્યો હતો.
સ્પાઇસજેટની મુશ્કેલીઓ વચ્ચે નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (DGCA) દ્વારા પણ એરલાઇનને કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી હોવાનું અહેવાલમાં જણાવાયું છે. એરલાઇનને સાત દિવસમાં જવાબ રજૂ કરવા માટે કહેવામાં આવ્યું છે. નિર્ધારિત સમયમર્યાદામાં જવાબ નહીં મળે અથવા જવાબ સંતોષકારક નહીં હોય તો નિયમ મુજબ આગળની કાર્યવાહી થઈ શકે છે.
સ્પાઇસજેટની ફ્લાઇટમાં વિલંબ અને રદ થવાની ફરિયાદો માત્ર દિલ્હી પૂરતી મર્યાદિત નથી. અગાઉ મુંબઈ એરપોર્ટ પર પણ એરલાઇનની ફ્લાઇટ્સના સંચાલન અંગે ફરિયાદો સામે આવી હતી. અહેવાલ મુજબ, ૧૮ નવેમ્બરના રોજ મુંબઈ એરપોર્ટના ફ્લાઇટ શેડ્યૂલમાં સ્પાઇસજેટની કોઈ ફ્લાઇટ જાેવા મળી નહોતી.
આ ઉપરાંત બાગડોગરાથી અમદાવાદ જવા નીકળેલા મુસાફરોએ પણ ફ્લાઇટને લઈને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હોવાની ફરિયાદો સામે આવી હતી.




