રશ્મિકા મંદાના હવે શીખશે કર્ણાટકી સંગીત એમ.એસ. સુબ્બુલક્ષ્મીની બાયોપિક માટે રશ્મિકા લેશે શાસ્ત્રીય સંગીતની તાલીમ મહાન ગાયિકાનું પાત્ર ભજવવા રશ્મિકા તૈયાર, ગૌતમ તિન્નાનુરીના ર્નિદેશનમાં અનિરુદ્ધ આપશે ફિલ્મનું સંગીત
સાઉથ અને બોલિવૂડની લોકપ્રિય અભિનેત્રી રશ્મિકા મંદાના અત્યારે પોતાના કરિયરના સૌથી પડકારજનક અને મહત્ત્વાકાંક્ષી તબક્કામાંથી પસાર થઈ રહી છે. એક તરફ તેની બહુપ્રતીક્ષિત એક્શન ફિલ્મ ‘માયસા’ની રિલીઝ છેલ્લી ઘડીએ મોકૂફ રાખવામાં આવી છે, તો બીજી તરફ તેણે ભારત રત્નથી સન્માનિત મહાન કર્ણાટકી ગાયિકા એમ.એસ. સુબ્બુલક્ષ્મીની બાયોપિક માટે શાસ્ત્રીય સંગીતની તાલીમ લેવાની જાહેરાત કરીને સૌને ચોંકાવી દીધા છે.તાજેતરમાં પત્રકાર પ્રેમાની યુટ્યુબ ચેનલ પરની ખાસ વાતચીત દરમિયાન રશ્મિકાએ આ બાયોપિક ‘એમ.એસ. – અ લેગસી ઓન સ્ક્રીન’અંગે દિલ ખોલીને વાત કરી હતી. સંગીત પ્રત્યેના પોતાના અનુભવ વિશે જણાવતાં તેણે કહ્યું, “આ મારા માટે ખૂબ જ ખાસ ફિલ્મ છે. મારે હવે કર્ણાટકી સંગીત શીખવાનું શરૂ કરવું પડશે, કારણ કે હું પડદા પર માત્ર ગાવાનો ઢોંગ કરી શકું નહીં. ગાયન એવી વસ્તુ છે જે મેં મારા આખા જીવનમાં ક્યારેય કરી નથી. હું ઘરે પણ ક્યારેય કોઈ ગીત ગણગણી નથી. પરંતુ હવે આ પ્રોજેક્ટ માટે મારે ગણગણવું અને ગાવું પડશે.”દિગ્ગજ ગાયિકાનું પાત્ર ભજવવાના દબાણ વિશે વાત કરતાં રશ્મિકાએ ઉમેર્યું કે જ્યારે આ ફિલ્મની ઓફર તેને મળી ત્યારે તે થોડી ગભરાઈ ગઈ હતી. તેણે કહ્યું, “શરૂઆતમાં મેં મેકર્સને કહ્યું હતું કે આ વ્યક્તિત્વ એટલું વિરાટ અને શક્તિશાળી છે કે હું તેને સ્પર્શ પણ ન કરી શકું. પરંતુ એમ.એસ. અમ્માનું જીવન એટલું સુંદર અને પ્રેરણાદાયી છે કે આવનારી પેઢી માટે તે જાણવું ખૂબ જરૂરી છે. મારી અંદર રહેલી મહત્ત્વાકાંક્ષી વ્યક્તિએ મને કહ્યું કે તારે આ પડકાર ઝીલવો જ જાેઈએ. હવે હું સંગીતની આ નવી દુનિયામાં પ્રવેશવા માટે ખૂબ જ ઉત્સુક છું અને મારું સવર્શ્રેષ્ઠ આપવા તૈયાર છું.”‘જર્સી’ અને ‘કિંગડમ’ જેવી ફિલ્મોના જાણીતા દિગ્દર્શક ગૌતમ તિન્નાનુરી આ બાયોપિકનું ર્નિદેશન કરી રહ્યા છે, જ્યારે લોકપ્રિય સંગીતકાર અનિરુદ્ધ રવિચંદર ફિલ્મમાં સંગીત આપશે. સપ્ટેમ્બર ૨૦૨૬માં એમ.એસ. સુબ્બુલક્ષ્મીની ૧૧૦મી જન્મજયંતી નિમિત્તે આ ફિલ્મની જાહેરાત કરવામાં આવી હતી.બીજી તરફ, રશ્મિકાની પાન-ઈન્ડિયા એક્શન થ્રિલર ફિલ્મ ‘માયસા’, જે ૨૭ નવેમ્બર, ૨૦૨૬ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની હતી, તેને રિલીઝના થોડા દિવસો પહેલાં જ મોકૂફ રાખવામાં આવી છે. નિર્માતાઓના જણાવ્યા અનુસાર, દર્શકોને મોટા પડદા પર કોઈ પણ બાંધછોડ વિના શ્રેષ્ઠ ટેકનિકલ અનુભવ આપવાના હેતુથી આ ર્નિણય લેવાયો છે. ફિલ્મની નવી રિલીઝ તારીખ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.




