
વર્તમાન નાણાકીય વર્ષના ડિસેમ્બર ક્વાર્ટરમાં દેશની આર્થિક વૃદ્ધિ એટલે કે જીડીપી દર 6.7 થી 6.9 ટકા રહી શકે છે. કૃષિ ક્ષેત્રના નબળા પ્રદર્શનને કારણે બીજા ક્વાર્ટરમાં 7.6 ટકા વૃદ્ધિ દર કરતાં આ નીચો છે. બુધવારે જારી કરાયેલા SBI રિસર્ચના રિપોર્ટમાં આ અનુમાન લગાવવામાં આવ્યું છે. આ અહેવાલ નાણાકીય વર્ષ 2023-24ના ત્રીજા ત્રિમાસિક ગાળા માટે જીડીપી વૃદ્ધિ દરના સત્તાવાર ડેટા જાહેર કરવાના એક દિવસ પહેલા આવ્યો છે.
ચાલુ નાણાકીય વર્ષના બીજા ત્રિમાસિક ગાળામાં આર્થિક વિકાસ દર 7.6 ટકા હતો, જે અપેક્ષા કરતાં ઘણો વધુ હતો. આ સાથે, ભારત વિશ્વમાં સૌથી ઝડપી આર્થિક વિકાસ દર હાંસલ કરનાર દેશ રહ્યો. વિકાસ દરમાં વધારાનું મુખ્ય કારણ સરકારી ખર્ચ અને ઉત્પાદનમાં વધારો હતો.
ચોથા ક્વાર્ટરના અંદાજો
SBI રિસર્ચનો ત્રીજા ક્વાર્ટરમાં 6.7 ટકાથી 6.9 ટકા વૃદ્ધિ દરનો અંદાજ રિઝર્વ બેન્કના સાત ટકા વૃદ્ધિના અંદાજ કરતાં ઓછો છે. આ સાથે SBI રિસર્ચએ ચોથા ક્વાર્ટરમાં વૃદ્ધિ દર 6.8 ટકા રહેવાની આગાહી કરી છે. એસબીઆઈ રિસર્ચએ જણાવ્યું હતું કે ઓક્ટોબર-ડિસેમ્બર, 2023 ક્વાર્ટરમાં નીચા વિકાસ દરના અનુમાનનું સૌથી મોટું કારણ કૃષિ ક્ષેત્રનું નબળું પ્રદર્શન છે. મત્સ્યઉદ્યોગ સિવાય સમગ્ર કૃષિ ક્ષેત્ર ખરાબ રીતે પ્રભાવિત થયું છે.

ખરીફ પાકોના ઉત્પાદનનો અંદાજ
કૃષિ મંત્રાલયના પ્રથમ આગોતરા અંદાજ મુજબ, 2023-24માં મુખ્ય ખરીફ પાકોનું ઉત્પાદન 14.85 કરોડ ટન રહેવાનો અંદાજ છે. જે એક વર્ષ પહેલા કરતા 4.6 ટકા ઓછો છે. અહેવાલ મુજબ, રવિ પાક માટેના કુલ વાવેતરમાં ગયા વર્ષની સરખામણીએ થોડો વધારો થયો છે પરંતુ અનાજના કિસ્સામાં વિસ્તારને લઈને ચિંતા છે. ગયા વર્ષની સરખામણીમાં 6.5 ટકાનો ઘટાડો થયો છે. આ મુજબ, જો રવિ ઉત્પાદન ખરીફ અછતની ભરપાઈ નહીં કરે તો કૃષિ ક્ષેત્રમાં મૂલ્યવર્ધનમાં ઘટાડો થશે.
4000 લિસ્ટેડ કંપનીઓના ચોખ્ખા નફામાં વધારો
બીજી તરફ, ચાલુ નાણાકીય વર્ષના ત્રીજા ત્રિમાસિક ગાળામાં, લગભગ 4000 લિસ્ટેડ કંપનીઓના ચોખ્ખા નફામાં વાર્ષિક ધોરણે 30 ટકાથી વધુની મજબૂત વૃદ્ધિ જોવા મળી છે, જ્યારે તેમના ટર્નઓવરમાં લગભગ 7 ટકાનો વધારો થયો છે. તદુપરાંત, BFSI (બેંક, નાણાકીય સેવાઓ અને વીમા)ને બાદ કરતાં લગભગ 3,000 લિસ્ટેડ કંપનીઓએ માર્જિનમાં સુધારો નોંધાવ્યો છે. આ કંપનીઓનું માર્જિન ત્રીજા ક્વાર્ટરમાં વધીને 14.95 ટકા થયું છે, જે ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં લગભગ 12 ટકા હતું.
