
૨૪ કેરેટ સોનાના ભાવમાં રૂ. ૬૦૦થી વધુનો ઘટાડો.વાયદા બજારમાં કડાકો, ચાંદી એક ઝાટકે ૪૦૦૦ રૂપિયા સસ્તી.ચાંદીનો ભાવ એક તબક્કે ઉછળીને રૂ. ૨,૭૨,૬૨૮ પ્રતિ કિલો પર પહોંચ્યા બાદ ગગડીને રૂ. ૨,૬૬,૨૦૦ પર આવી ગયો.સોના અને ચાંદીના ભાવમાં ઘટાડાનો સિલસિલો યથાવત રહ્યો છે. મંગળવારે રેડ ઝોનમાં બંધ થયા બાદ, બુધવારે માર્કેટ ઓપનિંગની સાથે જ કિંમતી ધાતુઓના ભાવ પત્તાના મહેલની જેમ તૂટ્યા હતા. MCX (મલ્ટી કોમોડિટી એક્સચેન્જ) પર ચાંદીનો ભાવ એક તબક્કે ઉછળીને રૂ. ૨,૭૨,૬૨૮ પ્રતિ કિલો પર પહોંચ્યા બાદ અચાનક ગગડીને રૂ. ૨,૬૬,૨૦૦ પર આવી ગયો હતો. આમ, એક જ ઝાટકે ચાંદીના ભાવમાં રૂ. ૪,૪૨૮ પ્રતિ કિલોનો જંગી ઘટાડો નોંધાયો છે. ચાલુ સપ્તાહના માત્ર ૩ દિવસમાં જ ચાંદી રૂ. ૫,૬૪૬ જેટલી સસ્તી થઈ ચૂકી છે. જાન્યુઆરીના તેના ઓલ-ટાઇમ હાઈ લેવલ રૂ. ૪,૫૭,૩૨૮ ની સરખામણીએ ચાંદી અત્યાર સુધીમાં રૂ. ૧,૯૧,૧૨૮ પ્રતિ કિલો સસ્તી થઈ ગઈ છે. ચાંદીની સાથે સાથે સોનાના ભાવમાં પણ નરમાઈ જાેવા મળી છે. MCX પર સોનું તેના અગાઉના બંધ ભાવ રૂ. ૧,૫૭,૬૧૬ પ્રતિ ૧૦ ગ્રામથી ઘટીને બુધવારે રૂ. ૧,૫૬,૯૫૩ પર આવી ગયું હતું. એટલે કે ૨૪ કેરેટ સોનાના ભાવમાં રૂ. ૬૦૦થી વધુનો ઘટાડો નોંધાયો છે. ૫ જૂનની એક્સપાયરી વાળું વાયદા સોનું તેના હાઈ લેવલ રૂ. ૨,૦૨,૯૮૪ થી અત્યાર સુધીમાં રૂ. ૪૬,૦૩૧ જેટલું નીચે આવી ગયું છે. ઇન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએશન (IBJA) ની વેબસાઇટ મુજબ, ઘરેલું બજારમાં ૧૦ ગ્રામ ૨૪ કેરેટ સોનાનો રેટ રૂ. ૧,૫૭,૬૧૧ થી ઘટીને રૂ. ૧,૫૭,૦૪૦ પ્રતિ ૧૦ ગ્રામ પર ખૂલ્યો હતો. જ્યારે દિલ્હીના હાજર બજારમાં ચાંદી મંગળવારના બંધ ભાવ રૂ. ૨,૬૬,૨૧૩ ની સરખામણીએ રૂ. ૪,૫૦૩ તૂટીને રૂ. ૨,૬૧,૭૧૦ પ્રતિ કિલો પર ખૂલી હતી.
બજારના નિષ્ણાતોના મતે સોના-ચાંદીના ભાવમાં આ મોટા ઘટાડા પાછળ મુખ્યત્વે વૈશ્વિક ભૌગોલિક-રાજકીય (Geo-political) તણાવ જવાબદાર છે. અમેરિકા અને ઈરાન વચ્ચે વધી રહેલી તકરાર અને ડોનાલ્ડ ટ્રમ્પની ધમકીઓને કારણે હોર્મુઝની ખાડી પર ચિંતા વધી છે. આ વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે અમેરિકી ડોલર વધુ મજબૂત થઈ રહ્યો છે, જેના લીધે સોના અને ચાંદી પર દબાણ વધ્યું છે. આ ઉપરાંત લાંબા સમયથી ચાલી રહેલી તેજી બાદ હવે મોટા રોકાણકારો બજારમાંથી નફો વસૂલ (Profit Bokoing) કરી રહ્યા હોવાથી કિંમતોમાં સતત ઘટાડો જાેવા મળી રહ્યો છે.





