
મહિલાના ખાતામાંથી છેલ્લા ૩ મહિનામાં આશરે ૧૫ કરોડ જેટલા મોટા ટ્રાન્જેક્શન થયા.સાયબર ફ્રોડના કરોડોના વ્યવહારમાં મહિલાની જામીન અરજી ગ્રામ્ય કોર્ટે ફગાવી.દેશભરના વિવિધ રાજ્યોમાંથી છેતરપિંડી કરી મેળવેલા નાણાં આ એકાઉન્ટમાં ટ્રાન્સફર થયા છે, જામીન નહીં: કોટ.સાયબર ક્રાઈમ અને સંગઠિત ગુનાખોરીના વધતા વ્યાપ વચ્ચે અમદાવાદ ગ્રામ્યની સેશન્સ કોર્ટે સાયબર ફ્રોડ દ્વારા મેળવેલી કરોડોની રકમ જેમના ખાતામાંથી વિડ્રો કરવામાં આવી હતી તેવા આરોપી મહિલા રિન્કુ ભાટીની જામીન અરજી કોર્ટે ફગાવી દીધી છે. કોર્ટે અવલોકન કર્યું હતું કે, તપાસના કાગળો જાેતા સ્પષ્ટ થાય છે કે ૧.૦૬ કરોડથી વધુની ‘ડિસ્પ્યુટેડ અમાઉન્ટ’ અરજદારે વિડ્રો કરી છે, જે તેમની સીધી સંડોવણી દર્શાવે છે. દેશભરના વિવિધ રાજ્યોમાંથી છેતરપિંડી કરી મેળવેલા નાણાં આ એકાઉન્ટમાં ટ્રાન્સફર થયા છે, જે આર્થિક ગુનાની ગંભીરતા દર્શાવે છે. સાયબર ક્રાઈમ દ્વારા આર્થિક લાભ મેળવવો એ ‘ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ’ (સંગઠિત ગુનો) ની શ્રેણીમાં આવે છે, જેની ગંભીરતા વધુ છે. આર્થિક ગુનાઓ દેશના નાણાકીય સ્વાસ્થ્ય માટે ગંભીર ખતરો છે. હાલ ગુનાની તપાસ ચાલુ છે, ત્યારે જાે આરોપીને મુક્ત કરવામાં આવે તો મૂળ સુધી પહોંચવામાં અડચણ ઊભી થઈ શકે છે.ત્યારે આરોપીને જામીન પર મુક્ત કરવી ન્યાયોચિત જણાતું નથી.સાયબર ફ્રોડના ૧.૦૬ કરોડ રૂપિયા ઉપાડી લેવાના કેસમાં જેલવાસ ભોગવી રહેલી આરોપી રિન્કુ પરીક્ષિતસિંહ ભાટીએ રેગ્યુલર જામીન માટે અરજી કરી હતી.
જેમાં તેના એડવોકેટે એવી રજૂઆત કરી હતું કે, અરજદાર નિર્દાેષ છે અને તેમને આ ગુના સાથે કોઈ સીધો સંબંધ નથી, અરજદાર એક સ્ત્રી છે અને તેમને બે નાના બાળકો છે, જેમની સંભાળ રાખનાર બીજું કોઈ નથી, તેઓએ માત્ર ૨૧૦૦૦ રૂપિયા જ વિડ્રો કર્યા છે, આ ગુનો મેજિસ્ટ્રેટ ટ્રાયેબલ છે અને તેમાં આજીવન કેદ કે મૃત્યુદંડની જાેગવાઈ નથી, કોર્ટ પાસે જામીન આપવાની સત્તા છે અને કોર્ટ જામીન આપે તો તમામ શરતોનું પાલન કરવા તૈયાર છીએ તેથી જામીન પર મુક્ત કરવી જાેઇએ. જાે કે, જામીન અરજીનો વિરોધ કરતા મુખ્ય સરકારી વકીલ પ્રવિણ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, આરોપીઓએ અન્ય સહ-આરોપીઓ સાથે મળીને ગુનાહિત કાવતરું રચી સાયબર ક્રાઈમ આચરવા માટે બેંક એકાઉન્ટ્સ પૂરા પાડ્યા હતા. તપાસમાં બહાર આવ્યું હતું કે છેલ્લા ૩ મહિનામાં આશરે ૧૫ કરોડ જેટલા મોટા ટ્રાન્જેક્શન થયા હતા. જે પૈકી ભાવિક બારોટ નામના વ્યક્તિના ખાતાને ૦.૫ ટકા કમિશન પર ઓપરેટ કરવા લઈ, તેમાંથી હાલના અરજદાર રિન્કુ ભાટીએ અંદાજે રૂ. ૧,૦૬,૪૨,૩૫૯ જેટલી માતબર રકમ વિડ્રો કરી હતી. આ એકાઉન્ટમાં હિમાચલ પ્રદેશ, ઉત્તર પ્રદેશ, ગોવા, કેરળ, કર્ણાટક અને તામિલનાડુ જેવા વિવિધ રાજ્યોમાંથી સાયબર ફ્રોડની રકમો જમા થઈ હતી. ‘સમન્વય’ પોર્ટલ પર આ એકાઉન્ટ વિરુદ્ધ ઓનલાઈન સાયબર ફરિયાદો પણ નોંધાયેલી જાેવા મળી છે.




