
૨૪ નવેમ્બર-૨૦૨૫ના રોજ ધર્મેન્દ્રએ દુનિયાને અલવિદા કહ્યું હતું.અમિતાભ બચ્ચને ‘શોલે’ ફિલ્મમાં ધર્મેન્દ્ર સાથેના પોતાના સંસ્મરણો વાગોળ્યા.‘ઇક્કિસ’ના પ્રમોશન માટે KBCમાં આવેલી સમગ્ર ટીમ સાથે ધર્મેન્દ્રને યાદ કરીને બિગ બી ભાવુક થયા.આજે ૫૦થી વધુ વર્ષાેના વહાણા વીતી ગયા હોવા છતાં જય અને વીરૂની મિત્રતા આજે પણ અકબંધ રહી છે. ‘કૌન બનેગા કરોડપતિ’ શોમાં અમિતાભે પોતાના દીર્ઘકાલિન મિત્ર ધર્મેન્દ્ર સાથે વિતાવેલાં સમયને અને તેમની સાથે કામ કર્યાના અનુભવોના મીઠા સંસ્મરણોને વાગોળ્યા હતા. ધર્મેન્દ્રની છેલ્લી ફિલ્મ ‘ઇક્કિસ’ના પ્રમોશન માટે આવેલી ટીમનું શાનદાર સ્વાગત કરવા ‘કૌન બનેગા કરોડપતિ’ના શોના સ્ટેજને પણ વિશેષ રીતે શણગારવામાં આવ્યું હતું. ઇક્કિસના પ્રમોશન માટે આવેલી ફિલ્મની ટીમમાં ડિરેક્ટર શ્રીરામ રાઘવન અને ફિલ્મમાં લીડ રોલ ભજવતા અમિતાભના દોહિત્ર અગત્સ્ય નંદાનો પણ સમાવેશ થતો હતો.અમિતાભ બચ્ચને ૨૪ નવેમ્બર-૨૦૨૫ના રોજ આ ફાની દુનિયાને કાયમ માટે અલવિદા કહી જનારા આઇકોનિક એક્ટર ધર્મેન્દ્રની સાથે કામ કરવાના અનુભવને અને તેમની સાથે વિતાવેલાં સમયના અનુભવોને યાદ કર્યા ત્યારે, આખા સ્ટેજનું વાતાવરણ એકદમ ભાવુક બની ગયું હતું. સમગ્ર ફિલ્મ ઉદ્યોગમાં ધરમજીના નામથી લોકપ્રિય બનેલાં આ અભિનેતાને યાદ કરતા અમિતાભે તેમના અભિનયના અને એક્ટિંગ કરવાના તેમના જુસ્સાને યાદ કર્યાે હતો.“‘ઇક્કિસ’ એ ધરમજીના કરોડો ચાહકો અને પ્રસંશકો માટે છેલ્લી સ્મૃતિ બની રહેશે.
એક કલાકાર જીવનના છેલ્લાં શ્વાસ સુધ પોતાની કલાની પ્રેક્ટિસ કરતો હોય છે અને મારા મિત્ર, મારા પરિવાર, મારા આદર્શ એવા ધર્મેન્દ્ર દેઓલજીએ પણ એમ જ કર્યું હતું. ધરમજી, એ કોઇ વ્યક્તિ કે માણસ નહોતા, તે એક લાગણી હતા અને લાગણીઓ ક્યારેય કોઇને અલગ પાડી શકે નહીં, તે હંમેશા આપણી સ્મૃતિમાં રહેલાં છે અને તેમના આશીર્વાદ કાયમ આપણા ઉપર વરસતા રહેશે.” એમ અમિતાભે ધર્મેન્દ્રને શ્રદ્ધાંજલિ પાઠવતા ભાવુક સ્વરોમાં કહ્યું હતું.જાે કે તેમની વતોથી ભાવુક બની ગયેલા વાતાવરણને હળવું કરવા મહાનાયકે ‘શોલે’ ફિલ્મના સેટ ઉપર ધરમજી સાથે કરેલા કામના અનુભવોની વાત શરૂ કરી દીધી હતી. સૌ પ્રથમ તો અમિતાભે ધર્મેન્દ્રના પહેલવાન જેવા શરીર સૌષ્ઠવની વાત કરીને વાતાવરણ હળવું કર્યું હતું. આ પ્રસંગે તેમનાં પોતાનું પાત્ર જય કેવી રીતે પોતાનાં મિત્ર વીરુના ખોળામાં છેલ્લા શ્વાસ છોડી દે છે તેના ક્લાઇમેક્સની વાત કરી હતી. ‘તે એક પહેલવાન હતા અને તે વાત બાદમાં મને જાણવા મળી હતી’. પોતાના પાત્રના મૃત્યુની વાત કરતા અમિતાભે કહ્યું હતું કે ‘તે સમયે મને ખુબ પીડા થઇ રહી હતી, કેમ કે તેમણે મને ખુબ તાકાતથી જકડી રાખ્યો હતો અને એ તેમની કુદરતી કલા હતી.’ એમ અમિતાભે હસતા હસતા કહ્યું હતું જેને સાંભળીને શોમાં ઉપસ્થિત પ્રેક્ષકોના ચહેરા ઉપર પણ હાસ્યનું મોજું ફરી વળ્યું હતું. આ પ્રસંગે ઇક્કિસ ફિલ્મના ડિરેક્ટર શ્રીરામ રાઘવને પણ જીવનની સંધ્યાએ ધર્મેન્દ્ર જેવા મહાન અભિનેતાનું ર્નિદેશન કરવાની પોતાને તક મળી તે બદલ પોતાની જાતને ગૌરવશાળી ગણાવી હતી.




