૧૩ ઑગસ્ટથી ૨૩ ઑગસ્ટ દરમિયાન મેલબર્ન શહેરમાં શો યોજાશે IFFM પંકજ ત્રિપાઠીને ‘આર્ટિસ્ટ ઑફ ડિસ્ટિન્ક્શન’ એવોર્ડ મળશે પંકજ ત્રિપાઠી પ્રથમ વખત ઓસ્ટ્રેલિયાના મેલબર્નમાં યોજાનારા આ ફેસ્ટિવલમાં હાજરી આપશે અને ત્યાં આ એવોર્ડ સ્વીકારશે
રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા અભિનેતા પંકજ ત્રિપાઠીને ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલ ઑફ મેલબર્નમાં પ્રતિષ્ઠિત ‘આર્ટિસ્ટ ઑફ ડિસ્ટિન્ક્શન’ એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. ભારતીય સિનેમામાં તેમના અસાધારણ યોગદાન અને એક શ્રેષ્ઠ અભિનેતા તરીકેની પ્રેરણાદાયી સફરને માન્યતા આપવા માટે તેમને આ સન્માન અપાશે. ખાસ વાત એ છે કે પંકજ ત્રિપાઠી પ્રથમ વખત ઓસ્ટ્રેલિયાના મેલબર્નમાં યોજાનારા આ ફેસ્ટિવલમાં હાજરી આપશે અને ત્યાં આ એવોર્ડ સ્વીકારશે.‘ગેંગ્સ ઑફ વાસેપુર’, ‘ન્યૂટન’, ‘સ્ત્રી’ સહિત અનેક યાદગાર ફિલ્મો અને વેબ સિરીઝમાં પોતાના અભિનયથી છાપ છોડનાર પંકજ ત્રિપાઠીએ આ સન્માન બદલ આનંદ વ્યક્ત કર્યાે હતો. તેમણે કહ્યું, “‘આર્ટિસ્ટ ઑફ ડિસ્ટિન્ક્શન’ એવોર્ડ મેળવવો મારા માટે અત્યંત ગૌરવ અને નમ્રતાનો વિષય છે. હું હંમેશા માનું છું કે વાર્તાઓમાં ભાષા અને ભૌગોલિક સીમાઓને પાર કરીને લોકોના દિલોને જાેડવાની અસાધારણ શક્તિ હોય છે.”તેમણે વધુમાં ઉમેર્યું કે, “આંતરરાષ્ટ્રીય મંચ પર મારી સફરને મળેલી આ માન્યતા મારા માટે ખૂબ જ ખાસ છે. મારી કારકિર્દીના દરેક પડાવ પાછળ ફિલ્મમેકર્સ, લેખકો, દિગ્દર્શકો, સહ-કલાકારો, ટેકનિશિયનો અને સૌથી મહત્વપૂર્ણ દર્શકોનો વિશ્વાસ અને પ્રેમ રહ્યો છે. આ સન્માન એટલું જ તેમનું છે જેટલું મારું.” ઉલ્લેખનીય છે કે ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલ ઑફ મેલબર્નનું આયોજન ૧૩ ઑગસ્ટથી ૨૩ ઑગસ્ટ દરમિયાન ઓસ્ટ્રેલિયાના મેલબર્ન શહેરમાં થશે.





