
મહિલાઓ માટે અર્થપૂર્ણ ભૂમિકાઓ ધરાવતી સ્ક્રિપ્ટ્સ પુરતાં પ્રમાણમાં નથી મળતા.ફિલ્મોમાંથી મજા, ઉત્સાહ, રંગો, ગીતો, પ્રેમ કે રોમાંસ ગાયબ થઈ ગયાં : કરીના.આપણે નાની ફિલ્મો, નાની પળો અને ઘણી ભાવનાત્મક તથા અંગત ક્ષણોને ગુમાવી રહ્યાં છીએ : કરીના.કરીના કપૂર હંમેશા બોલિવૂડના મસાલા મુવીઝની પ્રશંસક રહી છે અને ફિલ્મપણાની મજા લેતી રહી છે. તેથી હાલની ફિલ્મોના ટ્રેન્ડ અંગે તેણે કેટલીક ફરિયાદ કરી છે. તાજેતરમાં હિન્દી સિનેમામાં વધતા હાઈપર-મસ્ક્યુલિન એક્શન ફિલ્મોના પ્રભાવ અને હિંસા તથા ભવ્ય દેખાડા પર વધતા ધ્યાન અંગે વાત કરી હતી. એક ડિજીટલ પ્લેટફર્મના ઇન્ટરવ્યુમાં કરીનાએ જણાવ્યું કે હાલમાં ફિલ્મોમાં લાગણીઓ અને મનોરંજન કરતાં આક્રમકતા અને લોહી લૂહાણ દૃષ્યોને વધુ મહત્વ આપવામાં આવી રહ્યું છે.
છેલ્લા કેટલાક વર્ષાેમાં એનિમલ, જવાન અને પઠાણ જેવી મોટા બજેટની એક્શન ફિલ્મોએ બોક્સ ઓફિસ પર દબદબો જમાવ્યો છે, જેના કારણે ચર્ચા શરૂ થઈ છે કે હિંસાત્મક એક્શન અને તેને ભવ્ય રીતે દર્શાવવું હવે સિનેમાનું વ્યાવસાયિક રીતે સૌથી સફળ સ્વરૂપ બની રહ્યું છે કે નહીં.ચર્ચા દરમિયાન કરીનાએ જણાવ્યું કે હાલમાં આવતી ફિલ્મોમાં એક સમયે મુખ્યધારાની બોલિવૂડ ફિલ્મોમાં મનોરંજનની ઓળખ હતાં તે તત્વોની ગેરહાજરી જાેવા મળે છે. કરીનાએ કહ્યું કે નવો ટ્રેન્ડ ખુશી, રોમાન્સ અથવા સંગીત કરતાં આક્રમકતા અને દેખાડા પર વધુ ભાર મુકે છે — જ્યારે તેના મત મુજબ આ જ તત્વો હિન્દી સિનેમાને રંગ અને ઊર્જા આપતાં હતાં.આ જ ચર્ચામાં કરીના સાથે હાજર રહેલી સાઉથની એક્ટ્રેસ કલ્યાણી પ્રિયદર્શને જણાવ્યું કે ઇન્ડસ્ટ્રીમાં ટ્રેન્ડ નક્કી કરવામાં દર્શકોની પસંદગી પણ મહત્વની ભુમિકા ભજવે છે. તેના જણાવ્યા મુજબ સિનેમાની દિશા ફક્ત નિર્માતાઓ નક્કી કરતા નથી, પરંતુ દર્શકો શું પસંદ કરે છે તે પણ એટલું જ મહત્વનું છે.હાલના ટ્રેન્ડ અંગે પોતાનો અભિપ્રાય વ્યક્ત કરતાં કલ્યાણીએ કહ્યું, “હાલમાં હું તેને એક ટ્રેન્ડ કહીશ કારણ કે મને લાગે છે કે આ માત્ર ટ્રેન્ડ છે અને લાંબો સમય નહીં ચાલે. પરંતુ ટ્રેન્ડ હંમેશા દેખાડા વિશે રહ્યો છે. દરેક સીન સેન્સેશનલ અને ચોંકાવનારો હોવો જાેઈએ. મને લાગે છે કે હિંસા અને સહેલાઈથી ચોંકાવી દે તેવી વસ્તુઓને ભવ્ય રીતે બતાવવું સરળ બને છે. લોકો માને છે કે આ જ વસ્તુથી સિનેમા વેચાય છે. મને નથી લાગતું કે, હાલમાં આ જ તત્વોથી સિનેમા વેચાય છે, પરંતુ મને લાગે છે કે ઇડસ્ટ્રી તે દિશામાં જઈ રહી છે. આપણે નાની ફિલ્મો, નાની પળો અને ઘણી ભાવનાત્મક તથા અંગત ક્ષણોને ગુમાવી રહ્યાં છીએ, જે મને થોડું ડરાવે છે.”તેની સાથે સહમત થતાં કરીનાએ ઉમેર્યું, “હવે બધું થ્રિલર, ક્રાઇમ, લોહીલૂહાણ દૃશ્યો અને લોહી વિશે છે. મજા, ઉત્સાહ, રંગ, ગીત, પ્રેમ કે રોમાન્સ બધું ગાયબ થઈ ગયું છે.” તેમજ તેણે સ્વીકાર્યું કે હાલમાં તેને મહિલાઓ માટે અર્થપૂર્ણ ભૂમિકાઓ ધરાવતી સ્ક્રિપ્ટ્સ પુરતાં પ્રમાણમાં નથી મળતા.




