
નમાજ પઢાવવાના બહાને મસ્જિદના ધાબે લઈ ગયો અમદાવાદમાં નમાજના નામે સાત વર્ષના બાળક પર સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય પોલીસે આરોપી સામે ગુનો નોંધીને કરી ધરપકડ
અમદાવાદના ગાયકવાડ હવેલી વિસ્તારમાં માનવતાને શર્મસાર કરતી અને કાળજું ધ્રુજાવી દે તેવી ઘટના સામે આવી છે. શુક્રવારની પવિત્ર જુમ્મા નમાઝ પઢવા ગયેલા ૭ વર્ષના માસૂમ બાળકને નમાઝ શીખવાડવાના બહાને લલચાવી ફોસલાવી મસ્જિદના ધાબા પર લઈ જઈ તેની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરવામાં આવ્યું છે. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે ૨૧ વર્ષીય આરોપી નૌમાન શેખની ધરપકડ કરી લીધી છે.
ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનના પીઆઈ ચિરાગ ગોસાઈએ જણાવ્યું કે, અમદાવાદનો ગાયકવાડ હવેલી વિસ્તાર અને મકદુમસાબ નામની મસ્જિદ આવેલી છે. શુક્રવારનો પવિત્ર દિવસ હતો અને ૭ વર્ષનો માસુમ બાળક જુમ્માની નમાઝ પઢવા માટે મસ્જિદમાં આવ્યો હતો. પરંતુ ત્યાં હાજર ૨૧ વર્ષીય નૌમાન સબિર શેખની દાનત બગડી હતી. નૌમાને માસૂમ બાળકને નમાઝ કઈ રીતે પઢવી તે શીખવાડું છું તેમ કહીને લલચાવ્યો હતો અને મસ્જિદના ધાબા પર લઈ ગયો. પાક જગ્યા પર આ નરાધમે માસૂમ સાથે નાપાક હરકત કરી સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું.
સીસીટીવી ફૂટેજમાં કેદ થયેલા દ્રશ્યો મુજબ, આરોપી નૌમાન અને બાળક અંદાજે ૧૫ થી ૨૦ મિનિટ સુધી ધાબા પર રહ્યા હતા. ફૂટેજમાં જાેઈ શકાય છે કે પહેલા બાળક ગભરાયેલી હાલતમાં ધાબા પરથી નીચે ઉતરે છે અને તેની પાછળ પાછળ આરોપી નૌમાન પણ નીચે આવે છે. પોતે નમાઝ પઢવાને બદલે આ શખ્સે બાળક સાથે હેવાનિયત આચરી હતી. હાલમાં આ માસુમ બાળકને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. માસુમ બાળકની હાલત જાેઈ પરિવારે પૂછપરછ કરતા સમગ્ર મામલો સામે આવ્યો હતો, ત્યારબાદ તાત્કાલિક ગાયકવાડ હવેલી પોલીસ મથકે ફરિયાદ નોંધાવાઈ હતી. પોલીસે ગણતરીના કલાકોમાં જ ૨૧ વર્ષીય આરોપી નૌમાન સબિર શેખની ધરપકડ કરી લીધી છે. પોલીસ તપાસમાં એ પણ સામે આવ્યું છે કે આરોપી અગાઉ આ જ વિસ્તારમાં રહેતો હતો અને તેની વિરુદ્ધ અગાઉ મારામારીનો ગુનો પણ નોંધાઈ ચુક્યો છે. ગાયકવાડ હવેલી પોલીસે સીસીટીવી અને મેડિકલ પુરાવાઓના આધારે આરોપીની ધરપકડ કરી છે અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મુસ્લિમ ધર્મની પવિત્ર જગ્યા પર માસૂમ બાળકોને શિકાર બનાવતા આવા નરાધમોને કારણે મુસ્લિમ સમાજમાં ભારે રોષ જાેવા મળી રહ્યો છે.




