(નીડર નિષ્પક્ષ અને તટસ્થ છગનલાલ મેવાડા ધ્વારા) સુરત
દેશની રાજધાની હોવાના નાતે દિલ્હીમાં બહુસ્તરીય સુરક્ષા વ્યવસ્થા, હજારો હાઈ-ટેક સીસીટીવી કેમેરા અને જંગી પોલીસ કાફલો હોવાના ભવ્ય દાવાઓ દરરોજ કરવામાં આવે છે. પરંતુ આ બધા દાવાઓ વચ્ચે પણ જો જાહેર પાર્કની અંદર કે ચાલુ બસ માં સરેઆમ ગુનેગારો બેફામ બનીને બળાત્કાર જેવા જધન્ય ગુના આચરી શકતા હોય તો તે દર્શાવે છે કે વિકૃત માનસિકતા ધરાવતા અપરાધીઓમાં કાયદા કે પોલીસનો કોઈ જ ખોફ રહ્યો નથી. ગુનેગારો ખૂબ સારી રીતે જાણે છે કે કાયદાકીય દાવપેચ, લંબાયેલી ન્યાયપ્રણાલી અને તંત્રની શિથિલતાના કારણે તેઓ લાંબા સમય સુધી ઉગરી શકે છે. જ્યારે સમાજમાં કાયદાનો ડર જ સમાપ્ત થઈ જાય છે ત્યારે આ પ્રકારના ગુનાહિત તત્વોને ખુલ્લું મેદાન મળી જાય છે. આ બાબતે રાજકીય નેતૃત્વ એ પોતાની નિષ્ફળતાઓ ખુલ્લા મનથી સ્વીકાર કરીને માત્ર રાજકીય નિવેદનબાજીથી ઉપર ઊઠવું પડશે. મહિલા સુરક્ષા એ કોઈ પક્ષીય રાજનીતિનો મુદ્દો નથી પરંતુ દેશના દરેક નાગરિકના જીવવાનો અને સ્વતંત્ર રીતે શ્વાસ લેવાનો મૂળભૂત અધિકાર છે.
દિલ્હી એનસીઆર સહિત સમગ્ર દેશમાં જો મહિલાઓ માટે ખરેખર સુરક્ષિત વાતાવરણ બનાવવું હોય તો પોલીસ દળમાં સંવેદનશીલતા લાવવી પડશે, ટેકનોલોજીનો માત્ર દેખાડા માટે નહીં પણ વાસ્તવિક મોનિટરિંગ માટે ઉપયોગ કરવો પડશે, ન્યાયિક પ્રક્રિયાને ઝડપી બનાવવી પડશે અને સૌથી મહત્વનું એટલે કે બેદરકાર અધિકારીઓની સીધી જવાબદેહી નક્કી કરવી પડશે. જ્યાં સુધી દેશની મહિલાઓ કોઈપણ સમયે, કોઈપણ સ્થળે નિર્ભય બનીને ફરી ન શકે ત્યાં સુધી આપણા તમામ વિકાસ અને સુશાસનના દાવાઓ પોકળ જ સાબિત થશે.




