
કચ્છમાં આમ આદમી પાર્ટીના વધતા પ્રભાવથી ડરી ગયેલી ભાજપ સરકાર હવે પોલીસ તંત્રનો દુરુપયોગ કરી રહી હોવાના આક્ષેપ સાથે આજે આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા કચ્છ કલેક્ટરને ઉગ્ર આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આ પ્રસંગે પ્રદેશ સંગઠન મંત્રી અને કચ્છ ઝોન પ્રભારી સંજય બાપટ તથા જિલ્લા પ્રમુખ ઝુઝારદાન ગઢવીની આગેવાનીમાં મોટી સંખ્યામાં હોદ્દેદારો હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના સંજય બાપટ (પ્રદેશ સંગઠન મંત્રી અને કચ્છ ઝોન પ્રભારી), ઝુઝારદાન ગઢવી (જિલ્લા પ્રમુખ), કાંતાબેન પટેલ, મહાવીરસિંહ જાડેજા, મંજુલાબેન મહેશ્વરી, જાહિદ સોનેજી, વિજય ગોસ્વામી, ગોવિંદભાઇ મારવાડા, મામદ ખલીફા, પી.સી. ચાવડા, અર્ધમાન સગાર, ભરત જોગુ, લાખેના જત સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ, અગ્રણીઓ અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.
આવેદનપત્રમાં આમ આદમી પાર્ટીએ જણાવ્યું હતું કે, ભુજ અને લખપત વિસ્તારમાં પક્ષના પ્રચાર માટે આવેલા બહારના કાર્યકર્તાઓને પોલીસ દ્વારા ગેરકાયદેસર રીતે અટકાયતમાં લઈ, ધમકાવીને જિલ્લા બહાર મોકલી દેવાની ગંભીર ઘટનાઓ બની છે. નેતાઓએ આક્ષેપ કર્યો હતો કે, પોલીસ તંત્ર દારૂના અડ્ડાઓ અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ રોકવામાં નિષ્ફળ ગયું છે, પરંતુ ભાજપના ઈશારે ‘આપ’ના કાર્યકર્તાઓ પર દમન ગુજારવામાં શૂરવીરતા બતાવી રહ્યું છે. આમ આદમી પાર્ટીએ ચીમકી આપી છે કે જો પોલીસ આ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ બંધ નહીં કરાવે તો પાર્ટી ‘જનતા રેડ’ કરીને નશાના કારોબારનો પર્દાફાશ કરશે. આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા તમામ નેતાઓએ એકસૂરે પોલીસની જોહુકમીનો વિરોધ કર્યો હતો અને આગામી દિવસોમાં જો ન્યાય નહીં મળે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી.





