
આમ આદમી પાર્ટીના મધ્ય ઝોન પ્રમુખ યાત્રિક પટેલે વિડિયો માધ્યમથી જણાવ્યું હતું કે ગત રોજ અમરાવાડી પોલીસે સચિન રાજપૂત નામના વ્યક્તિને દસ લિટર દારૂ સાથે ધરપકડ કરી છે, જે એક સારી બાબત છે. પરંતુ પ્રશ્ન એ છે કે આ કાર્યવાહી ખરેખર દારૂબંધીના અમલ માટે કરવામાં આવી છે કે આમ આદમી પાર્ટીની છબી ખરાબ કરવા માટે? મીડિયામાં ચાલી રહ્યું છે કે “આમ આદમી પાર્ટીના નેતા સચિન રાજપૂત દસ લિટર દારૂ સાથે ઝડપાયા.” આ બાબતે હું સ્પષ્ટપણે કહેવા માગું છું કે સચિન રાજપૂત આમ આદમી પાર્ટીના કોઈપણ પ્રકારના હોદ્દેદાર નથી અને સક્રિય કાર્યકર પણ નથી. બેઠક અને રિક્વિઝિશન બાદ જે ચૂંટણી યોજાઈ હતી, ત્યાર પછી તેમણે કોઈ સંગઠનાત્મક કામગીરી કરી નથી. કોઈપણ રાજકીય પાર્ટીના નિયમ મુજબ, જો કોઈ સભ્ય લાંબા સમય સુધી કોઈ કામગીરી ન કરે, કાર્યક્રમોમાં હાજરી ન આપે, તો તેની સભ્યતા આપોઆપ રદ થઈ જાય છે.
AAP નેતા યાત્રિક પટેલે વધુમાં જણાવ્યું હતું કે બીજી તરફ, હું અમરાવાડી પોલીસ તંત્રને કહેવા માગું છું કે જો ખરેખર દારૂબંધીનો અમલ કરાવવો હોય, તો અમરાવાડી વિસ્તારમાં આંગળીના વેઢે ગણાય એટલા દારૂ, ડ્રગ્સ અને જુગારના અડ્ડાઓ ચાલી રહ્યા છે. શક્ય છે કે આ અડ્ડાઓ શાસક પક્ષના આશીર્વાદથી ચાલતા હોય, એટલે પોલીસ તંત્રને તે દેખાતા નથી. અમે પોલીસ તંત્રને 48 કલાકનો સમય આપીએ છીએ. જો આ સમયગાળામાં કાર્યવાહી કરવામાં આવશે તો સારી વાત છે. નહીંતર આમ આદમી પાર્ટીની અમરાઈવાડી વિધાનસભાની સમગ્ર ટીમ મળીને આ વિસ્તારમાં ચાલતા તમામ ગેરકાયદેસર અડ્ડાઓની માહિતી એકત્ર કરશે. 48 કલાક પછી અમે અમરાઇવાડી પોલીસ સ્ટેશનના પીઆઈને રજૂઆત કરવા જઈશું અને તેમને સાથે લઈને આ અડ્ડાઓ પર રેડ કરવાની માંગ કરીશું. જો પોલીસ કોઈ કાર્યવાહી નહીં કરે, તો આમ આદમી પાર્ટી દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવશે અને જ્યાં જ્યાં આવા અડ્ડાઓ ચાલે છે ત્યાં જનતા રેડ કરવામાં આવશે. આ તમામ પરિસ્થિતિ માટે સંપૂર્ણ જવાબદારી અમરાઈવાડી પોલીસ સ્ટેશનની રહેશે.




