અમદાવાદ ખાતે આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ કાર્યાલયમાં અયોધ્યાના શ્રી રામ મંદિરમાં થયેલી દાન ચોરીની ઘટનાને લઈને હનુમાન ચાલીસા પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં રામભક્તોની આસ્થાને ઠેસ પહોંચાડનાર દોષિતોને કડકમાં કડક સજા મળે અને આવી ઘટનાઓ ફરી ક્યારેય ન બને તે માટે પ્રાર્થના કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી, ગુજરાતના સહ પ્રભારી પવન શર્મા, પ્રદેશ મંત્રી અનુપ શર્મા, પ્રદેશ પ્રવક્તા હિમાંશુ ઠક્કર સહિત મોટી સંખ્યામાં પાર્ટીના પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ તમામ લોકોએ સાથે મળીને હનુમાન ચાલીસા અને સુંદરકાંડના પાઠ ગયા હતા.
આ પ્રસંગે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે, અયોધ્યામાં ભગવાન રામના મંદિરમાં ચઢાવવામાં આવેલ દાનની ચોરી થઈ. શરૂઆતથી જ એક અંદેશો હતો કે આ લોકો ચોરીઓ કરશે કારણ કે એ લોકોને ભગવાન રામના મંદિરમાં રસ ન હતો પરંતુ મંદિરમાં આવનાર દાનમાં રસ હતો, અને એ હવે ખબર પડી ગઈ છે. શરૂઆતમાં જમીન લીધી અને એ 2 કરોડમાં લીધેલી જમીન 18 કરોડમાં વેચાઈ, ટ્રસ્ટીઓ માનીતા મુકાયા, અને હવે હાઈ સિક્યુરિટી વચ્ચે કરોડો રૂપિયાની ચોરી કઈ રીતે થઈ શકે છે? એનો મતલબ સ્પષ્ટ થયો કે આમાં મોટા માથાઓ પણ સંડોવાયેલા છે અને હવે SIT ના નામે કઈ રીતે ઢાંકપિછોડો થાય એનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. તો આજે આમ આદમી પાર્ટીના પ્રદેશ કાર્યાલયના ખાતે હનુમાન ચાલીસાના પાઠ અને સુંદરકાંડના પાઠનું આયોજન કરવામાં આવ્યું. કારણ કે હનુમાનજી એક એવા ભગવાન છે જે હંમેશા ભગવાન રામની સેવામાં તત્પર રહે છે, દરેક રામ ભક્તોને અમે પત્ર સંભળાવ્યો છે કે શું ઘટના ઘટી છે. અહીંયા તમામ રામ ભક્તોએ પત્રો પર સાઇન કરી છે.
વધુમાં આમ આદમી પાર્ટીના નેતા ઈસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે, કરોડો સનાતનીઓ, કરોડો રામભક્તોએ જેમણે કરોડો રૂપિયાનું દાન આપ્યું હતું અને રામ મંદિરની ઉજવણી કરી હતી, એ તમામ લોકો હવે એક થશે. આજે આમ આદમી પાર્ટીએ પ્રદેશ કાર્યાલય ખાતે હનુમાન ચાલીસાના પાઠનું આયોજન કર્યું અને આવતીકાલથી આમ આદમી પાર્ટીના નેતાઓ તથા કાર્યકર્તાઓ પોતાના ઘરેથી હનુમાન ચાલીસાના પાઠ કરશે. ભગવાન રામના મંદિરને લૂંટનારા પાપીઓને સજા થાય એ માટે તમામ લોકો હનુમાનજીને પ્રાર્થના કરશે. સાથે સાથે દરેક સનાતની સાઇન કરીને ઉપર સુધી મેસેજ પહોંચે એ માટેનો પ્રયાસ કરશે. આ કાર્યક્રમ 10 દિવસ સુધી ચાલશે અને તમામ લીડરો તથા તમામ કાર્યકર્તાઓ પોતાના ઘરે અને પોતાની સોસાયટીમાં હનુમાન ચાલીસાનું પઠન કરશે. આ દરમિયાન લોકોને બોલાવવામાં આવશે અને તમામ રામ ભક્તોને સાચી હકીકત જણાવવામાં આવશે અને જે રામ ભક્ત અમારી સાથે સહમત થશે તેમની સાઈન પણ પત્ર પર લેવામાં આવશે. તો આ મંદિરમાં ચોરી કરનાર તમામ પાપીઓની સજા થવી જોઈએ એવી માંગ કરું છું.





