
જૂનાગઢમાં આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયા અને પ્રદેશ સંગઠન મંત્રી રાજુ બોરખતરીયાની આગેવાનીમાં ચૈતરભાઈ વસાવાના સમર્થનમાં પદયાત્રા યોજાઈ. આ તકે વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે, અમારી આમ આદમી પાર્ટીના નેતા અને ગુજરાતના આદિવાસી સમાજના યોદ્ધા એવા ચૈતરભાઈ વસાવા સામે ભાજપ સરકારે કાયદાનો દુરુપયોગ કરીને, કાયદાની પ્રક્રિયા સાથે છેડછાડ કરીને અને ષડયંત્ર રચીને તેમને રાજનીતિમાંથી દૂર કરવાનો તેમજ ધારાસભ્ય પદેથી હટાવી દેવાનો દ્વેષપૂર્ણ કાર્યક્રમ કર્યો છે અને સાત વર્ષ સુધી જેલની સજા કરાવી છે. ચૈતરભાઈ વસાવાનો ગુનો શું છે? ચૈતરભાઈનો ગુનો આદિવાસી સમાજને જાગૃત કરવાનો છે. આદિવાસી સમાજના જળ, જમીન અને જંગલના અધિકારો માટે લડવું એ ગુનો છે? આદિવાસીઓને વિસ્થાપિત કરવામાં આવે છે, એ વિસ્થાપિત આદિવાસીઓ માટે લડવાનો ગુનો, આદિવાસી વિસ્તારોમાં નકલી કચેરીઓનો ભાંડો ફોડવાનો ગુનો, અને સમાજ માટે, યુવાનો માટે તેમજ લોકો માટે લડવાનો ગુનો તેમણે કર્યો છે. આ કામ કરવા બદલ તેમને સાત વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. ગુજરાતમાં અનેક ભૂમાફિયાઓ, સ્કેમ કરનારા માફિયાઓ, કોન્ટ્રાક્ટ માફિયાઓ, હલકી ગુણવત્તાની દવાઓ પધરાવી દેનારાઓ અને નકલી વસ્તુઓ બનાવનારાઓ હજારો ક્રાઈમ કરી રહ્યા છે.
ગોપાલ ઇટાલિયાએ વધુમાં જણાવ્યું હતુ કે સમગ્ર ગુજરાતમાં આવા ગુના કરનારા એક પણ વ્યક્તિને સાત વર્ષની સજા નથી થઈ. મોરબીની અંદર બ્રિજ તૂટી ગયો છતાં કોઈને સાત વર્ષની સજા નથી થઈ. રાજકોટના અગ્નિકાંડમાં અનેક નિર્દોષ લોકો સળગીને મૃત્યુ પામ્યા, છતાં કોઈને સાત વર્ષની સજા ન થઈ. સુરતના અગ્નિકાંડના ભોગ બનેલા પરિવારો આજે પણ ન્યાય માટે કોર્ટ-કચેરીના ધક્કા ખાય છે, પણ તેના આરોપીઓને સાત વર્ષની સજા ન થઈ. ગુજરાતમાં બોટાદમાં લઠ્ઠાકાંડ થયો, પચાસ કરતાં વધુ લોકો તેમાં મૃત્યુ પામ્યા, છતાં આરોપીઓને સાત વર્ષની જેલની સજા ન થઈ. હોસ્ટેલની અંદર જઈને યુવતીઓ પર બળાત્કાર કરનારા ગુનેગારોને સાત વર્ષની જેલની સજા ન થાય! પરંતુ ચૈતર વસાવાએ જનતાને જગાડવાનું અને જનતાના હક માટે લડવાનું કામ કર્યું, તો તેમને મામૂલી ગુનામાં સાત વર્ષની જેલની સજા કરી દેવાઈ! અમે આમ આદમી પાર્ટી તરીકે ગુજરાતના આદિવાસી સમાજ અને ચૈતરભાઈ વસાવાની સાથે ઊભા છીએ. જે પણ લડાઈ લડવી પડશે, તે અમે લડતા રહીશું અને આ સરમુખત્યારશાહી સામે ઝૂકવાના નથી. ગુજરાતની જનતા અને આદિવાસી યુવાનોને મારી એક નમ્ર વિનંતી છે કે, જો તમે માનતા હો કે ચૂંટાયેલા જનપ્રતિનિધિને મામૂલી કલમો હેઠળ સાત વર્ષ સુધી જેલમાં પૂરી દેવાનું કામ ભાજપે કર્યું છે તે વ્યાજબી નથી, તો હું બધાને વિનંતી કરું છું કે આવનારી ચૂંટણીઓમાં ભાજપને એક પણ મત ન પડવો જોઈએ. બધા જ મત ચૈતરભાઈ વસાવા અને આમ આદમી પાર્ટીને આપજો.





