આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મંત્રી તથા નર્મદા જિલ્લા પ્રમુખ નિરંજન વસાવાએ ગતરોજ એક ગંભીર મુદ્દા પર કલેકટર સમક્ષ આવેદનપત્ર આપ્યું હતું અને આ મુદ્દે તેઓએ મીડિયા સમક્ષ પોતાની વાત રજૂ કરતાં જણાવ્યું હતું કે, સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે છેલ્લા આઠ વર્ષથી કામ કરતા સિક્યુરિટી ગાર્ડ પોતાની માંગણીઓને લઈને છેલ્લા ચાર દિવસથી ધરણા પર બેઠા હતા. છેલ્લા આઠ વર્ષથી એજન્સી દ્વારા તેમને ફક્ત 15000 રૂપિયા પગાર આપવામાં આવતો હતો, અને દિવાળીના બોનસમાં ફક્ત 250 ગ્રામ કાજુ, બદામ દ્રાક્ષનું પેકેટ આપવામાં આવ્યું. સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા છે, એને બનાવવા માટે અમારા લોકોએ પોતાની જમીનો ગુમાવી છે. અમારા લોકોએ આ મુદ્દે ઘણી વાર આંદોલનો કર્યા છે, સરકાર અને પ્રશાસન સાથે ઘર્ષણમાં ઉતરવું પડે છે, લોકો ટાવર ઉપર પણ ચડી જાય છે. આજે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા જોવા માટે દુનિયાભરમાંથી લોકો આવતા હોય ત્યારે અમારા લોકોને યોગ્ય વળતર અને યોગ્ય પગાર મળવો જોઈએ.
વધુમાં આમ આદમી પાર્ટીના નેતા નિરંજન વસાવાએ જણાવ્યું હતું કે, રિલાયન્સ જેવી મોટી મોટી કંપનીઓ પણ આ સ્ટેચ્યુ ઓફ યુનિટીના અલગ અલગ વિભાગોમાં કામ કરી રહી છે, ત્યારે અમારા લોકોનું ખૂબ જ મોટા પ્રમાણમાં શોષણ થાય છે. અહીંયા સિંઘમની સ્ટાઈલમાં આવીને પીઆઈ ગઢવી અને ડિવાયસપી શર્મા જેવા અધિકારીઓ અમારા ટ્રાઇબલ વિસ્તારના લોકોને ડરાવવા ધમકાવવાનો અને તેમના પર ખોટા કેસો કરવાનું ષડયંત્ર કરે છે તો આવા અધિકારીઓ પર તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરવામાં આવે અને તેમના પર એટ્રોસિટી એક્ટ હેઠળ એક્શન લેવામાં આવે. જો સાત દિવસમાં એમના પર એક્શન લેવામાં નહીં આવે તો ઉમરગામથી અંબાજીના તમામ ટ્રાયબલ વિસ્તારના લોકોને બોલાવીને નર્મદા એસપી ઓફિસ અથવા તો કલેક્ટર કચેરીનો ગાંધીચિંધ્યા માર્ગે ઘેરાવ કરીશું. તો આ મુદ્દે અમે આજે કલેકટરને આવેદનપત્ર આપ્યું છે.




