આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ ભાણવડ તાલુકાના પાસ્તર ગામે બરડા ડુંગર વિસ્તારમાં વસતા માલધારીઓની ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે અહીંના માલધારીઓ અગાઉ સુખેથી જીવન જીવતા હતા, પરંતુ ભાજપ સરકાર બન્યા બાદ બરડા ડુંગરમાં સિંહ મૂકવામાં આવ્યા છે અને હવે દરરોજ સિંહ માલધારીઓના માલઢોર પર હુમલા કરી મારી નાખે છે. ગઈકાલે જ એક ઊંટથી પોતાનું ગુજરાન ચલાવતા માલધારી પરિવારનો ૭૦-૮૦ હજારથી લાખ રૂપિયાની કિંમતનો ઊંટ સિંહે મારી નાખ્યો, જેનાથી તેમની રોજગારી ખતમ થઈ ગઈ છે; તેમજ ભેંસો ચારવા જઈએ તો સિંહ ખાઈ જાય તેવી સ્થિતિ સર્જાઈ છે. પહેલા ગીરમાંથી અને હવે બરડામાંથી માલધારીઓને કાઢવા માટે સરકારે આ રસ્તો અપનાવ્યો હોય તેમ લાગે છે, કારણ કે રોજગારી આપવાને બદલે સિંહ મોકલી માલધારીઓની રોજગારી છીનવવામાં આવી રહી છે અને હવે સિંહ માલઢોર મારી નાખે તો પણ કોઈ યોગ્ય વળતર કે ન્યાય મળતો નથી.
’આપ’ નેતા ઈસુદાન ગઢવીએ મુખ્યમંત્રી, વર્તમાન વન મંત્રી અર્જુનભાઈ અને પૂર્વ વન મંત્રીને અપીલ કરતા જણાવ્યું હતું કે વિકાસ હોવો જોઈએ પણ તે કોઈના ભોગે ન હોવો જોઈએ; માલધારીઓના રોટલા છીનવે અને તેમના માલઢોરના જીવ લે તેવી સિંહ સફારી કાં તો બંધ કરી સિંહને પાછા જે તે સ્થળે મૂકી આવો અથવા તો સિંહ બહાર ન નીકળે તે માટે યોગ્ય બાઉન્ડ્રીની વ્યવસ્થા કરો. મોટા જંગલમાં માલધારીઓના પશુઓ માટે ચારણની વધુ સુવિધા ઊભી કરવાને બદલે ખેડૂત, માલધારી અને શ્રમિક વિરોધી માનસિકતા ધરાવતી સરકાર તેમને હેરાન કરી રહી છે, તેથી આ સરકાર પાસે કોઈ અપેક્ષા નથી છતાં મુખ્યમંત્રી પાસે ૧૦ મહિનાનો સમય છે અને જો તેમાં નિરાકરણ લાવશે તો અમે તેમનો આભાર માનીશું. ઇસુદાન ગઢવીએ ખાતરી આપી હતી કે જો ૨૦૨૭માં આમ આદમી પાર્ટીની સરકાર બનશે તો માલધારીઓના વ્યવસ્થાપન અને સિંહની રંજાડના પ્રશ્ને યોગ્ય વ્યવસ્થા કરવામાં આવશે અથવા આ સમગ્ર નિર્ણય પર પુનઃવિચાર કરવામાં આવશે.




