
તમામ ગેસ્ટ્સ પર ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો.અમદાવાદની શાળાઓને બોમ્બની ધમકી, ગાંધીનગર સચિવાલયમાં હાઈ એલર્ટ.સંયુક્ત કમિશનર શરદ સિંઘલે જણાવ્યું કે, પોલીસ ટીમો સંબંધિત શાળાઓમાં તપાસ કરી પણ શંકાસ્પદ વસ્તુ મળી નથી.અમદાવાદ અને ગાંધીનગરની વિવિધ શાળાઓને આજે બોમ્બ બ્લાસ્ટ કરવાની ઈ-મેઈલ દ્વારા ધમકી મળતાં સમગ્ર વહીવટી તંત્ર એલર્ટ પર આવી ગયું છે. આ ધમકીના પગલે અમદાવાદની કેટલીક શાળાઓએ સુરક્ષાને ધ્યાનમાં રાખી સ્વૈચ્છિક રજા જાહેર કરી હતી, જ્યારે રાજ્યના પાટનગર ગાંધીનગરમાં આવેલા નવા અને જૂના સચિવાલયમાં સુરક્ષા વ્યવસ્થા કડક કરવામાં આવી હતી.
બોમ્બ ધમકીની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સચિવાલય પરિસરમાં ‘હાઈ એલર્ટ’ જાહેર કરવામાં આવ્યું છે. સુરક્ષા એજન્સીઓ અને ગુપ્તચર વિભાગની માહિતીના આધારે આ ર્નિણય લેવામાં આવ્યો હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. સંભવિત ખતરા સામે તકેદારીના ભાગરૂપે સમગ્ર સચિવાલય પરિસરમાં પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.

વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક સુરક્ષા પ્રોટોકોલમાં ફેરફાર કરીને દરેક પ્રવેશદ્વાર પર સઘન તપાસ શરૂ કરવામાં આવી છે. સચિવાલયના ગેટ નંબર ૧થી ૭ સુધી તમામ પ્રવેશ પોઈન્ટ્સ પર મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. સામાન્ય પાસ સાથે હવે દરેક કર્મચારી, અધિકારી તથા મુલાકાતીઓના ઓળખપત્રોની ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી.
સચિવાલયમાં પ્રવેશતા તમામ વાહનોને મેટલ ડિટેક્ટર અને ડોગ સ્ક્વોડની મદદથી તપાસવામાં આવી રહ્યા છે. કંટ્રોલ રૂમ મારફતે સમગ્ર વિસ્તારમાં ૨૪ કલાક નજર રાખવામાં આવી રહી છે. કોઈ પણ શંકાસ્પદ હિલચાલ પર તાત્કાલિક કાર્યવાહી કરવા માટે ખાસ ટીમો તૈયાર રાખવામાં આવી છે.
સુરક્ષા સૂત્રોના જણાવ્યા મુજબ, હાલ કોઈ ચોક્કસ ખતરની પુષ્ટિ થઈ નથી, પરંતુ આ તમામ પગલાં પૂર્વસાવચેતીના ભાગરૂપેલેવામાં આવ્યા છે. રાજ્યના ગૃહ વિભાગે નાગરિકોને અપીલ કરી છે કે અફવાઓથી દૂર રહે અને સુરક્ષા જવાનોને સંપૂર્ણ સહકાર આપે.
સચિવાલયની સાથે સાથે ગાંધીનગર સ્થિત વિધાનસભા ભવન તેમજ અન્ય મહત્વની સરકારી કચેરીઓમાં પણ સુરક્ષા વધારી દેવામાં આવી છે. ખાસ કરીને મુખ્યમંત્રીના કાફલાના રૂટ પર વધારાનું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. સ્વર્ણિમ સંકુલ-૧ થી મુખ્યમંત્રી નિવાસસ્થાન સુધીના માર્ગ પર વિશેષ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
ગાંધીનગરમાં વિવિધ શાળાઓને બોમ્બથી ઉડાવવાની ધમકીના મામલે પોલીસ અને સાયબર ક્રાઇમ ટીમ દ્વારા ઈ-મેઈલની તપાસ શરૂ કરવામાં આવી છે. ધમકી મોકલનાર સુધી પહોંચવા માટે ટેકનિકલ તપાસ હાથ ધરવામાં આવી છે. રાજ્ય સરકાર પરિસ્થિતિ પર સતત નજર રાખી રહી છે અને સુરક્ષા બાબતે કોઈ પણ પ્રકારની બેદરકારી ન રાખવાની સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે.
સમગ્ર મામલે અમદાવાદ પોલીસના સંયુક્ત કમિશનર શરદ સિંઘલે જણાવ્યું કે, પોલીસ ટીમો સંબંધિત શાળાઓમાં તપાસ કરી રહી છે અને અત્યાર સુધી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નથી. તેમ છતાં સુરક્ષાને લઈને કોઈ બેદરકારી ન રાખવામાં આવી. જે શાળાઓને આ ધમકી મળી તેમાં મહારાજા અગ્રસેન સ્કૂલ, ઝાયડસ સ્કૂલ ફોર એક્સેલન્સ અને જાબેર સ્કૂલનો સમાવેશ થાય છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર આ ઈમેલ પાછળ ખાલિસ્તાન સાથે જાેડાયેલા તત્વો હોઈ શકે છે તેવી શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ધમકીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના સંસદીય વિસ્તાર તથા સાબરમતી જેલનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હોવાની ચર્ચા છે.
સમગ્ર મામલે એક પિતાએ કહ્યું કે, જાણકારી મળ્યાના માત્ર ૧૦ મિનિટમાં તેઓ શાળાએ પહોંચી ગયા હતા. તેમણે શાળાની સુરક્ષા વ્યવસ્થાને સંતોષજનક ગણાવી અને જણાવ્યું કે શિક્ષકોએ ફોન કરીને પણ વાલીઓને જાણ કરી હતી. ઉલ્લેખનીય છે કે આ પહેલીવાર નથી જ્યારે શાળાઓને આવી ધમકીઓ મળી હોય. તાજેતરમાં દેશના અન્ય શહેરોમાં પણ આવી ઘટનાઓ સામે આવી છે.
બોમ્બથી ઉડાવી દેવાની ધમકીનો ઇ-મેઇલ મળ્યો છે તે ૧૨ સ્કુલોના નામનું લિસ્ટ
ઝેબર સ્કૂલ, થલતેજ
મહારાજા અગ્રસેન સ્કૂલ, ગુરુકુળ રોડ
DAV ઈન્ટરનેશલ, મકરબા
નિર્માણ સ્કૂલ, વસ્ત્રાપુર
ઝાયડસ સ્કૂલ, વેજલપુર
CBSE ડિવાઇન ચાઇલ્ડ સ્કૂલ, અડાલજ
આવિષ્કાર સ્કૂલ, કલોલ
જેમ્સ એન્ડ જેનીસીસ, ખોરજ-ખોડિયાર
અમદાવાદ ઇન્ટરનેશનલ સ્કૂલ, વસ્ત્રાપુર
ઉદગમ સ્કૂલ, થલતેજ
DPS, બોપલ
તુલિપ ઇન્ટરનેશનલ સ્કૂલ, બોપલ




