ગ્રામીણ વિકાસ મંત્રાલય 25 નવેમ્બર 2026 ના રોજ મહિલાઓ સામેની હિંસા નાબૂદી માટેના આંતરરાષ્ટ્રીય દિવસ નિમિત્તે તેના રાષ્ટ્રીય જેન્ડર અભિયાન, નયી ચેતના – પહલ બદલાવ કી ની પાંચમી આવૃત્તિ શરૂ કરશે. આ મહિનાભરનું અભિયાન દીનદયાળ અંત્યોદય યોજના–રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન (DAY-NRLM) હેઠળ 25 નવેમ્બરથી 23 ડિસેમ્બર 2026 સુધી દેશવ્યાપી અમલમાં મૂકવામાં આવશે.
માનનીય કેન્દ્રીય ગ્રામીણ વિકાસ તથા કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શ્રી શિવરાજ સિંહ ચૌહાણ, માનનીય કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રીમતી અન્નપૂર્ણા દેવી; માનનીય કાયદા અને ન્યાય મંત્રાલયના રાજ્યમંત્રી (સ્વતંત્ર હવાલો) શ્રી અર્જુન રામ મેઘવાલ; અને ભારતના સર્વોચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશ તથા રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તામંડળ (NALSA) ના કાર્યકારી અધ્યક્ષ માનનીય ન્યાયમૂર્તિ શ્રી વિક્રમ નાથની ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય લોન્ચિંગનું ઉદ્ઘાટન કરશે.
આ કાર્યક્રમમાં માનનીય ગ્રામીણ વિકાસ રાજ્યમંત્રી શ્રી કમલેશ પાસવાન, અને માનનીય ગ્રામીણ વિકાસ તથા સંચાર રાજ્યમંત્રી ડૉ. ચંદ્રશેખર પેમ્માસાની, ઉપરાંત સહભાગી મંત્રાલયોના વરિષ્ઠ અધિકારીઓ, રાજ્ય સરકારોના પ્રતિનિધિઓ, વિકાસ ભાગીદારો અને સમગ્ર દેશની સામુદાયિક સંસ્થાઓના મહિલા અગ્રણીઓ પણ ઉપસ્થિત રહેશે.
આ લોન્ચિંગ સાંજે 4:00 વાગ્યે ભારત રત્ન સી. સુબ્રમણ્યમ ઓડિટોરિયમ, NASC કોમ્પ્લેક્સ, દેવ પ્રકાશ શાસ્ત્રી માર્ગ, પુસા, નવી દિલ્હી – 110012 ખાતે યોજાશે.
નયી ચેતના 5.0 ની થીમ, “સુલભતાથી સ્વાયત્તતા તરફ: વિકસિત ભારત માટે આજીવિકા અને સમાન તકો દ્વારા મહિલાઓનું સશક્તિકરણ,” આર્થિક સશક્તિકરણ, આજીવિકામાં ભાગીદારી અને સ્વતંત્ર નિર્ણય લેવાના નિર્ણાયક પરિબળો તરીકે મહિલાઓની સુલભતા અને ગતિશીલતાના મહત્વ પર પ્રકાશ પાડે છે.
ધ્યાન કેન્દ્રિત કરવાના ચાર આંતરસંબંધિત ક્ષેત્રો
નયી ચેતના 5.0 તેના અભિગમના કેન્દ્રમાં મહિલાઓના આર્થિક સશક્તિકરણને રાખશે, જેમાં ચાર આંતરસંબંધિત ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે: મહિલાઓને આર્થિક યોગદાનકર્તા તરીકે ઓળખવી, સંપત્તિઓ સુધી મહિલાઓની પહોંચ અને તેના પરના નિયંત્રણને મજબૂત બનાવવું, સુરક્ષિત ગતિશીલતાને પ્રોત્સાહન આપવું, અને અવેતન સંભાળ કાર્યનું પુનઃવિતરણ કરવું. આજીવિકાની તકો, બજારો, નાણાકીય સેવાઓ, જાહેર સ્થળો અને આવશ્યક સેવાઓ સુધી મહિલાઓની પહોંચ તથા મુક્તપણે, સુરક્ષિત રીતે અને સ્વતંત્ર રીતે હરવાફરવાની તેમની ક્ષમતાને પ્રતિબંધિત કરતા અવરોધોને દૂર કરવા પર વિશેષ ભાર મૂકવામાં આવશે. આ અભિયાનનો ઉદ્દેશ્ય જાગૃતિ લાવવાથી આગળ વધીને સંકલિત કાર્યવાહી અને મહિલાઓની આર્થિક ભાગીદારી, સ્વાયત્તતા તથા નિર્ણય લેવાની ક્ષમતામાં માપી શકાય તેવા સુધારા તરફ આગળ વધવાનો છે.
કાર્યક્રમની મુખ્ય વિશેષતાઓ
15 મંત્રાલયો/વિભાગોને સાંકળતી સંયુક્ત આંતર–મંત્રાલય એડવાઈઝરી
રાષ્ટ્રીય લોન્ચિંગનું મુખ્ય આકર્ષણ 15 મંત્રાલયો/વિભાગોને સાંકળતી સંયુક્ત આંતર-મંત્રાલય એડવાઈઝરીનું વિમોચન હશે. આ એડવાઈઝરી સંકલિત કાર્યવાહી અને સંકલન દ્વારા નયી ચેતના 5.0 ના ઉદ્દેશ્યોને આગળ વધારવાની સહિયારી પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરશે. તે મંત્રાલયો અને વિભાગોને તેમની યોજનાઓ, કાર્યક્રમો, સંસ્થાકીય તંત્ર અને ફ્રન્ટલાઈન નેટવર્કને અભિયાનના ઉદ્દેશ્યો સાથે સંરેખિત કરવા માટે એક માળખું પૂરું પાડશે. તે રાષ્ટ્રીય, રાજ્ય, જિલ્લા અને સામુદાયિક સ્તરે સંકલિત હસ્તક્ષેપોને મજબૂત બનાવવાનો પ્રયાસ કરશે, ખાસ કરીને આજીવિકા, સંપત્તિઓ, નાણાકીય સેવાઓ, સુરક્ષિત ગતિશીલતા, આવશ્યક સેવાઓ અને સંસ્થાકીય સહાય સુધી મહિલાઓની પહોંચ સુધારવા માટે.
હિંસા–મુક્ત ગામ પહેલ પર હસ્તાક્ષરિત ચતુષ્પક્ષીય સમજૂતી કરાર
આ કાર્યક્રમમાં ગ્રામીણ વિકાસ મંત્રાલય, મહિલા અને બાળ વિકાસ મંત્રાલય, ન્યાય વિભાગ અને રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તામંડળ (NALSA) વચ્ચે હિંસા-મુક્ત ગામ પહેલ પર હસ્તાક્ષરિત ચતુષ્પક્ષીય સમજૂતી કરાર (MoU) નું વિમોચન પણ કરવામાં આવશે. આ MoU સામુદાયિક સ્તરે લિંગ-આધારિત હિંસાને રોકવા અને તેનો પ્રતિભાવ આપવા માટે સંકલિત સંસ્થાકીય કાર્યવાહી માટે એક માળખું પૂરું પાડશે. તેનો હેતુ સામુદાયિક સંસ્થાઓ, કાનૂની સેવા સત્તામંડળો અને સંબંધિત સરકારી તંત્રો વચ્ચે સંકલનને મજબૂત બનાવવાનો છે, જેમાં કાનૂની અધિકારોની જાગૃતિ, ન્યાય સુધીની પહોંચ, સંસ્થાકીય સહાય અને હિંસા-મુક્ત ગામોના નિર્માણ તરફ સામૂહિક કાર્યવાહીનો સમાવેશ થાય છે.
સામુદાયિક સંસ્થાઓ અને મહિલા નેતૃત્વને મજબૂત બનાવવું
DAY-NRLM નું સ્વ-સહાય જૂથો (SHGs), ગ્રામ સંગઠનો (VOs), ક્લસ્ટર લેવલ ફેડરેશન્સ (CLFs), જેન્ડર રિસોર્સ સેન્ટર્સ (GRCs) અને અન્ય સામુદાયિક સંસ્થાઓનું વ્યાપક નેટવર્ક નયી ચેતના 5.0 ના અમલીકરણમાં કેન્દ્રીય ભૂમિકા ભજવશે. લોન્ચિંગ દરમિયાન, સેવાઓ, હકદારીઓ, સહાયક પ્રણાલીઓ અને ફરિયાદ નિવારણ તંત્ર સુધી પહોંચની સુવિધા આપવા માટે સામુદાયિક-સ્તરના મંચ તરીકે નવા જેન્ડર રિસોર્સ સેન્ટર્સનું ઉદ્ઘાટન કરવામાં આવશે. વિવિધ રાજ્યોની SHG મહિલા અગ્રણીઓ મહિલાઓની સામૂહિક કાર્યવાહી અને નેતૃત્વને મજબૂત બનાવવા અંગે તેમના અનુભવો, નવીનતાઓ અને દ્રષ્ટિકોણ શેર કરશે.
આ કાર્યક્રમમાં દિવસ દરમિયાન બે પેનલ ચર્ચાઓ પણ યોજાશે. પ્રથમ પેનલ, “જેન્ડર રિસોર્સ સેન્ટર્સ (GRCs), વન સ્ટોપ સેન્ટર્સ (OSCs), કાનૂની સેવા સત્તામંડળ (LSA), અને આરોગ્ય પ્રણાલી દ્વારા મંત્રાલય સંકલનને આગળ વધારવું,” મહિલાઓની ચિંતાઓ પ્રત્યે સંકલન અને સંકલિત પ્રતિભાવોને મજબૂત કરવા અંગે વિચાર-વિમર્શ કરવા માટે સંબંધિત મંત્રાલયો અને સંસ્થાઓના પ્રતિનિધિઓને એકસાથે લાવશે. બીજી પેનલ, “ક્ષેત્રના મહિલા અગ્રણીઓ: અનુભવો, નવીનતાઓ અને આગળનો માર્ગ,” પાયાના સ્તરના મહિલા અગ્રણીઓને તેમના અનુભવો અને ભલામણો શેર કરવા માટે એક મંચ પૂરો પાડશે.
નયી ચેતના 4.0 મૂલ્યાંકન અહેવાલ
રાષ્ટ્રીય લોન્ચિંગ દરમિયાન નયી ચેતના 4.0 મૂલ્યાંકન અહેવાલ બહાર પાડવામાં આવશે. આ અહેવાલ ભવિષ્યના અભિયાન હસ્તક્ષેપોને માહિતગાર કરવા અને મજબૂત બનાવવા માટે અગાઉની આવૃત્તિનું મૂલ્યાંકન અને તેની મુખ્ય શીખ રજૂ કરશે.
આ કાર્યક્રમમાં રાજ્ય-સ્તરના વીડિયોનું સ્ક્રીનિંગ અને શ્રેષ્ઠ પદ્ધતિઓની પ્રસ્તુતિઓ પણ સામેલ હશે, જે લિંગ સમાનતા તરફ સમુદાય-સંચાલિત પહેલો અને અભિગમો પર પ્રકાશ પાડશે. અભિયાન માટે વિકસાવવામાં આવેલા વીડિયો સંસાધનો પણ લોન્ચ કરવામાં આવશે.
ગ્રામીણ વિકાસ મંત્રાલયના DAY-NRLM દ્વારા સંચાલિત, નયી ચેતના 2022 માં તેની શરૂઆતથી લિંગ-આધારિત હિંસા (GBV) ને સંબોધવા, ભેદભાવપૂર્ણ સામાજિક ધોરણોને પડકારવા અને લિંગ સમાનતાને આગળ વધારવા માટે એક રાષ્ટ્રવ્યાપી સામૂહિક આંદોલન તરીકે વિકસિત થયું છે. નયી ચેતના 5.0 દ્વારા, મંત્રાલય મહિલાઓની આર્થિક ભાગીદારી, સુરક્ષા અને સ્વાયત્તતા માટે સક્ષમ વાતાવરણ ઊભું કરવા માટે મંત્રાલયો, રાજ્ય સરકારો, સામુદાયિક સંસ્થાઓ અને અન્ય હિસ્સેદારો વચ્ચે સામૂહિક કાર્યવાહીને મજબૂત બનાવવાનો પ્રયાસ કરે છે. આ અભિયાન ભેદભાવપૂર્ણ સામાજિક ધોરણોને પડકારવા તથા સમાનતા અને સહિયારી જવાબદારીને પ્રોત્સાહન આપવા માટે પુરુષો, છોકરાઓ અને યુવાનોની સક્રિય ભાગીદારીને પણ પ્રોત્સાહિત કરશે.




