(નીડર , નિષ્પક્ષ અને તટસ્થ છગનલાલ મેવાડા દ્વારા) સુરત.
સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરમાં ગટર સફાઈ દરમિયાન થતી ગંભીર દુર્ઘટનાઓ અને કામદારોના કરુણ મોત અટકાવવા માટે એક અત્યંત મહત્વપૂર્ણ અને કડક નિર્ણય લેવામાં આવ્યો છે. હવેથી સુરત શહેરમાં કોઇપણ વ્યક્તિ કે મિલકતદાર દ્વારા માણસો પાસે પ્રત્યક્ષ રીતે ગટરની સફાઈ કરાવવામાં આવશે, તો તેમની સામે સીધી ફોજદારી ફરિયાદ દાખલ કરીને કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. અગાઉ પણ અનેક કિસ્સાઓમાં જોવા મળ્યું છે કે ખાનગી મિલકતદારો, સોસાયટીઓ કે કોમ્પ્લેક્ષના સંચાલકો યોગ્ય સુરક્ષા સાધનો વગર ગટર કે સેપ્ટિક ટેન્ક સાફ કરવા માટે કામદારોને ઉતારે છે.
જેમાં ઝેરી ગેસ ગૂંગળામણને કારણે કામદારો જીવ ગુમાવે છે. આ બાબતને અત્યંત ગંભીરતાથી લઇને સુરત મ.ન.પા એ સ્પષ્ટ કર્યું છે કે જો આવી સફાઈ દરમિયાન કોઇ કામદારનું અકાળે અવસાન થશે, તો તેની પૂરેપૂરી જવાબદારી સંબંધિત મિલકતદાર કે સોસાયટી સંચાલકની રહેશે. એટલું જ નહીં, મૃતક કામદારના પરિવારને કાયદાકીય રીતે ચૂકવવાપાત્ર તમામ વળતર પણ મિલકતદારે જ ભોગવવું પડશે.
નાગરિકો અને સોસાયટીઓને ચોકઅપ કે ગટર સફાઈ માટે માનવબળનો ઉપયોગ ન કરવો પડે તે માટે સુરત મ.ન.પા દ્વારા વિશેષ સુવિધા પૂરી પાડવામાં આવી રહી છે. મ.ન.પા પાસે ઉપલબ્ધ અત્યાધુનિક મશીનરી અને જેટીંગ મશીનો નાગરિકોને વ્યાજબી ભાડે પૂરા પાડવામાં આવશે. જેથી સફાઈનું કામ સલામત અને આધુનિક પધ્ધતિથી થઈ શકે.
આ ઉપરાંત, ગટર સંબંધિત તમામ પ્રકારની ફરિયાદોના ત્વરિત નિવારણ માટે અને મશીનરી બુક કરાવવા માટે સુરત મ.ન.પા દ્વારા ખાસ હેલ્પલાઇન નં.૧૪૪૨૦ પણ જાહેર કરવામાં આવ્યો છે. મ.ન.પા એ સુરતના તમામ નાગરિકોને અપીલ કરી છે કે તેઓ જોખમી રીતે ગટરમાં માણસોને ઉતારવાનું બંધ કરે અને મ.ન.પા ની આ આધુનિક સેવાનો લાભ લે. જેથી કોઈ પણ શ્રમિકે પોતાનો કિંમતી જીવ ગુમાવવો ના પડે.




