
ચાલક-કંડક્ટર કેબિનમાં ફસાઈ જતાં ફાયર ટીમે બંનેના મૃતદેહો બહાર કાઢ્યા પ્રાંતિજના સાદોલીયા બ્રિજ પાસે ડમ્પર ઉપર ગડર પડી : બેનાં મોત ગડરને ટકરાયેલા ડમ્પરની પાછળ આવી રહેલી અન્ય એક ટ્રક ડમ્પરની પાછળ અથડાતાં વિચિત્ર અકસ્માત સર્જાયોે
પ્રાંતિજ તાલુકાના સાદોલિયા ગામે આવેલા પુલના છેડે રાત્રિના સમયે ગડરમાં ડમ્પર ઘૂસી જતાં ડમ્પરના ડ્રાઇવર અને કંડક્ટર બંનેનાં મોત નીપજ્યા હતા. મળતી માહિતી મુજબ,
પ્રાંતિજ-મહેસાણાને જાડતા સાદોલિયા ગામેથી પસાર થતી સાબરમતી નદી ઉપર બનેલ પુલ પર ઓવરલોડ અને ભારે વાહનો ઉપર પ્રતિબંધ હોવાથી પુલના બન્ને છેડે લોખંડની હેવી ગડર લગાડવામાં આવી છે. જ્યાં શનિવારે મોડી રાત્રે પ્રાંતિજ તરફથી કપચી ભરીને જઈ રહેલું ડમ્પર બાબરીયા વીરના મંદિર નજીક બ્રિજના છેડે લગાવવામાં આવેલી ગડર સાથે ટકરાયું હતું. આ અકસ્માત એટલો ભયંકર હતો કે, ડમ્પરના કેબિનમાં ગડરનો ભાગ પડતાં ડ્રાઇવર અને કંડક્ટરને ગંભીર ઇજાઓ પહોંચતાં બંનેનું ઘટના સ્થળે જમોત નીપજ્યું હતું. અકસ્માતની જાણ પ્રાંતિજ પોલીસને થતાં પોલીસ તાત્કાલિક ઘટના સ્થળ ઉપર દોડી ગઇ હતી અને પ્રાંતિજ ફાયર ફાયટરની ટીમને જાણ કરી હતી. ફાયર ટીમના કેપ્ટન મુકેશભાઇ પરમાર, અનીલભાઇ, ગોપાલભાઈ પટેલ સહિત ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ટ્રકના કેબીનમાં ફસાયેલ ડ્રાયવર-કંડક્ટરને મૃત હાલતમાં બહાર કાઢવામા આવ્યા હતા.ગડરને ટકરાયેલા ડમ્પરની પાછળ આવી રહેલી અન્ય એક ટ્રક ડમ્પરની પાછળ અથડાતાં વિચિત્ર અકસ્માત સર્જાયો હતો. જેમાં ટ્રકના કેબિનને નુકસાન થયું હતું અને તેનો ડ્રાઇવર ફસાઈ ગયો હતો. આ સમયે હાજર ફાયર બ્રિગેડ ટીમ દ્વારા પતરા કાપી ડ્રાઇરને તાત્કાલિક બહાર કાઢ્યો હતો અને હાજર ૧૦૮ દ્વારા તાત્કાલિક સારવાર આપવામા આવી હતી.




