
આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયા આજે વિધાનસભા ખાતે પત્રકાર પરિષદમાં પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે આજે વિધાનસભામાં પ્રશ્નકાળ દરમિયાન ગૃહમંત્રીનો દિવસ હતો તો મારો સવાલ એ હતો કે 2012માં સુરેન્દ્રનગરના થાનગઢ ખાતે દલિત સમાજના નિર્દોષ યુવાનો પર પોલીસ દ્વારા ગોળીબાર કરવામાં આવ્યો, જેમાં કેટલાક યુવાનોના મૃત્યુ થયા અને સરકારે કહેવાતી એસઆઇટી બનાવી. હજુ સુધી પણ દલિત સમાજ ન્યાય માટે ઠેર ઠેર માંગણી કરી રહ્યો છે પરંતુ ન્યાય મળ્યો નથી. મારો સવાલ હતો કે 2013માં એ સમિતિની રિપોર્ટ આવ્યો અને એમાં જે પગલાં લેવાની વાત કરવામાં આવી હતી શું સરકારે પગલા લીધા કે નહીં? ત્યારે જવાબ મળ્યો કે અહેવાલ વિચારણા હેઠળ છે, મતલબ કે 2013થી હજુ સુધી આ લોકો હજુ વિચારણા જ કરી રહ્યા છે. મારો બીજો સવાલ હતો કે રાજકોટ સીટી, રાજકોટ જીલ્લો અને ભાવનગર જિલ્લામાં કુલ કેટલી એફઆઇઆર થઈ અને કુલ કેટલી ઘટનાઓમાં આરોપીઓનો વરઘોડો કાઢવામાં આવ્યો? જવાબ મળ્યો કે 96221 એફઆઇઆર નોંધાઈ તે પૈકી માત્ર 251 ઘટનામાં વરઘોડો કાઢવામાં આવ્યો મારો સવાલ છે કે બધા લોકોનો વરઘોડો કેમ ન નીકળ્યો? ગરીબ અને લાચાર માણસના વરઘોડા નીકાળવામાં આવ્યા છે. ગુજરાતમાં પોલીસ ભાડે મળે છે એ એક દુઃખદ બાબત સામે આવી છે. જ્યારે કોઈ કંપનીએ કોઈ ખેડૂતના ખેતરમાંથી લાઈન નાખવી હોય અને થાંભલા નાખવા હોય ત્યારે કંપની સરકાર પાસેથી પોલીસ ભાડે માંગે છે. કચ્છ જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં ઓછામાં ઓછા 12 કરોડ રૂપિયા લઈને પોલીસ ભાડે આપેલી છે અને એ પોલીસે ખેડૂતો પર દમન કર્યું, દાદાગીરી કરી અને જબરજસ્તીથી કંપનીઓની લાઈનો ખેડૂતના ખેતરોમાં નાખી. જેના ખિસ્સામાં પૈસા હોય પોલીસ એને ભાડે આપવામાં આવે તો આ દાદાગીરી અને અન્યાય છે.
વધુમાં ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ જણાવ્યું હતું કે, બજેટમાં સરકાર ખૂબ ભાષણ કરે છે કે રૂપિયો ક્યાં જશે, પરંતુ રૂપિયો ક્યાંથી આવશે તેનો અભ્યાસ મેં આજે કર્યો. તો બજેટના દિવસે આપવામાં આવેલ એક પુસ્તકમાંથી એક વાત મને જાણવા મળી કે આ સરકાર પાણી વેચે છે. લોકોના ટેક્સથી બનેલા ડેમમાં ઈશ્વરે જે પાણી મોકલ્યું છે એને સરકાર વેચી રહી છે. હાથમતી સિંચાઇ યોજનામાંથી સિંચાઈનું પાણી આપવા બદલ સરકારને 52 લાખની આવક થશે. અને અન્ય હેતુના પાણી વેચાણથી 1 કરોડ 70 લાખ આવશે. તો આ અન્ય એટલે શું? શું ભાજપના નેતાઓની ફેક્ટરીને પાણી આપવામાં આવશે? ઉકાઈ સિંચાઇ યોજનામાંથી સિંચાઈ માટેનું 40 લાખનું પાણી સરકાર વેચશે. ગૃહ વપરાશ માટે 1 કરોડનું પાણી વેચશે. અને અન્ય હેતુ માટે સો કરોડ પચાસ લાખનું પાણી સરકાર વેચશે. આ રીતે અનેક ડેમો અને નદીઓનું પાણી સરકાર ભાજપના નેતાઓના અને ઓળખીતાઓની ફેક્ટરીઓમાં સરકાર કરોડો અબજો રૂપિયાનું હજારો કરોડ લીટર પાણી વેચે છે. ત્યારે બીજી બાજુ ખેડૂતો પાણી માટે વલખા મારે છે.
આમ આદમી પાર્ટી વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ ગુજરાત સરકારના ચાર લાખ કરોડ રૂપિયાના બજેટ અંગે વિગતવાર આંકડાકીય વિશ્લેષણ રજૂ કરતા ગંભીર પ્રશ્નો ઉઠાવ્યા છે. આ બજેટ વિકાસ આધારિત નહીં પરંતુ જનતા પાસેથી ઉઘરાણી આધારિત બજેટ છે. તેમણે જણાવ્યું કે તો સરકાર જે ચાર લાખ કરોડના બજેટની વાત કરે છે પૈસા ક્યાંથી આવશે? સરકારે આ પુસ્તિકામાં વધુ એક વસ્તુ જણાવી હતી કે સરકાર 45,412 કરોડનો ખંખેરી લેવા માંગે છે. એ વેરા ઉપર 250 કરોડનું વ્યાજ અને વ્યાજ ઉપર 75 કરોડનું દંડ લઈને પૈસા ઉઘરાવવા માંગે છે. નવી શરતમાંથી જૂની શરત કરવા જતા જમીનધારકો પાસેથી પ્રીમિયમના નામે અંદાજે 2,000 કરોડ રૂપિયા વસૂલવાની શક્યતા દર્શાવવામાં આવી છે. જમીન માપણી મુદ્દે ગયા વર્ષે 71 કરોડ રૂપિયા આવક નોંધાઈ હતી અને આવતા વર્ષે અંદાજે 50 કરોડ રૂપિયા આવકનો અંદાજ છે. સરકારી પડતર જમીન વેચાણથી પણ આવક વધારવાનો પ્રયાસ થઈ રહ્યો છે.ગયા વર્ષે 214 કરોડ, તેના પહેલાં 302 કરોડ અને 300 કરોડની જમીન વેચાઈ હતી, જ્યારે આવતા વર્ષે અંદાજે 352 કરોડ રૂપિયા આવકનો અંદાજ મૂકાયો છે. તેમણે જણાવ્યું કે સ્ટેમ્પ ડ્યૂટી દ્વારા સરકાર મોટી આવક મેળવી રહી છે. નોન-જ્યુડિશિયલ સ્ટેમ્પમાંથી આવતા વર્ષે 18,282 કરોડ રૂપિયા આવકનો અંદાજ છે, જ્યારે ગયા વર્ષે 17,272 કરોડ અને તેના પહેલાં 14,958 કરોડ રૂપિયા વસૂલાયા હતા. જ્યુડિશિયલ સ્ટેમ્પમાંથી 141 કરોડ રૂપિયા આવક દર્શાવવામાં આવી છે. દારૂબંધી હોવા છતાં દારૂ અને આલ્કોહોલ સંબંધિત આવકમાં ગયા વર્ષે 240 કરોડ, તેના પહેલાં 200 કરોડ અને આવતા વર્ષે 264 કરોડ રૂપિયા આવકનો અંદાજ મૂકાયો છે. વીજળી વપરાશના કરમાંથી આવતા વર્ષે 13,006 કરોડ રૂપિયા વસૂલવાનો અંદાજ છે.
ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ વધુમાં જણાવ્યું હતું કે શિક્ષણ ક્ષેત્રે પ્રાથમિક શિક્ષણ કર પેટે 656 કરોડ, માધ્યમિક શિક્ષણ પેટે 29 કરોડ અને યુનિવર્સિટી તથા ઉચ્ચ શિક્ષણ પેટે 79 કરોડ રૂપિયા મળીને અંદાજે 803 કરોડ રૂપિયા વસૂલાશે. ઉપરાંત GPSC અને UPSC જેવી પરીક્ષાઓના ફોર્મ ફીમાંથી ગયા વર્ષે 27 કરોડ અને આવતા વર્ષે અંદાજે 15.45 કરોડ રૂપિયા આવકનો અંદાજ છે. આરોગ્ય સેવાઓ પેટે ગયા વર્ષે દર્દીઓ પાસેથી 950 કરોડ રૂપિયા વસૂલાયા હતા, તેના પહેલાં 302 કરોડ અને આવતા વર્ષે 1,045 કરોડ રૂપિયા વસૂલવાનો અંદાજ મૂકાયો છે. ખેડૂતો પાસેથી પણ બીજ વેચાણ પેટે 11.49 કરોડ, ખાતર અને રસાયણિક ખાતર વેચાણ પેટે 14.16 કરોડ અને વિવિધ કૃષિ સેવાઓ મળી કુલ અંદાજે 1,159 કરોડ રૂપિયા વસૂલાશે. પોલીસ વિભાગને “અન્ય પક્ષકારોને પૂરી પાડેલી પોલીસ” પેટે ગયા વર્ષે 800 કરોડ, તેના પહેલાં 679 કરોડ અને આવતા વર્ષે 880 કરોડ રૂપિયા આવકનો અંદાજ છે. તેમણે બજેટના ખર્ચીયા હિસાબ પર પણ પ્રકાશ પાડ્યો. ચાર લાખ કરોડના કુલ બજેટમાંથી 1,07,000 કરોડ રૂપિયા સરકારી કર્મચારીઓના પગાર અને પેન્શનમાં જશે, 43,000 કરોડ રૂપિયા લોનની ચુકવણીમાં ખર્ચાશે અને અંદાજે 1,07,000 કરોડ રૂપિયા મૂડી ખર્ચ તરીકે દર્શાવવામાં આવ્યા છે. કૃષિ વિભાગ માટે 24,000 કરોડ ફાળવ્યા છતાં વપરાશ માત્ર 16,000 કરોડ રહ્યો હોવાનું ઉદાહરણ આપતા તેમણે કહ્યું કે મોટી ફાળવણીની જાહેરાતો થાય છે, પરંતુ વાસ્તવિક ખર્ચ ઓછો રહે છે. ભારતીય જનતા પાર્ટી સરકાર પર આક્ષેપ કર્યો કે ચાર લાખ કરોડનું બજેટ જનતાની ખિસ્સા ખાલી કરીને તૈયાર કરવામાં આવ્યું છે અને વિકાસના મોટા દાવા પાછળની વાસ્તવિકતા જનતાએ સમજવી જરૂરી છે.




