આમ આદમી પાર્ટીએ આજે ગાંધીનગર મહાનગરપાલિકા ચૂંટણીને લઈને ગાંધીનગર શહેર અને ગાંધીનગરની જનતા માટે જનકલ્યાણકારી ગેરંટી પત્ર જાહેર કર્યું હતું. આ દરમિયાન આદમી પાર્ટીના પ્રદેશ ઉપપ્રમુખ ગૌરી દેસાઈ, પ્રદેશ ઉપપ્રમુખ કૈલાશદાન ગઢવી, પ્રદેશ સંગઠન મંત્રી વિક્રમ દવે અને પ્રદેશ સંગઠન મંત્રી તથા પ્રદેશ મુખ્ય પ્રવક્તા ડૉ.કરણ બારોટ હાજર રહ્યા હતા. પ્રદેશ ઉપપ્રમુખ ગૌરી દેસાઈએ ગેરંટી પત્ર મુદ્દે વાત કરતા જણાવ્યું હતું કે, ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી અંતર્ગત ગાંધીનગરની જનતા માટે આજે આમ આદમી પાર્ટી 14 અલગ અલગ મુદ્દાઓને લઈને ગેરંટી પત્ર જાહેર કરે છે. શિક્ષણ, સ્વાસ્થ્ય, પાણી અને જન સુવિધાઓ, રોજગાર અને આર્થિક વિકાસ, ટેક્સ અને નાગરિક રાહત, પરિવહન, પાર્કિંગ અને સડક સુરક્ષા, મહિલા અને બાળ સુરક્ષા, ખેડૂત અને ગ્રામીણ વિસ્તારનો વિકાસ, પર્યાવરણ અને સ્વચ્છતા, રમતગમત અને સાંસ્કૃતિક વિકાસ, પશુઓ માટેની વ્યવસ્થા, ફાયર સેફટી અને આપત્તિ વ્યવસ્થાપન, પારદર્શિતા અને જવાબદેહી, સામાજિક ન્યાય અને દારૂબંધી જેવા આ તમામ 14 મુદ્દાઓ પર કામ કરવાનો અમારો સંકલ્પ છે. આમ આદમી પાર્ટી ઘરે ઘરે જઈને લોકોના કામ કરીને આ સંકલ્પને પુરા કરશે. ગત ચૂંટણીમાં ગાંધીનગરની જનતાએ આમ આદમી પાર્ટીને 22% મત આપ્યા હતા અને આ વખતે અમે આશા રાખીએ છીએ કે ગાંધીનગરની જનતા આમ આદમી પાર્ટીને જીતાડીને મેયર બનાવે.
વધુમાં આમ આદમી પાર્ટીના નેતા ગૌરી દેસાઈએ જણાવ્યું હતું કે, કોર્પોરેટરના વિસ્તારોમાં જ્યાં દારૂને લગતી કામગીરી થઈ રહી હોય છે, તેમાં ધારાસભ્ય, કોર્પોરેટર અને મંત્રીઓની મિલીભગત હોય છે, જેના કારણે એ વસ્તુઓ બહાર નથી આવતી. જો કોર્પોરેટરની ઈચ્છા હશે અને તેઓ જનતાની સેવા કરવા માટે જનતાના મુદ્દાઓને ઉઠાવવા માંગતા હશે તો તેઓ દારૂબંધીનો મુદ્દો લઈને કોર્પોરેશનમાં જશે અને જ્યાં જ્યાં દારૂનું વેચાણ થતું હશે તેને બંધ કરાવશે. ગત ચૂંટણીમાં અમે પ્રચાર કર્યો હતો અને આ વખતે પણ પ્રચાર કરી રહ્યાં છીએ તો જોઈ રહ્યાં છીએ કે જે સમસ્યાઓ હતી એ એમની એમ જ છે. થોડો વરસાદ પડે છે તો પાણી ભરાઈ જાય છે, ગટર વ્યવસ્થામાં હજુ પણ તકલીફ છે, ગામડાનો વિકાસ નથી થયો, ગુજરાતનું પાટનગર હોવા છતાં પણ ગાંધીનગરમાં હજુ પણ ખૂબ જ તકલીફો છે અને આ તમામ તકલીફોના મુદ્દા પર આમ આદમી પાર્ટી મજબૂતીથી કામ કરશે.
આમ આદમી પાર્ટીના પ્રદેશ ઉપપ્રમુખ કૈલાશદાન ગઢવીએ પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે, ગાંધીનગર મહાનગરપાલિકામાં પાછલા પાંચ વર્ષથી ટ્રિપલ એન્જિનની સરકાર, કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને મહાનગરપાલિકા છતાં તેમણે ગાંધીનગરને શું આપ્યું? જો આપણે છેલ્લાં પાંચ વર્ષના કામકાજને જોઈએ તો ત્રણ મુખ્ય બાબતો સામે આવે છે, જેમાં મહાનગરપાલિકા પોતાની પ્રાથમિક જવાબદારીઓ અને સેવાઓ પૂરી પાડવામાં નિષ્ફળ નીવડી છે. મહાનગરપાલિકા દ્વારા પીવાના પાણીમાં ગટરનું પાણી ભળી જાય છે અને લોકો ઘરે-ઘરે દૂષિત પાણી પીવા મજબૂર બન્યા છે, જેના કારણે મોટા પાયે રોગચાળો ફેલાયો છે અને આખું શહેર બીમારીમાં સપડાયું છે. આમ છતાં, આ સરકાર કે મહાનગરપાલિકાના પ્રમુખ રાજીનામું આપવા તૈયાર નથી, કોઈ તપાસ કરાવવામાં આવતી નથી કે જવાબદાર વ્યક્તિઓ સામે કાનૂની કાર્યવાહી કરવામાં આવતી નથી. ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર અને તંત્રના મિસમેનેજમેન્ટનું ઉદાહરણ એ છે કે, શહેરમાં ૮૦ ટકા નવી નાખવામાં આવેલી ગટર લાઈનો મકાનોના લેવલ કરતાં પણ ઊંચી છે! જેના કારણે લોકો કનેક્શન લઈ શકતા નથી, કારણ કે જો કનેક્શન ચાલુ કરવામાં આવે તો ગટરનું પાણી લાઇનમાં જવાને બદલે લોકોના ઘરોમાં પાછું આવે છે. આવું અવિચારી આયોજન તેમણે કર્યું છે. ત્રીજું, ગાંધીનગર દુનિયાની સૌથી ગ્રીન કેપિટલ (હરિયાળી રાજધાની) તરીકે ઓળખાતું હતું, પરંતુ વિકાસની આંધળી દોડમાં આડેધડ વૃક્ષો કાપીને હરિયાળી છીનવી લેવામાં આવી છે અને તેની સામે નવું વાવેતર કરવામાં આવતું નથી. જેના કારણે ગાંધીનગર તેની ગ્રીન સીટી તરીકેની ઓળખ ગુમાવી રહ્યું છે. આમ આદમી પાર્ટી તરીકે અમારો પ્રયાસ રહેશે કે લોકોને પીવાનું શુદ્ધ જળ, યોગ્ય ગટર યોજના અને તમામ મૂળભૂત સુવિધાઓ મક્કમતાથી મળી રહે.
પત્રકારોના સવાલના જવાબ આપતા કૈલાશદાન ગઢવીએ જણાવ્યું હતુ કે ભારતના ઇતિહાસમાં જ્યારે પણ સારું કામ થયું છે, ત્યારે સામે પક્ષે સામ, દામ, દંડ, ભેદ અને ગુંડાગીરી જેવાં દળ-બળનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આજે ગુજરાતમાં જેને ‘ચાણક્યની નીતિ’ કહેવામાં આવે છે, તે વાસ્તવમાં ગુંડા તત્ત્વો અને ગુંડાગીરી છે જેના કારણે લોકો ડરી રહ્યા છે. પરંતુ અમે આમ આદમી પાર્ટીના કાર્યકરો છીએ, જનતાની વચ્ચે રહેનારા લોકો છીએ. અમે કોઈપણ પ્રકારનું દબાણ, ધમકી કે અમારી કામગીરીમાં દખલગીરી સહન નહીં કરીએ. અમે મીડિયા અને જવાબદાર પત્રકારોના માધ્યમથી લોકો સુધી પહોંચીશું અને જેઓ પોતાની મર્યાદા છોડીને કામ કરી રહ્યા છે તેમનો પર્દાફાશ કરીશું. ’આપ’ ધારાસભ્ય ચૈતર વસાવા અંગે પ્રશ્નનો જવાબ આપતા જણાવ્યુ હતુ કે ચૈતર વસાવા એક મહાન આદિવાસી નેતા છે. વર્ષો પછી ભારતના ઇતિહાસમાં એક એવો આદિવાસી નેતા પેદા થયો છે જે ખરા અર્થમાં જળ, જંગલ અને જમીનની લડાઈ લડી રહ્યો છે. ચૈતરભાઈ પર ખોટો કેસ કરવામાં આવ્યો છે અને તેઓ જેલમાં હોવા છતાં તેમની લાગણીઓ પોતાના વિસ્તારના લોકો સાથે જોડાયેલી છે. લોકોને પણ ખબર છે કે તેમની સામે ખોટો કેસ થયો છે, અને આ લાગણીનો ફાયદો પાર્ટીને ચોક્કસ થશે. ચૈતરભાઈ પર આ રાજકીય અત્યાચાર છે. તેઓ પહેલીવાર જેલમાં નથી ગયા, અનેકવાર જેલમાં ગયા છે અને બહાર આવ્યા છે, તેમ છતાં તેમના વિરોધ અને લડતમાં કોઈ ફેરફાર થશે નહીં.
આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મંત્રી વિક્રમ દવેએ જણાવ્યું હતું કે, ગત એપ્રિલ ૨૦૨૬માં ગુજરાતમાં કોર્પોરેશનની ચૂંટણીઓ આવી એ પછી અન્ય રાજકીય પાર્ટીઓ થાક ખાય, ત્યારે આમ આદમી પાર્ટીએ પોતાની સંગઠનની જે ખામીઓ હતી તેને પૂરવા માટે એક દિવસ પણ થાક ખાધા વગર અથાગ પ્રયત્નો કર્યા છે. આજે પાર્ટી બૂથ સ્તર સુધી પહોંચવાની અણી પર આવી ગઈ છે. આ કોઈ નવી વાત નથી; ગયા વખતે જ્યારે આપણી પાસે એટલી સંઘટનાત્મક પ્રવૃત્તિઓ નહોતી, ત્યારે પણ આપણે ૨૨ ટકા મત મેળવ્યા હતા. આપણા જે કોર્પોરેટરો ચૂંટાયા, તેઓ પાંચેય વર્ષ સુધી આમ આદમી પાર્ટી સાથે જ ટકી રહ્યા; જ્યારે કોંગ્રેસના કોર્પોરેટરો ભાજપમાં જતા રહ્યા. આમ આદમી પાર્ટી એક કટ્ટર ઈમાનદાર પાર્ટી છે, અને તેને આ વખતે જે સંગઠનાત્મક લાભ મળવાનો છે તે ખૂબ મોટો દેખાઈ રહ્યો છે. સંગઠન હવે મજબૂત રીતે ફરીથી બંધાઈ રહ્યું છે.




