આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મંત્રી તથા નર્મદા જિલ્લા પ્રમુખ નિરંજન વસાવાએ એક ગંભીર મુદા પર વીડિયોના માધ્યમથી પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકામાં રૂંઢ ભીલવાડા ગામમાં રહેતા ધર્મેશભાઈ રતિલાલભાઈ વસાવા ધમણાચા ગામ ખાતે નદી પાર કરી ખેત મજૂરી કરી સાંજે પરત ફરી રહ્યા હતા. ત્યારે નદીમાં તેમના પર મગર દ્વારા હુમલો કરવામાં આવ્યો. તેમને બંને હાથમાં ગંભીર ઈજા થઈ છે. તેઓ હાલ રાજપીપળા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ છે. અમે અત્યારે ઇજાગ્રસ્ત ધર્મેશભાઈ વસાવા અને સાથે સાથે ડોક્ટર અને સ્ટાફ સહિત લોકોની મુલાકાત લીધી. ગઈકાલના રોજ આ દુખદ ઘટના ઘટી પરંતુ ફોરેસ્ટના અધિકારીઓ આજ સુધી પણ અહીં આવ્યા નથી. આ વિસ્તારમાં વસતા ખેડૂતો અને સામાન્ય લોકો વારંવાર દીપડાઓનો ભોગ બનતા આવ્યા છે, પશુઓનો પણ શિકાર કરવામાં આવે છે અને હવે મગર દ્વારા પણ હુમલો કરવામાં આવ્યો છે.
વધુમાં આમ આદમી પાર્ટીના નેતા નિરંજન વસાવાએ જણાવ્યું હતું કે, નદીના કાંઠાના વિસ્તારોમાં જે મગરો છે, તેમને પકડીને નર્મદા ડેમ, કરજણ ડેમની પાછળનો જે ભાગ છે, ત્યાં તેમને છોડવામાં આવે. જેથી કરીને ભવિષ્યમાં ફરીથી અહીંયા કોઈ દુઃખદ બનાવો ન બને. સાથે સાથે અમારી માંગ છે કે પીડિત પરિવારને યોગ્ય સહાય આપવામાં આવે. ગઈકાલથી પોલીસ વિભાગ સાથે પણ વાત કરવામાં આવી છે પરંતુ પોલીસ વિભાગના કોઈ લોકોએ પીડિત પરિવારની સાથે મુલાકાત કરી નથી. વહીવટી તંત્ર અને સરકારી વિભાગને અમારી વિનંતી છે કે મગરને વહેલામાં વહેલી તકે પકડીને નર્મદાના ઊંડાણ વિસ્તારમાં છોડવામાં આવે અને પીડિત પરિવારને યોગ્ય સહાય ચૂકવવામાં આવે.




