
નોકરીનું નકલી નેટવર્ક.ગુજરાતમાં EDના દરોડાથી કૌભાંડીઓમાં ફફડાટ.વિશ્વાસ જીતવા માટે સરકારી સિક્કા અને લેટરપેડવાળા આબેહૂબ નકલી એપોઈન્ટમેન્ટ લેટર પધરાવી દેતી હતી.ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી સરકારી ભરતીઓમાં અનિયમિતતાના કિસ્સાઓ સામે આવતા રહ્યા છે, પરંતુ હવે આ બાબતે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ સીધી કાર્યવાહી હાથ ધરતા મોટો ખળભળાટ મચી ગયો છે. રાજ્યમાં રેલવે અને અન્ય સરકારી કચેરીઓમાં નોકરી અપાવવાના બહાને ચાલતા એક મોટા રેકેટનો પર્દાફાશ કરવા માટે ED દ્વારા વિવિધ સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા છે.મળતી માહિતી પ્રમાણે આ કાર્યવાહી પાછળનું મુખ્ય કારણ નકલી કોલ લેટર બનાવીને બેરોજગાર યુવાનો સાથે કરવામાં આવેલી લાખો રૂપિયાની છેતરપિંડી હોવાનું મનાય છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, એક ગેંગ સક્રિય હતી જે ઉમેદવારોને રેલવે અથવા સરકારી વિભાગોમાં નોકરી અપાવવાની લાલચ આપી, વિશ્વાસ જીતવા માટે સરકારી સિક્કા અને લેટરપેડવાળા આબેહૂબ નકલી એપોઈન્ટમેન્ટ લેટર પધરાવી દેતી હતી. આ નેટવર્ક દ્વારા મોટાપાયે નાણાકીય ગેરરીતિ એટલે કે મની લોન્ડરિંગ થઈ હોવાની શંકાના આધારે EDએ તપાસનો દોર સંભાળ્યો છે.મળતી માહિતી મુજબ, સૌરાષ્ટ્રના આર્થિક હબ ગણાતા રાજકોટમાં વહેલી સવારથી જ EDની ટીમો દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. રાજકોટ ઉપરાંત અન્ય મુખ્ય શહેરોમાં પણ શંકાસ્પદ વ્યક્તિઓના નિવાસસ્થાને અને ઓફિસોમાં દસ્તાવેજાેની ચકાસણી કરવામાં આવી રહી છે. આ દરોડા દરમિયાન ડિજિટલ પુરાવા, બેંક ટ્રાન્ઝેક્શનની વિગતો અને ડાયરીઓ જપ્ત કરવામાં આવી શકે છે, જે આ કૌભાંડના મૂળ સુધી પહોંચવામાં મદદરૂપ થશે.
EDની આ આક્રમક કાર્યવાહીથી સરકારી નોકરીના નામે દુકાનો ચલાવતા વચેટિયાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. તપાસમાં એ પણ જાેવામાં આવશે કે આ છેતરપિંડીના નાણાં ક્યાં રોકવામાં આવ્યા છે અને શું આમાં કોઈ મોટા માથાઓ કે સરકારી બાબુઓની મિલીભગત છે કે નહીં.




