
ફરી ખાખીને લાંછન લગાડતી શરમજનક ઘટના.પોલીસકર્મીઓએ એક યુવક સાથે અમાનવીય વર્તન કર્યું.નંબર પ્લેટ વગરની ગાડી બાબતે થયેલી બોલાચાલીમાં પોલીસકર્મીઓએ એક યુવક સાથે અમાનવીય વર્તન કર્યું હોવાના આક્ષેપો થયા છે.રક્ષક જ ભક્ષક‘ બને ત્યારે જનતાનો કાયદા પરથી વિશ્વાસ ઉઠી જતો હોય છે. સંસ્કારી નગરી વડોદરામાં ફરી એકવાર ખાખીને લાંછન લગાડતી શરમજનક ઘટના સામે આવી છે. સયાજીગંજ ટ્રાફિક પોલીસ સ્ટેશનના ઉચ્ચ અધિકારી અને કર્મચારીઓ પર એક નિર્દોષ યુવકને ઢોર માર મારવાનો ગંભીર આરોપ લાગ્યો છે.
મળતી માહિતી મુજબ, વિવાદની શરૂઆત માત્ર નંબર પ્લેટ વગરની ગાડી બાબતે થઈ હતી. સામાન્ય બોલાચાલી બાદ પોલીસકર્મીઓએ માનવતા નેવે મૂકીને યુવક સાથે હિંસક વર્તન શરૂ કર્યું હતું.
ઈજાગ્રસ્ત યુવકે રડતી આંખે પોતાની આપવીતી વર્ણવતા જણાવ્યું કે, પોલીસે તેને પકડીને પોલીસ વેનમાં બેસાડ્યો અને ત્યાં જ તેને માર મારવાનું શરૂ કરી દીધું હતું.
આ ઘટનામાં સૌથી ચોંકાવનારી બાબત ટ્રાફિક ACP ડી.એમ. વ્યાસની સંડોવણી છે. યુવકનો આરોપ છે કે ટ્રાફિક પોલીસ સ્ટેશન લઈ ગયા બાદ ACP અને અન્ય કોન્સ્ટેબલોએ તેને કોઈ જાનવરની જેમ દંડાથી ફટકાર્યો હતો. અત્યાચારની હદ તો ત્યારે વટાવી જ્યારે યુવકને જમીન પર સુવડાવી, તેની છાતી પર ચઢી જઈને તેના ગુપ્ત ભાગો પર ગંભીર ઈજાઓ પહોંચાડવામાં આવી. આ ઘટના બાદ વડોદરાની જનતા પૂછી રહી છે કે શું ખાખી વર્દી પહેર્યા પછી કાયદો હાથમાં લેવાનો અને કોઈની જિંદગી સાથે ખીલવાડ કરવાનો પરવાનો મળી જાય છે?”
શહેરમાં બુટલેગરો અને ગુંડા તત્વો સામે ઘૂંટણિયે પડતી પોલીસ એક સામાન્ય નાગરિક સામે સિંઘમ બનવાનો પ્રયાસ કેમ કરી રહી છે? નંબર પ્લેટ વગરની ગાડીનો ગુનો દંડપાત્ર હોઈ શકે, પણ શું તેના માટે કોઈને અધમૂવો કરી નાખવો એ વ્યાજબી છે?
અત્યાચાર ગુજારનાર ACP અને કોન્સ્ટેબલો સામે તાત્કાલિક કડક તપાસ થાય. જેમ ગુનેગારોનો વરઘોડો કાઢવામાં આવે છે, તેમ આ ‘ખાખીધારી ગુંડાઓ‘ સામે પણ કાયદેસરની કાર્યવાહી થાય. પીડિત યુવકને ન્યાય મળે અને દોષિતોને સસ્પેન્ડ કરવામાં આવે.
આ ઘટનાએ પોલીસ તંત્રની કાર્યશૈલી પર અનેક સવાલો ઉભા કર્યા છે. હવે જાેવાનું એ રહે છે કે ઉચ્ચ પોલીસ અધિકારીઓ પોતાના જ વિભાગના આ ‘દાગી‘ અધિકારીઓ સામે પગલાં લેવાની હિંમત બતાવે છે કે પછી મામલાને રફેદફે કરી દેવામાં આવે છે.




