
૩૧ ફર્સ્ટ પહેલા બુટલેગરોના અવનવા કીમિયો.દીવમાંથી દારૂ ગુજરાતમાં ઘુસાડવાનો પ્રયાસ કરાયો.તપાસ દરમિયાન કારમાંથી ગેસના બાટલા (સિલિન્ડર)માં છુપાવેલ વિદેશી દારૂની ૧૯ બોટલ મળી આવી હતી.ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકામાં નવાબંદર મરીન પોલીસે મોટી કાર્યવાહી કરીને વિદેશી દારૂની હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે. પોલીસને બાતમી મળી હતી કે દીવથી વિદેશી દારૂ ગુજરાતમાં ઘુસાડવાનો પ્રયાસ થઈ રહ્યો છે. આ અંગે પોલીસે સતર્કતા દાખવીને ચેકિંગ શરૂ કર્યું હતું.
આ દરમિયાન એક યુવક ફોર વ્હીલર કારમાં દારૂ લઈને જતો હોવાની શંકા પર પોલીસે વાહન રોક્યું હતું. તપાસ દરમિયાન કારમાંથી ગેસના બાટલા (સિલિન્ડર)માં છુપાવેલ વિદેશી દારૂની ૧૯ બોટલ મળી આવી હતી.યુવકે અવનવા કીમિયા અજમાવીને ગેસ સિલિન્ડરની અંદર ચોરખાનું બનાવી દારૂની હેરાફેરી કરવાનો પ્રયાસ કર્યો હતો. નવાબંદર મરીન પોલીસે આરોપી યુવકને ઝડપી લીધો છે. કાર સહિત કુલ ૨ લાખ ૭૬ હજાર રૂપિયાનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે.
ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં બુટલેગરો અવારનવાર નવા કીમિયા અજમાવીને વિદેશી દારૂની હેરાફેરી કરે છે, જેને રોકવા પોલીસ સતત સક્રિય છે. પોલીસે આ મામલે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ અને કાર્યવાહી હાથ ધરી છે. આ કાર્યવાહીથી વિસ્તારમાં દારૂની હેરાફેરી કરનારા તત્વોમાં દહેશત ફેલાઈ છે.બીજી બાજુ, સંસ્કારી નગરી વડોદરાથી દારૂ છુપાવવાના વધુ એક કીમિયાનો પર્દાફાશ થયો છે. LCB ટીમે ડભોઈના અરણીયા ગામે બાતમીના આધારે દરોડા પાડ્યા હતા. જ્યાંથી ઘરના રસોડામાં બનાવવામાં આવેલા ભોંયરામાંથી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો છે. આ જથ્થાની બજાર કિંમત આશરે ૩ લાખ ૩૧ હજાર રૂપિયા જેટલી થવા જાય છે.




